Entertainment

અફસોસ… ગુલઝારની ફિલ્મોમાં ‘રાખી’નો સારો ઉપયોગ થયો જ નહીં

આ ૧૫મી ઓગસ્ટે રાખી ગુલઝાર ૭૫માં વર્ષમાં પ્રવેશશે. જોકે ફિલ્મચાહકોને મન તો તેની પરદા પરની ઉંમર જ સામે હોય છે, અને એજ હોવી જોઇએ. વ્યકિત રાખીનું જીવન જૂદું છે. તેના સંજોગો, સગપણો, દુ:ખ-સુખ જૂદા છે. ફિલ્મની અભિનેત્રી તરીકે તે પટકથા અને સંવાદલેખકે સર્જેલા પાત્રોને દિગ્દર્શકની કલ્પના પ્રમાણે સાકાર કરે છે. રાખીની અટક આમ તો મઝુમદાર હતી અને લગ્ન પછી ગુલઝાર અટક અપનાવી.

હકીકતે તો ‘ગુલઝાર’ પણ સંપૂર્ણસીંઘ કાલરાનું ઉપનામ છે, નામ નથી. કયારેક એવું થાય કે ગુલઝાર પોતાની દરેક ફિલ્મને કાવ્યાત્મક કહી શકાય એવા સંવેદન સાથે બાંધતા ને પરદા પર સાકાર કરતા હતા ને ‘કભી કભી’ વખતે યશ ચોપરાને કોઇપણ રીતે રાખી જ જોઇતા હતા. કારણ એ જ કે તેઓને જોઇ એક કવિ પ્રેમમાં પડી શકે. રાખીનાં સૌંદર્ય અને પરદા પરનાં વ્યકિતત્વનું આ પર્ફેકટ આકલન હતું. એ રાખીનો ગુલઝાર પોતાની ફિલ્મમાં ખૂબ સારો ઉપયોગ કરી શકયા હોત અને તે માટે ‘આંધી’, ‘કિનારા’ જેવી ફિલ્મ તરફ સૂચવી શકાય. પણ ગુલઝારે પોતાની એક પણ ફિલ્મમાં રાખીને સ્થાન ન આપ્યું. અભિનેત્રી રાખી તેમના માટે બહુ ‘અંગત’ રહ્યાં.

પરંતુ ગુલઝાર – રાખી સંબંધે જ ચર્ચા કરવાની જરૂર નથી કારણકે રાખીનો સ્વયં એક દરજજો અને ઇલાકો છે. રાખી પરદા પર જેની સાથે વધારે શોભ્યા તે શશીકપૂર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન છે. જીતેન્દ્ર જેવા હીરો સાથે રાખીની જોડી બહુ ન જામે. સંજીવકુમાર સાથે જરૂર જામે. રાખી જાણે કે રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ પ્રકારના નવલકથાકારના કોઇ પાત્ર જેવા વધુ લાગતા હતા. રાખીને તમે ‘સીતા ઔર ગીતા’ની હેમામાલિની યા ‘દુશ્મન’, ‘રોટી’ની મુમતાઝ જેવી કલ્પી ન શકો. તેમનું વ્યકિતત્વ જ એવી પરવાનગી ન આપે.

હા, અભિનેત્રી તરીકેની ક્ષમતાની વાત જૂદી અને તે તેવા પાત્રો ભજવી શકે તેવા હતા. રાખી જાણે કે ‘બંદિની’, ‘સુજાતા’ના નૂતનના કુળના હતા. રાખી આપણને ‘જીવનમૃત્યુ’, ‘શર્મીલી’, ‘લાલ પત્થર’, ‘બ્લેકમેલ’, ‘દાગ’, ‘૨૭ ડાઉન’, ‘કભી કભી’, ‘તપસ્યા’, ‘દૂસરા આદમી’, ‘ત્રિશૂલ’, ‘તૃષ્ણા’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘જૂર્માના’, ‘લાવારિસ’, ‘બસેરા’, ‘શ્રધ્ધાંજલી’, ‘બેમિસાલ’, ‘પારોમા’ માટે યાદ કરવા વધુ ગમે. બાકી જયારે લોકપ્રિય હોય ત્યારે ઘણી ફિલ્મોમાં ઘણા કારણોથી કામ કરવું પડે છે. દરેક ફિલ્મો રાખીની પ્રતિભા અને વ્યકિતત્વને સમજીને જ લખાય એવું તો નથી હોતું. મનોરંજક ફિલ્મોમાં પસંદગી મર્યાદિત હોય અને આગ્રહો રાખો તો તો વધારે મુશ્કેલી.

