National

2019ની સરખામણીએ 2021ના પહેલા છ મહિનામાં હીરા ઝવેરાતનો એક્સપોર્ટ અધધ આટલા કરોડ પર પહોંચી ગયો

સુરત: (Surat) માર્ચ 2019થી દોઢ વર્ષ સુધી વિશ્વમાં કોરોનાની સાયકલ ચાલ્યા પછી વેક્સિનેશનને લીધે સ્થિતિમાં સુધાર થવા સાથે અમેરિકા અને યુરોપના દેશોએ તેમના નાગરિકોના ખાતામાં મોટી રકમની સહાય ટ્રાન્સફર કરતા તેનો સૌથી મોટો લાભ ટેક્સટાઇલ (Textile) અને જેમ્સ એન્ડ જવેલરી (Gems & Jewelery) સેકટરને મળી રહ્યો છે. અમેરિકન નાગરિકો અને યુરોપના નાગરિકો સામાન્ય રીતે વીકેન્ડમાં મોટી રકમનો ખર્ચ કરતા હોય છે એવી જ રીતે હરવા ફરવાના પણ શોખીન હોય છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને લીધે વર્ક ટુ હોમમાં ઘરે રહેતા તેમની પાસે મોટી રકમની બચત થઇ હતી. હવે જયારે ડિસેમ્બરમાં યુરોપમાં ક્રિસમસની સિઝન આવી રહી છે ત્યારે આ દેશોના લોકોએ બચતમાંથી ડાયમંડ અને જવેલરી ખરીદવાનું શરૂ કર્યું છે. તેને લીધે 2019ની તુલનાએ 2021ના પ્રથમ છ મહિનામાં જેમ્સ એન્ડ જવેલરીનો એક્ષપોર્ટ (Jewelry Export) 11 ટકા વધીને 140412 કરોડ થયો છે.

ભારત સરકારે અમેરિકા માટે 42 ટકાનો લક્ષયાંક આપ્યો હતો. જે સિદ્ધ થઇને 46 ટકા થયો છે. તેવી જ રીતે સ્ટડેડ ગોલ્ડ જવેલરીનો 60 ટકા એક્ષપોર્ટ વધીને 17761 કરોડ નોંધાયો છે. તેનો મહત્તમ લાભ મુંબઇ અને સુરતના હીરા ઉદ્યોગકારો અને જવેલરી મેન્યુફેકચર્સને થયો છે. જેજીઇપીસીના ચેરમેન કોલીન શાહે જણાવ્યું હતું કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન આ સેકટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદી જોવા મળી છે. ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જવેલરી શો દુબઇમાં યોજાયો તેને પણ ખૂબ સફળતા મળી છે. આ તેજી યથાવત રહેશે તો ભારત 75 બિલિયન યુ.એસ. ડોલરનો લક્ષય સિદ્ધ કરશે.

મુંબઇના સિપ્સમાં 200 કરોડના ખર્ચે મેગા કોમન ફેસિલિટી સેન્ટર તૈયાર થઇ રહ્યું છે. તેમાં સરકારે વધુ 70 કરોડ આપવાની જાહેરાત કરી છે. 30 ટકા એક્સપોર્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનથી થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનો એક્ષપોર્ટ 26.98 ટકા વધી 91489 કરોડ નોંધાયો છે. પોલિશ્ડ ડાયમંડમાં તૈયાર હીરાનો એક્ષપોર્ટ પણ વધ્યો છે. જયારે સોનાના આભૂષણોનો એક્ષપોર્ટ 60 ટકા વધી 17761 કરોડ નોંધાયો છે. ચાંદીના આભૂષણોનો એક્ષપોર્ટ 153 ટકા વધી 9477 કરોડ નોંધાયો છે. ક્રિસમસની સિઝન નજીક છે ત્યારે હીરા ઝવેરાત ઉદ્યોગની આ તેજી સુરતમાં અને મુંબઇમાં મોટુ મની રોટેશન લાવશે તેવી શકયતાઓ ઉદ્યોગકારોએ વ્યકત કરી છે. તેને લીધે સુરત અને મુંબઇમાં બાંધકામ ઉદ્યોગમાં પણ 2022ના નવા વર્ષે તેજી આવવાની શકયતા છે.

Most Popular

To Top