Comments

શ્રીલંકાની કટોકટીએ લાખો લોકો માટે ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકી છે

શ્રીલંકા એવા દેશનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે નાટકીય રીતે કોવિદ લોકડાઉન, પ્રવાસન ઉદ્યોગનું ધોવાણ અને વિદેશમાં વસતાં કામદારોના ઓછા રેમિટન્સથી પ્રભાવિત થયું છે. ૧૯૪૮ માં શ્રીલંકાને આઝાદી મળી ત્યારથી સૌથી ખરાબ આર્થિક કટોકટી વચ્ચે શ્રીલંકાનાં લોકો ખાવા માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખાદ્યપદાર્થો અને ઈંધણના આસમાનને આંબી જતા ભાવો, મુખ્ય ચીજવસ્તુઓની અછત અને નબળા પાકે લાખો લોકો જે કટોકટી પહેલાં જ પૂરતું પોષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા તેમના માટે જીવન વધુ મુશ્કેલ બનાવ્યું છે. સ્ત્રીઓ અને બાળકોની પરિસ્થિતિ વધુ ખરાબ છે.

સરકારી સહાય કે જેના પર તેઓ આધારિત હતા, જેમ કે બાળકો માટે મફત શાળાભોજન અટકાવી દેવામાં આવ્યું છે, જ્યારે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ફોર્ટિફાઇડ ખોરાકનું વિતરણ મહિનાઓના વિક્ષેપો પછી હમણાં જ ફરી શરૂ થયું છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફુડ પ્રોગ્રામ અને ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનાં તારણો અનુસાર શ્રીલંકાના ૬૦ લાખથી વધુ લોકો એટલે કે ૩૦ ટકા વસતી ખાદ્યસંકટમાં છે. શ્રીલંકાના ૬૦ ટકાથી વધુ પરિવારો ઓછો ખોરાક અથવા સસ્તો અને ઓછો પૌષ્ટિક ખોરાક ખાય છે. આ પરિસ્થિતિ મહિલાઓ અને બાળકો માટે પહેલાથી જ ઊંચા કુપોષણના દરને વધુ વકરાવી શકે છે.

WFPએ કોલંબોમાં લગભગ ૨૪૦૦ સગર્ભાઓ માટે ૪૦ ડોલરના ફુડ વાઉચર્સ સાથે સહાય યોજના શરૂ કરી છે. વર્ષના અંત સુધીમાં WFPએ ૩૪ લાખ લોકો ખાસ કરીને બાળકો, સગર્ભાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ સુધી ખોરાક, રોકડ અને વાઉચર સહાય પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે લાખો શ્રીલંકનો માટે આગળ અનિશ્ચિત ભવિષ્ય છે. દરેક પસાર થતા દિવસ સાથે વૈશ્વિક સ્તરે ખોરાક, બળતણ અને ખાતરની કિંમતો સતત વધી રહી છે. ફુગાવો, સ્થાનિક ચલણના ઝડપી અવમૂલ્યન અને ખોરાક સહિત આવશ્યક ચીજોની આયાત માટે જરૂરી વિદેશી હુંડિયામણની અછતને કારણે વસતીને પૂરતો અને પૌષ્ટિક આહાર નથી મળી રહ્યો.

રોજિંદી જરૂરિયાતો પરવડી શકે તેમ ન હોવાથી અને પુરવઠો ઓછો હોવાથી શ્રીલંકાનાં પરિવારોએ ફળો, શાકભાજી, માંસ અને ડેરી ઉત્પાદનો જેવા વધુ પૌષ્ટિક પરંતુ ખર્ચાળ ખોરાક છોડવો પડ્યો છે. WFP અને FAOના મૂલ્યાંકનમાં એવું પણ જાણવા મળ્યું છે કે પાંચમાંથી બે એટલે કે ૪૦ ટકા શ્રીલંકાનાં પરિવારોની આવક અડધી થઈ ગઈ છે. ખાદ્યપદાર્થોના આસમાને પહોંચેલા ભાવોને લીધે લગભગ એક ચતુર્થાંશ વસતી દિવસમાં ઓછામાં ઓછું એક ભોજન છોડી રહી છે. બાળકો ધરાવતાં પરિવારોની બચત વપરાઇ રહી છે અથવા ખોરાક માટે તેઓ દેવું કરી રહ્યા છે. શ્રીલંકાના ૬૦ ટકાથી વધુ પરિવારો આવું કરી રહ્યાં છે, જે તેમની નાણાંકીય અને પોષણની સ્થિતિને વધુ બગાડી શકે છે.

તાજેતરની મુખ્ય પાકની મોસમ દરમિયાન ડાંગરનું ઉત્પાદન અડધું થઈ ગયું હતું અને વર્તમાન પાકની મોસમ પર પણ બિયારણ, ખાતર, બળતણ અને ધિરાણની અછતને કારણે સંકટ છે. આના કારણે શ્રીલંકાનો મુખ્ય ખોરાક એવા ચોખાનો પુરવઠો ઓછો અને લોકોને પરવડે નહીં તેવો થઈ ગયો છે. ખાતરો અને જંતુનાશકોના અભાવે પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. કથળેલી અર્થવ્યવસ્થાને કારણે ખેતીની કોઈ પણ સામગ્રી મળી શકતી નથી. ઇંધણનો ખર્ચ એટલો ઊંચો છે કે ખેતરોની સંભાળ માટે પાણીના પંપ અથવા ખેડાણ મશીનનો ઉપયોગ કરી શકાતો નથી.

અન્ય મધ્યમ આવક ધરાવતા દેશોની સરખામણીમાં શ્રીલંકામાં બાળકોમાં કુપોષણનો દર ઘણો ઊંચો છે. વર્તમાન કટોકટી અને કોવિદ મહામારી પહેલાં પણ, પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં ૧૫ ટકા બાળકો તેમની ઊંચાઈ પ્રમાણે ખૂબ જ દુબળાં હતાં, જ્યારે ૧૭ ટકા બાળકો ઉંમર પ્રમાણે ઠીંગણાં હતાં. આ આંકડો વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે ‘ખૂબ ઊંચો’ ગણવામાં આવે છે. WFP ચિંતિત છે કે વર્તમાન આર્થિક કટોકટી કુપોષણના દરમાં વધુ વધારો કરશે. આના લીધે વર્ષોના વિકાસના લાભો ધોવાઈ જશે અને કદાચ આવનારાં વર્ષો અને દાયકાઓ સુધી એની અસર રહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top