Sports

ઇંગ્લેન્ડ સામે પહેલી T-20માં ભારતની નજર મિશન વર્લ્ડકપ પર

સાઉધેમ્પ્ટન : ઇંગ્લેન્ડ (England) સામે ગુરૂવારથી (Thursday) શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 મેચની સીરિઝ દરમિયાન વર્લ્ડકપ (Worldcup) માટેની પોતાની શ્રેષ્ઠતમ ઇલેવનને અંતિમ રૂપ આપવાના ઇરાદા સાથે પહેલી ટી-20માં મેદાને (Ground) પડશે. કોરોના (Corona) પોઝિટિવ થયા પછી બર્મિંઘમમાં રમાયેલી પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેલો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) આજે બુધવારે અહીં પહોંચી જશે અને ભારતીય સમય અનુસાર રાત્રે 10-30 વાગ્યાથી શરૂ થનારી પ્રથમ ટી-20માં તે રમે તેવી સંભાવના છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટેની ટીમમાં સામેલ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સહિતના ખેલાડીઓ બીજી ટી-20થી ટીમ સાથે જોડાશે.

આ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સેમસન જેવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની વધુ એક તક મળશે અને તેઓ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટેનો પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. હળવી ઇજાને કારણે ગાયકવાડ આયરલેન્ડ સામેની બે ટી-20ની સીરિઝમાં રમી શક્યો નહોતો અને હવે જો રોહિત પહેલી ટી-20 રમશે તો ફરી એકવાર તેણે બહાર બેસવું પડી શકે છે. ઇશાન કિશનને જે તક મળી છે તેમાં તેણે પ્રભાવિત કર્યા છે અને તે ઇંગ્લેન્ડની મજબૂત ટીમ સામે સારી ઇનિંગ રમીને ટીમના રિઝર્વ ઓપનર તરીકે પોતાનો દાવો મજબૂત બનાવશે.
બીજી મેચથી ટીમમાં સામેલ થનારો કોહલી ત્રીજા ક્રમે બેટીંગ કરે તેવી સંભાવના છે અને એ સ્થિતિમાં દીપક હુડા વધુ એક મેચ વિનિંગ ઇનિંગ રમીને પોતાનું મહત્વ સાબિત કરવાનો પ્રયાસ કરશે. ડેબ્યુની રાહ જોતા રાહુલ ત્રિપાઠી અને અર્શદીપ સિંહને બીજી અને ત્રીજી ટી-20 માટે ટીમમાં સામેલ કરાયા નથી અને પહેલી મેચમાં તેમને તક મળે તેવી સંભાવના ઓછી છે.

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતે 15 ટી-20 મેચ રમવાની છે
ભારતીય ટીમ આવતીકાલથી ત્રણ મેચની સીરિઝ ઇંગ્લેન્ડ સામે રમશે અને તેની સાથે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટેની પોતાની શ્રેષ્ઠતમ ઇલેવન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતે કુલ 15 ટી-20 મેચ રમવાની છે. જેમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટી-20 ઉપરાંત, 29 જુલાઇથી 7 ઓગસ્ટ દરમિયાન વેસ્ટઇન્ડિઝ સામે પાંચ ટી-20 તેમજ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપમાં લગભગ 5 મેચ અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 રમવાની છે.

Most Popular

To Top