SURAT

અડાજણના ભક્તિ ડેવલપર્સના કરોડોના ફ્રોડનો પર્દાફાશ: રોકાણકારોની દુકાન બીજાને વેચી દીધી

સુરત: (Surat) અલથાણના વેપારીએ અડાજણમાં ભક્તિ ડેવલપર્સના (Bhakti Developers) પ્રોજેક્ટમાં ત્રણ દુકાનો રોકાણ માટે લીધી હતી. આ દુકાનના રૂપિયા 1.15 કરોડ રૂપિયા તથા બીજા એક વ્યક્તિના 58 લાખ મળી 1.73 કરોડ રૂપિયા ભાગીદારોએ લીધા હતા. અને બાદમાં આ દુકાનો બીજાને વેચી રૂપિયા પણ પરત નહીં આપતા અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની (Cheating) ફરિયાદ નોંધવામાં આવી હતી.

  • અલથાણ આર્શીવાદ રેસીડેન્સીમાં રહેતા કાપડના વેપારી નીરવ દેબલા સાથે છેતરપિંડી
  • એલ.પી. સવાણી રોડના વેલેન્ટીના બિઝનેશ હબમાં 2018માં 1.15 કરોડમાં 3 દુકાનમાં રોકાણ કર્યું હતું
  • પીપલોદના સુશિલ તહેલરમાણી પાસે પણ 58 લાખ લીધા હતા

અલથાણ આશીર્વાદ રેસીડેન્સીમાં રહેતા નીરવ રતનલાલ દેબલા (ઉ.વ.42) કાપડનો વેપાર કરે છે. નીરવભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ભક્તિ ડેવલોપર્સના ભાગીદારો બંટી નરેશ સાદડીવાલા (રહે,ભક્તિ વિહાર સોસાયટી, અડાજણ), પ્રદીપ મફતલાલ પટેલ (રહે.આશીર્વાદ રેસીડેન્સી, સીટી લાઈટ), રાકેશકુમાર બાબુભાઈ દુધવાલા અને ડીમ્પલ રાકેશ દુધવાલા (રહે.સમર્પણ સોસાયટી, અડાજણ), રંજનબેન રાજેન્દ્ર ભગત અને રાજેન્દ્ર ભગત (રહે.સુર્ય પ્રકાશ બંગ્લોઝ, પીપલોદ), દિનેશ હરીભાઈ પટેલ (રહે.ઇન્દ્રલોક બંગ્લોઝ, ઉધના), ભાવિન કાંતીભાઈ પટેલ, રાજેન્દ્ર ભગત અને જીગર ગીરીશચંદ્ર ગજ્જર (રહે.શ્રીનાથ કોમ્પ. અલથાણ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અડાજણ ખાતે ભક્તિ ડેવલપર્સ દ્વારા વેલેન્ટીના બિઝનેશ હબ બનાવાયું હતું. વર્ષ 2018 માં આ બિઝનેશ હબમાં ફાયદો મળશે તેવી આશાએ દુકાન નંબર યુજી-04, 05 અને 06 ખરીદી કરવા તૈયારી બતાવી હતી. આ દુકાનના કુલ 1.15 કરોડ રૂપિયા ભાગીદારોને ચુકવી આપ્યા હતા. તથા પીપલોદ ખાતે રહેતા સુશિલભાઈ તહેલરમાણી પાસેથી પણ 58 લાખ રૂપિયા લઈ કુલ 1.73 કરોડ રૂપિયા મેળવ્યા હતા. બાદમાં આ દુકાનોને અન્ય વ્યક્તિને વેચી દસ્તાવેજ કરી આપ્યા હતા. અને વેપારી પાસેથી લીધેલા રૂપિયા પણ પરત આપ્યા નહોતા. અડાજણ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સુરત શહેર-જિલ્લામાં છ કેસમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા કલેક્ટરનો હુકમ
સુરત: સુરત શહેર અને જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ અંગે મળેલી ફરિયાદમાં કલેક્ટર આયુષ ઓકે 6 કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે.
સુરત શહેર અને જિલ્લામાં વિતેલાં કેટલાંક વરસથી જમીન માફિયાઓ બેફામ બન્યા છે. સુરત શહેરમાં બોગસ પાવર તેમજ બોગસ સાટાખત કે બોગસ પેઢીનામાં ઊભા કરી જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર ચાલતું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં તો મસલ્સ પાવરના જોરે જમીન ઉપર કબજો જમાવી દેવાયો હતો. આવી અનેક ફરિયાદો ઊઠી હતી. જેને લઇ રાજ્ય સરકારે લાદેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટને લઇ જમીન માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. તાજેતરમાં સુરત જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 41 ફરિયાદનો સમાવેશ કરાયો હતો. આ 41 કેસની તપાસ બાદ સુરત કલેક્ટર આયુષ ઓકે 6 કેસમાં ફોજદારી દાખલ કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત સિવિલ દાવા કે હાઇકોર્ટ મેટર પેન્ડિંગ હોવાથી 31 જેટલી ફરિયાદ દફ્તરે કરી દેવાઇ હતી. ચાર કેસમાં મામલતદારમાંથી સ્થળ સ્થિતિનો રિપોર્ટ અને ફરિયાદીઓનાં નિવેદન બાકી હોવાથી નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top