અમદાવાદ,
અમદાવાદ સિવીલ હોસ્પીટલના યુરોલોજી અને એનેસ્થેશિયા વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ મળીને ૪૭ વર્ષીય દર્દીના શરીરમાંથી ‘ફિઓક્રોમોસાઇટોમા’ નામની દુર્લભ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી તેમને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ આશરે ૧૦ લાખ રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં આ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે દર્દી નિતેશ વનાભાઈને ૨૧ વર્ષ બાદ ફરીથી આ જ પ્રકારની ગાંઠ થઈ હતી, જે એક અતિ દુર્લભ ઘટના ગણાય છે. વર્ષ ૨૦૦૫માં પણ તેમની આ જ સમસ્યાની સારવાર અહીં જ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી કમરના ગંભીર દુખાવા અને અનિયંત્રિત બ્લડ પ્રેશરની સમસ્યાને લઈને તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તપાસ દરમિયાન સીટી સ્કેન દ્વારા આશરે ૬૬x૬૪ મી.મી. કદની ગાંઠ હોવાની પુષ્ટિ થઈ હતી.
સિવિલ હોસ્પીટલના યુરોલોજી સર્જરી વિભાગના વડા ડો. ક્ષેણિક શાહના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવતા ગાંઠ મુખ્ય ધમનીઓ, શિરા અને આંતરડા સાથે ચોંટેલી હોવાને કારણે ઓપરેશન અત્યંત જટિલ બન્યું હતું. સર્જરી દરમિયાન હોર્મોનલ અસંતુલનના કારણે બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ થતો હોવાથી એનેસ્થેશિયા ટીમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ સર્જરી લેપ્રોસ્કોપી પદ્ધતિથી કરવામાં આવી હતી, જેમાં મોટી ચીર-ફાડ કર્યા વગર ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી. હાલમાં દર્દીની તબિયત સ્થિર છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.