SURAT

પહેલી માર્ચ સુધીમાં 4thયર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામની ક્રેડિટ નક્કી કરી સિલેબસ તૈયાર કરવા સૂચના

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) આવતા વર્ષથી બીકોમ, બીએ, બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સ ચાર વર્ષના કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ નિર્ણયથી વિદ્યાર્થીઓને (Student) પોતાના રસ મુજબના વિષયો (Subject) પસંદ કરવા માટે એક કોલેજમાંથી બીજી કોલેજમાં અથવા એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવાનો ઓપ્શન આપવામાં આવશે. જેથી સોમવારની એકેડેમિક કાઉન્સિલે પ્રોગ્રામની જગ્યાએ કોર્સ અનુસાર એટલે કે ક્રેડિટ અનુસાર પહેલી માર્ચ સુધીમાં સિલેબસ તૈયાર કરવાની ફેકલ્ટી ડીનોને સૂચના આપી છે. એટલું જ નહીં, ક્રેડિટ અનુસાર ફી નક્કી કરવા પણ સૂચન કર્યું છે.

યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ સહિતની ફેકલ્ટીઓના ડીનોને શૈક્ષણિક વર્ષ 2022-23થી ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામના કરિક્યુલમ ફેર્મ વર્ક અને ક્રેડિટ સિસ્ટમનો અમલ કરવા આદેશ કર્યો છે. એટલું જ નહીં હાલમાં થર્ડ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં જઇ શકે એ માટે બ્રિજ કોર્સ તૈયાર કરવાનો પણ આદેશ કર્યો છે.

દરમિયાન સોમવારે ફરી એકેડેમિક કાઉન્સિલમાં ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામની ચર્ચા થઈ હતી. જેમાં પહેલી માર્ચ સુધીમાં નવો સિલેબસ તૈયાર કરી મંજૂરી મેળવી લેવાનો આદેશ કર્યો છે. પણ આ નવી સિસ્ટમને કારણે યુનિવર્સિટીમાં ખૂબ જ મોટો ફેરફાર આવશે. યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ્સ અને કોલેજોના પ્રોગ્રામ્સ કોર્સ અનુસાર એટલે કે ક્રેડિટ અનુસાર નક્કી થશે. ઉપરાંત ફી પણ ક્રેડિટ અનુસાર નક્કી કરાશે. ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ કોર સબ્જેક્ટ પોતાની કોલેજમાં અભ્યાસ કરશે. જ્યારે ઇલેક્ટિવ સબ્જેક્ટ અન્ય કોલેજ કે યુનિવર્સિટીમાંથી કરશે. આમ, નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને પોતાના રસ અનુસારના વિષયો પસંદ કરવાની છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં, એક કોલેજમાંથી બીજી કોલેજ કે પછી એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવાનો ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓની ક્રેડિટ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં જમા થશે. જે વિદ્યાર્થી સાથે દરેક શૈક્ષણિક સંસ્થા પણ જઈ શકશે.

માસ્ટરના એક વર્ષના કોર્સનો સિલેબસ તૈયાર કરવા પણ સૂચના
એકેડેમિક કાઉન્સિલે માસ્ટરના એક વર્ષના કોર્સનો સિલેબસ તૈયાર કરવા પણ ફેકલ્ટી ડીનોને સૂચના આપી છે. હાલમાં બીસીએમાં ફોર્થ યર પ્રોગ્રામનો કોર્સ ચાલી રહ્યો છે. ઉપરાંત નવા શૈક્ષણિક સત્રની અન્ય અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ પણ ફોર્થ યરના થશે. જેથી યુનિવર્સિટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

અમરોલી કોલેજમાં રિસર્ચ સેન્ટર ઊભું કરવા મંજૂરી આપી
યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે એસઓપીને ધ્યાને રાખીને અમરોલી કોલેજમાં રિસર્ચ સેન્ટર ઊભું કરવાની મંજૂરી આપી છે. જો કે, કોલેજ દ્વારા રિસર્ચ સેન્ટર ઊભું કરવા માટે પ્રપોઝલ મુકાઈ હતી. જેથી એકેડેમિક કાઉન્સિલને એસઓપીનું પાલન થતું હોવાનું જણાતાં જ તેમણે રિસર્ચ સેન્ટર ઊભું કરવા મંજૂરી આપી છે.

Most Popular

To Top