Columns

મહારાષ્ટ્રની કટોકટીમાં હુકમનું પાનું સ્પીકર રાહુલ નાર્વેકરના હાથમાં છે

મહારાષ્ટ્રમાં સત્તાપલટાનાં પ્રકરણમાં ઝડપી કાર્યવાહી કરીને મરાઠા નેતા શરદ પવારે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. ભત્રીજા અજિત પવારે જ દગો દેતાં શરદ પવાર તેમની કારકીર્દિની સૌથી મોટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેરાત કરી છે કે તેઓ આ કટોકટી સામે લડી લેશે. હજુ પણ હુકમનું પત્તું શરદ પવારના હાથમાં છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં કુલ ૫૩ વિધાનસભ્યો છે. તેમાંના ૩૬ વિધાનસભ્યો જો અજિત પવાર સાથે ન જાય તો તેમનું સૂરસૂરિયું થઈ જાય તેમ છે. તે માટે શરદ પવારે ૧૮ અથવા તેથી વધુને પોતાની સાથે રહેવા માટે સમજાવી લેવાના રહે છે. શરદ પવાર તે માટે પોતાની તમામ તાકાત અજમાવી લેશે. આ સાથે જ શિંદે સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા અજિત પવાર સહિત ૯ ધારાસભ્યો સામે અયોગ્યતાની અરજી દાખલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં શરદ પવાર વિરુદ્ધ બળવો કરનાર અજિત પવારે NCP પર પોતાનો અધિકાર હોવાનો દાવો કર્યો છે, જ્યારે શરદ પવારે કહ્યું છે કે જનતા જ કહેશે કે તે કોની પાર્ટી છે. આ બધાની વચ્ચે પગલાં લેતા શરદ પવારે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. જેમ ભારતીય રાજકારણ પક્ષના વિભાજન, પક્ષપલટા કે ગેરલાયકાતથી મુક્ત નથી તેમ ભારતીય ન્યાયતંત્ર પણ આ રાજકીય ઝઘડાઓમાંથી ઉદ્ભવતી કાનૂની લડાઈઓથી મુક્ત નથી. આવા રાજકીય ઝઘડાઓ અને પક્ષ સામે બળવો કરનારા ધારાસભ્યો માટે પક્ષપલટાનો કાયદો બનાવવામાં આવ્યો છે.

આ કાયદો એવા ધારાસભ્યોને સજા કરે છે જેઓ પક્ષ બદલીને અન્ય પક્ષમાં જોડાય છે. આ માટે પાર્ટીએ આવું કરનાર ધારાસભ્યો સામે વિધાનસભાના સ્પીકર પાસે ગેરલાયકાતની અરજી દાખલ કરવી પડે છે. સ્પીકર આ અંગે નિર્ણય લે છે અને પક્ષપલટો કરનારા નેતાઓ સામે પગલાં લે છે. તેમની સદસ્યતા પણ પક્ષપલટાવિરોધી કાયદા હેઠળ જઈ શકે છે.
જો કે સમયાંતરે સ્પીકરની સત્તા અને તેનો નિર્ણય લેવામાં લાગતા સમય અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે આવા કિસ્સાઓમાં સ્પીકર પર નિર્ણયમાં વિલંબ કરવાનો આરોપ લાગતો રહે છે.

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવા માટે સ્પીકર કેટલો સમય લઈ શકે? આ પ્રશ્ન એટલા માટે પણ મહત્વનો છે કે તેનો નિર્ણય કરવાનો અધિકાર માત્ર સ્પીકરને જ છે. ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય અનુસાર સ્પીકર દ્વારા નિર્ણય લેવામાં આવે તે પહેલાં કોર્ટ તેના પર ચુકાદો આપી શકતી નથી. ઉપરાંત આ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