પણ રાખી એ બધી ફિલ્મો વચ્ચે પોતાને અનુકૂળ ફિલ્મો મળે તો વધુ અસર ઊભી કરતા. સુનીલ દત્તની ‘રેશમા ઔર શેરા’માં થોડા દૃશ્યમાં પણ પોતાનો ઇમ્પેકટ તે મુકી શકે છે. ‘લાલ પત્થર’, ‘દાગ’ જેવામાં તેઓ હેમામાલિની’, શર્મિલા ટાગોર સામે પ્રેક્ષકોને વધુ પસંદ કરે એવા જણાશે. બાકી ‘પારસ’, ‘આંખો આંખો મેં’, ‘વફા’, ‘શહેજાદા’, ‘બેઇમાન’, ‘બનારસી બાબુ’, ‘જોશીલા’, ‘મેરે સજન’, વગેરે ફિલ્મો તેમના બેન્ક અકાઉન્ટને જરૂરી હતી, તેની ઇમેજને નહીં. રાખીએ મુખ્ય અભિનેત્રી તરીકે નિવૃત્તિ પછી મા તરીકે જે ભૂમિકાઓ કરી તે પણ વ્યવસાયિક જરૂરિયાતથી વધુ કાંઇ નહોતી.

રાખીએ કારકિર્દીની શરૂઆત કરી ત્યારે અમિતાભનું સ્ટાર થવું બાકી હતું પણ પછી તે બંનેની જોડીથી ‘કભી કભી’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘કસમે વાદે’, ‘ત્રિશુલ’, ‘કાલાપત્થર’ જેવી સફળ ફિલ્મો મળી અને ‘જૂર્માના’, ‘બરસાત કી એક રાત’, ‘બેમિસાલ’ બોકસ ઓફિસ પર નિષ્ફળ રહી. પણ અમિતાભ પહેલાં રાજેશ ખન્ના સાથે ‘શહેજાદા’, ‘દાગ’, ‘આંચલ’ આવી હતી. આમ છતાં તે અમિતાભ યુગની અભિનેત્રી જ ગણાશે. રાખી અમુક હીરો સાથે કામ કરવાથી બચ્યા અથવા તેમની ઇમેજે તેમને બચાવ્યા. ધર્મેન્દ્ર સાથે ફિલ્મ હોય તો તેમાં ધર્મેન્દ્ર એકશનવાળા ન હોય.

રાજશ્રી પ્રોડકશનવાળાઓએ યોગ્ય રીતે જ ‘જીવનમૃત્યુ’માં ધર્મેન્દ્ર-રાખીની જોડી બનાવેલી. વિજય આનંદે ‘બ્લેકમેલ’ માટે પસંદ કરી ને ‘પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો’ ગીત એ બંને માટે જ હતું. ‘શર્મિલી’માં બે રાખી છે ને બન્ને પ્રભાવી છે. ‘તપસ્યા’નું પાત્ર જાણે રાખી માટે જ સર્જાયેલું હતું. ‘દૂસરા આદમી’માં રાખી અને રિશી કપૂર વચ્ચે સર્જાતો પ્રેમસંબંધ રાખીને પાત્ર સાથે બરાબર જામે છે. ‘કભી કભી’ની તો વાત જ જૂદી છે. પ્રેમસંબંધના જૂદા જૂદા તબકકામાં પણ રાખી-અમિતાભ સ્કેસફૂલ લાગે છે.

