SURAT

સરથાણામાં ભાડેથી સ્પા આપીને રૂપિયા કમાતા માલિકને પોલીસે પકડી પાડ્યો

સુરત: સરથાણામાં (Sarthana) સ્પા (Spa) શરૂ કરીને અન્ય વ્યક્તિને સંચાલન કરવા માટે રાખી પોતે ભાગી જનાર સ્પા પાર્લરના માલિકને એસઓજીએ સરથાણામાંથી પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સરથાણામાં આવેલા રાઇઝ ઓન પ્લાઝામાં પહેલા માળે ચાલતા અનમોલ સ્પામાં પોલીસે (Police) છ મહિના પહેલાં રેડ પાડી હતી અને લલના તેમજ સ્પા સંચાલક સુમન ચંદ્રશેખર મહાનતીને પકડી પાડ્યા હતા.

આ સાથે જ પોલીસે સ્પાના મૂળ માલિક મનોજ સંન્યાસીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે આ મનોજ સંન્યાસી સરથાણા શ્યામધામ મંદિર પાસે આવ્યો હોવાની માહિતી મળતાં એસઓજીની ટીમે વોચ ગોઠવી મનોજને પકડી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં મનોજ બહારથી ગ્રાહકોને બોલાવીને શરીર સુખની સવલતો પૂરી પાડતો હતો. તો કેટલાક કિસ્સામાં બહારથી ગ્રાહકો પોતાની સાથે લલનાઓને લાવતા હોય તેઓને સાથે રૂમ આપતો હોવાનું પણ પોલીસે કહ્યું હતું. હાલ તો પોલીસે મનોજની ધરપકડ કરી સરથાણા પોલીસને સોંપી દીધો હતો.

સિંગણપોરમાં દારૂના અડ્ડા પર દરોડામાં 3 લાખનો દારૂ સીઝ
સુરત : સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પાછળ પતરાના શેડ બનાવીને ચાલતા દારૂના અડ્ડા પર ચોકબજાર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં કુલ 3504 નંગ બિયર અને વ્હીસ્કીની બોટલ પકડાઇ હતી. જેમાં ભજરાજ ઉર્ફે રાજુ ઉદયનાથ સૂર્યા (ઉ. વર્ષ 36)ની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં સિંગણપોર ખાતે રહેતો આ ઇસમ મૂળ ઓરિસ્સાનો વતની છે. પોલીસે અંદાજે 3.02 લાખની માલ મત્તા સીઝ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. ચોક બજારમાં દારૂના અડ્ડા ખૂલ્લેઆમ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો કરવામાં આવ્યા બાદ પીઆઇ ઔસુરિયા દ્વારા આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી.

સિંગોદના મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
બારડોલી : બારડોલી ગ્રામ્ય પોલીસે સિંગોદ ગામે મંદિરમાં થયેલી ચોરીનો ગુનો ઉકેલી નાંખ્યો હતો. પોલીસે બે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.27મીની રાત્રે બારડોલીના સિંગોદ ગામે આવેલા ભવાની માતા મંદિરમાં ચોરી થઈ હતી. ચોરો મંદિરમાંથી દાનપેટી તોડી 4500 રૂપિયાની રકમ ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ ઘટના અંગે મંદિરના સંચાલક પ્રકાશ રણછોડ પટેલે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ચંપક માનસિંહ ચૌધરી (રહે.,ઉમરખડી, તા.માંડવી) જણાવ્યું હતું. પૂછપરછમાં તેણે સિંગોદ ગામે મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં માંકણઝર ગામના હાર્દિક ઉર્ફે પપ્પુ રામસિંગ ચૌધરીનું નામ ખૂલતાં પોલીસે તેને પણ તેના ઘરેથી પકડી લીધો હતો. બંનેની ધરપકડ કરી આવતીકાલે રિમાન્ડ માટે બારડોલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવણી છે કે નહીં એે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top