જો કે એક કિસ્સામાં કોર્ટે અયોગ્યતાની અરજી પર નિર્ણય લેવા માટે સ્પીકર માટે સમય મર્યાદા નક્કી કરી હતી. કેશમ મેઘચંદ્ર સિંહ વિરુદ્ધ મણિપુર વિધાનસભા અધ્યક્ષના કેસમાં સુપ્રીમ કોર્ટનો આ ૨૦૨૦નો નિર્ણય હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્પીકરે યોગ્ય સમય ગાળામાં નિર્ણય લેવો પડશે. કોર્ટે ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે સ્પીકર દસમી અનુસૂચિ હેઠળ ટ્રિબ્યુનલ તરીકે કામ કરી રહ્યા છે. તેઓ યોગ્ય સમયગાળામાં ગેરલાયકાતની અરજીઓનો નિર્ણય લેવા માટે બંધાયેલા છે. અદાલતે સંસદને દસમી અનુસૂચિ હેઠળના પક્ષપલટા બાબતના વિવાદોનો નિર્ણય કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશોની આગેવાની હેઠળની કાયમી ટ્રિબ્યુનલ જેવી સ્વતંત્ર જોગવાઈ કરવા માટે બંધારણમાં સુધારો કરવાનું પણ સૂચન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસદ માટે સમય આવી ગયો છે કે જ્યારે સ્પીકર કોઈ ચોક્કસ રાજકીય પક્ષનો હોય ત્યારે અયોગ્યતાની અરજીઓ સ્પીકરને નિર્ણય માટે મોકલવી જોઈએ કે કેમ તે અંગે પુનર્વિચાર કરે. કોર્ટે કહ્યું હતું કે દસમી અનુસૂચિ હેઠળ ઉદ્ભવતા સભ્યોની અયોગ્યતા સંબંધિત વિવાદોની મધ્યસ્થી માટે જોગવાઈ કરવા માટે સંસદ બંધારણમાં સુધારો કરવા માટે ગંભીરતાથી વિચાર કરી શકે છે. તેના દ્વારા અધ્યક્ષની જગ્યાએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરીને કેસોની તપાસ કરી શકાય છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે સ્પીકર અયોગ્યતાની અરજીની સુનાવણીમાં વિલંબ કરે છે. આ અંગે મણિપુર હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્પીકર અયોગ્યતાની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે.

જો કે હાઈકોર્ટે એમ કહીને તે અરજી દાખલ ન કરવાનો નિર્ણય લીધો હતો કે શું કોર્ટ સ્પીકરને નિર્દેશ આપી શકે છે? તે પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. અત્રે એ નોંધનીય છે કે ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે આ પ્રશ્નને મોટી બેંચને મોકલ્યો હતો કે શું હાઈકોર્ટે લોકસભા અને વિધાનસભાના અધ્યક્ષને અયોગ્યતાની અરજીનો નિર્ણય ચોક્કસ સમયમાં આપવાનો નિર્દેશ આપવો જોઈએ? જો કે સુપ્રીમ કોર્ટે તેના ૨૦૨૦ના ચુકાદામાં હાઈકોર્ટના અવલોકન સાથે અસંમતિ દર્શાવી હતી. સ્પીકરને નિર્દેશો આપવાની કોર્ટની સત્તાનો પ્રશ્ન મોટી બેંચ સમક્ષ પેન્ડિંગ છે, કારણ કે રાજેન્દ્ર સિંહ રાણાના કેસમાં તેનો જવાબ આપવામાં આવ્યો હતો.

વાસ્તવમાં ૨૦૦૭માં રાજેન્દ્ર સિંહ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો સ્પીકર તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય તો તે ન્યાયિક સમીક્ષાના અધિકારક્ષેત્રને જન્મ આપશે. તેથી સ્પીકરને સોંપેલ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવામાં નિષ્ફળતાનો દસમી અનુસૂચિ પેરા ૬ માં સમાવિષ્ટ નિયમ દ્વારા બચાવ કરી શકાતો નથી, જે જણાવે છે કે વ્યક્તિને ગેરલાયક ઠરાવવામાં આવશે કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય સ્પીકરના હાથમાં છે. તેથી કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે સ્પીકર વાજબી સમયની અંદર અરજીનો નિર્ણય લેવાનું ટાળે છે, ત્યારે ત્યાં સ્પષ્ટ ગેરરીતિ છે જે હાઇકોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તાના ઉપયોગમાં દખલ કરવાની ફરજ પાડે છે. આ કારણે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે પણ નિશ્ચિત્ત સમયમાં પક્ષપલટાની અરજીઓનો નિકાલ લાવવો પડશે.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર ભાજપના નેતા છે. જ્યારે એકનાથ શિંદે શિવસેનામાં ભંગાણ પડાવીને સરકારમાં જોડાઈ ગયા ત્યારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકનાથ શિંદેનો સાથ આપનારા ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી કરવામાં આવી હતી, જેનો ચુકાદો લગભગ એક વર્ષ પછી પણ રાહુલ નાર્વેકરે આપ્યો નથી. સુપ્રિમ કોર્ટે રાહુલ નાર્વેકરને ઝડપથી ચુકાદો આપવાની તાકીદ કરી તેના એક મહિના પછી પણ તેઓ ચુકાદો આપી શક્યા નથી. હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ૯ વિધાનસભ્યોનો કેસ પણ તેમની સમક્ષ આવશે. આ બાબતમાં સ્પીકરનો ચુકાદો નિર્ણાયક બની રહેશે. દરમિયાન મુંબઈમાં એવી હવા છે કે રાહુલ નાર્વેકર એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવીને શિંદેને મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવાની ફરજ પાડશે. જો તેમ થાય તો એકનાથ શિંદેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જશે. ભાજપ તેમને ડમ્પ કરીને અજિત પવારને મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી બનાવી શકે છે.

Most Popular

To Top