રાખીને કેન્દ્રમાં રાખી અનિલ શર્માએ ‘શ્રધ્ધાંજલી’ બનાવી પછી એ પ્રકારના પાત્રો રાખીને મળ્યા પણ રાખી બધી ફિલ્મો નહોતા સ્વીકારતા. દિલીપકુમાર સાથે કામ કરવા તે અમિતાભ બચ્ચનના પરદા પરના મા બનવા તૈયાર થયા. પણ એ પાત્ર છે જે પરદા પર નિભાવવાનું હોય છે. તેમાં અંગતજીવન નથી હોતું. બાકી પાછલા વર્ષોમાં ઋતુપર્ણ ઘોષની ‘શુભોમુહુર્ત’ ફિલ્મે તેમને અભિનયનો રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો તે પરથી કહી શકો કે અભિનય નિષ્ઠા કયારેય ઓછી નથી થઇ બસ સારા પાત્ર મળવા જોઇએ, સારા દિગ્દર્શક મળવા જોઇએ.

રાખીએ એકવાર કહેલું કે મારા ફેવરીટ હીરો રાજેશખન્ના અને શશીકપૂર છે. આપણને થાય કે તેમાં અમિતાભને ઉમેરવાનો જોઇતો હતો. કયારેક આવી પસંદગી જાહેર કરતી વેળા બીજા કારણો પણ જોવા પડતા હોય છે. બાકી, રાખીએ પોતાનો એક મોટો ચાહકવર્ગ ઊભો કરેલો. તેમણે બંગાળી ફિલ્મોથી આરંભ કર્યા પછી પાછલા વર્ષોમાં પણ બંગાળીમાં કામ કરવું પસંદ કર્યું. ૨૦૧૯ માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં તેમની ‘નિર્બોન’ ફિલ્મ રજૂ થયેલી જેમાં તે દૃઢ વિચાર શકિતવાળી ૭૦ વર્ષની વૃધ્ધાનું પાત્ર ભજવે છે. એ વખતે તેમણે કહેલું કે હવે ફિલ્મોમાં કામ કરવું એ મારો હેતુ નથી, બલ્કે સારી વાર્તા, સારા પાત્રો હોય તો જ કામ કરવા તૈયાર થાઉં છું.

રાખી ‘દાગ’, ‘તપસ્યા’ માટે અને પછી ‘રામલખન’ માટે શ્રેષ્ઠ અભિનયનાં ફિલ્મફેર પુરસ્કાર મેળવી ચુકયા છે પણ ‘૨૭ ડાઉન’, ‘પરોમા’, ‘શુભો મુહુર્ત’ ફિલ્મે તેમને રાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવ્યાં છે. કયારેક થાય કે ‘કભી કભી’, ‘દૂસરા આદમી’, ‘તૃષ્ણા’ જેવી ફિલ્મો માટે ય આ એવોર્ડ્‌સ મળવા જોઇતા હતા. ખેર! એવોર્ડસના રાજકારણ બહુ આઘાત આપે એવા હોય છે. ફિલ્મના પાત્ર તરીકે ગમે તે નામ મળે પણ જો રાખીને શોભતા પાત્રનામ વિચારવાના હોય તો કવિતા સહુથી વધુ યોગ્ય લાગશે અને બીજું નામ તે પૂજા. ‘બેમિસાલ’માં અને ‘જમીન આસમાન’માં તે કવિતા છે. તો ‘કભી કભી’માં પૂજા. રાખી ઘણા વર્ષોથી એકાંતપ્રિય રહી જીવન ગુજારે છે.

હવે એ સૌંદર્ય પણ ઊતરી ગયું છે અને એ બધું તો કુદરતી છે. રાખી હવે આગ્રહ પણ નથી રાખતા કે તેમની ચર્ચા થતી રહે. ૨૦ વર્ષની વયે ‘બધુ બરન’ નામની બંગાળી ફિલ્મથી શરૂઆત કરનાર રાખી પાસે ફિલ્મજગતમાં અનેક સ્મરણો છે. કયારેક થાય કે તેઓ એ સ્મરણો લખે તો અમિતાભ યા ગુલઝાર સાહેબ વિશે શું લખે? કયારેક એવું થાય કે રાખીની દિકરી મેઘનાએ રાખીને કેન્દ્રમાં રાખી કેમ એકેય ફિલ્મ ન બનાવી? પણ આ પ્રશ્નો આપણા માટે છે, પૂછવા માટે નથી. રાખી તો જે છે તે તેમની ફિલ્મોથી સામે છે.

Most Popular

To Top