Surat Main

બોર્ડની પરીક્ષાની સ્લીપ ઘરે ભૂલી જાવ તો ચિંતા નહી કરતા આ રીતે પણ આપી શકશો પરીક્ષા

સુરત: શહેરમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા 28મી માર્ચથી શરૂ થવાની છે. કોરોના કાળ બાદ હવે બે વર્ષ પછી વિદ્યાર્થીઓ શાળામાં જઈ પરીક્ષા આપશે. ત્યારે શહેરમાં હાલ ઠેર ઠેર મેટ્રોનાં બેરિકેટિંગ છે તેમજ ઘણી જગ્યાએ ખોદકામને કારણે રસ્તા બંધ કરી દેવાયા છે.

જેના કારણે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા જતા ટ્રાફિકની સમસ્યા ન થાય એ રીતે આયોજન કરવા માટે મેયરની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર, મનપા કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી, ખાનગી તેમજ સરકારી શાળાના આચાર્યો, મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અને મેયર હેમાલી બોઘાવાલાએ રસ્તા ઉપર યોગ્ય ડાયવર્ઝનની માહિતી અને દિશા-નિર્દેશ આપવા માટે સૂચના આપી હતી.

બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પોલીસ હેરાન નહિ કરે
હાલમાં શહેરમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે ઘણા રસ્તા ઉપર બેરિકેટિંગ કરાયાં છે તેમજ ડ્રેનેજ અને પાણીની લાઈનના કારણે રસ્તા ઉપર ખોદકામ કરાયું છે. હવે 28મી માર્ચથી પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી નવા ખોદકામ બંધ રાખવા પણ સૂચના અપાઈ હતી. તેમજ પોલીસ કમિશનરને હાલમાં બોર્ડના વિદ્યાર્થીઓ કે તેને શાળાએ મુકવા જતા વાલીઓના લાયસન્સ ચેક નહીં કે કોઈપણ બાઈક જમા ન કરવા માટે જણાવાયું હતું. વિકાસ પ્રોજેક્ટ માટે વિવિધ માર્ગો પર ખોદકામ અને બેરીકેડિંગના લીધે રસ્તા બંધ છે. જેથી બેઠકમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ડાયવર્ઝન જાહેર કરાયેલા રસ્તા પર ટ્રાફિક રહેતો હોવાથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષ પોઇન્ટ ઊભા કરી વિવિધ રૂટ પર વધારાના પોલીસ કર્મીઓની વ્યવસ્થા ગોઠવવા નક્કી કરાયું હતું.

વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો ટ્રાફિક પોલીસ સેન્ટર સુધી પહોંચવામાં મદદ કરશે
વિદ્યાર્થીઓ પરીક્ષાની સ્લીપ ઘરે ભૂલી જાય તો ઘરેથી વોટ્સએપથી મંગાવી અને ફોટો બતાવી પણ પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવે તેવી શિક્ષણાધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો તેને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા ટ્રાફિક પોલીસ મદદ કરશે. ખાસ કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પાછળ આવેલી લિટલ ફ્લાવર સ્કૂલ બોર્ડનું સેન્ટર છે અને અહીં દરરોજ ખૂબ જ ટ્રાફિક થાય છે. જેથી અહીં ટ્રાફિક પોલીસ તેમજ શિક્ષકોને રાખી યોગ્ય વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ 15 મિનીટ વહેલા સેન્ટર પર પહોંચે : DEO
વિદ્યાર્થીઓને મુકવા લેવા આવતા વાલીઓના ટોળાના લીધે વ્યવસ્થા ન ખોરવાય તે માટે શિક્ષકોને પણ શાળા પરિસરની આસ-પાસ તૈનાત રહેવા કહેવાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. વાલીઓ વધુ સમય ગેટ પર ઊભા રહેતા હોવાથી વ્યવસ્થા ખોરવાતા બાળકોને 15 મિનિટ પહેલાં પહોંચી જવા DEOએ અપીલ કરી હતી.

Most Popular

To Top