Comments

સમાજની પોતાની પણ એક શિક્ષણનીતિ હોય છે

સરકારે ભલે નવી શિક્ષણનીતિ જાહેર કરી, પણ સમાજ પોતાના અનુભવ, સમજણ અને  જરૂરિયાત મુજબ પોતાની એક શિક્ષણનીતિ તૈયાર કરી જ દેતો હોય છે. આમ પણ  ભારતમાં મોટા ભાગની આધુનિક વ્યવસ્થાઓની સાથે પ્રજાએ પોતાની સમાંતર  વ્યવસ્થાઓ ગોઠવી જ દીધી છે. એટલે માત્ર કાળા નાણાંની જ સમાંતર અર્થવ્યવસ્થા હોય  તેવું નથી.

સમાંતર રાજવ્યવસ્થા,  સમાંતર ન્યાય વ્યવસ્થા કે સમાંતર શિક્ષણ વ્યવસ્થા પણ  હોય છે. ટૂંકમાં સમાજે પોતાની જે સમજણ વિકસાવી હોય તે મુજબ તે વર્તન કરે છે.  શિક્ષણમાં પણ આ જ બાબત જોવા મળે છે. તો કઈ છે આપણી સમજણ?

સૌ પ્રથમ તો આપણે સૌ એવું માનીએ છીએ કે શિક્ષણ માત્ર શાળામાં જ કે શિક્ષણ સંસ્થામાં  જ હોય! વળી વાંચવાનું, જાણવાનું, સમજવાનું, બધું માત્ર જે ભણતું હોય તેણે જ કરવાનું  હોય! એટલે જાણે શાળા-કોલેજ છોડી દીધી તે સૌ તો વાંચવા-વિચારવા કે નવું જાણવાનું  છોડી જ દે છે અને બદલાતા જગતની જાણકારી મેળવવાનો તેમનો એકમાત્ર આધાર  મીડિયા છે!

જેમાં પહેલાં છાપાં હતાં, હવે ચેનલો અને સોશિયલ મીડિયા છે અને આ  મીડિયામાં અપરિપક્વ કન્ટેન્ટ, અધૂરી માહિતી, ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાયા કરે.  રાજકારણીઓ આ અધૂરા જ્ઞાનનો જ લાભ લે છે અને પ્રજાને ભ્રમિત કરે છે.

આપણી શિક્ષણ-સમજણનો બીજો મુદ્દો એ છે કે જેમણે જે લાઈન લીધી હોય તેણે જ તે  વિષયનું વાંચવાનું! મતલબ કે આર્ટસ પ્રવાહમાં હોય તે ભાષા-સાહિત્ય વાંચે, વિજ્ઞાન  પ્રવાહમાં હોય તે વિજ્ઞાન વાંચે અને આર્થિક બાબતો-હિસાબો કોમર્સવાળા વાંચે. 

સાયન્સવાળા સાહિત્યથી દૂર રહે, સાહિત્યવાળા વિજ્ઞાનની વાતોથી કિનારો કરે અને આર્થિક  બાબતોથી સૌને કંટાળો આવે! હવે આપણે એ સમજતાં જ નથી કે માત્ર વિશિષ્ટીકરણ  અને અભ્યાસની જરૂરિયાતોના કારણે આ પ્રવાહો છે.

જીવનમાં બધું જ ભેગું છે. જીવનમાં  ડૉક્ટરને કુટુંબ ચલાવવાનું છે. મૂડી રોકાણનો હિસાબ કરવાનો છે. એન્જિનિયર એકાઉન્ટન્ટને  મેડીકલની સમજ જરૂરી બનવાની છે અને પ્રેમ, લાગણી સંબંધોની કળા સૌએ શીખવાની  છે! 

આમ તો શિક્ષણની વ્યવસ્થામાં ઉપરના વર્ગોમાં ગયા પછી વિશિષ્ટીકરણ થાય છે. પાયાનું  શિક્ષણ તો ભાષા-ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું જ છે જે સૌને મળવું જોઈએ, સૌ એ  મેળવવું જોઈએ!

પણ આપણા સમાજની પરિણામલક્ષી માનસિકતાને કારણે આપણે  આપણાં બાળકને પ્રાથમિક ધોરણથી જ ભાષા કે સમાજવિદ્યા કે પર્યાવરણને બદલે માત્ર  ગણિત-વિજ્ઞાન મુખ્ય બનાવી દઈએ છીએ કારણ કે આપણા મનમાં સ્પષ્ટ જ છે ડૉક્ટર ને  એન્જિનિયર બનવાનું  હોય એણે ભાષા સમાજશાસ્ત્ર વગેરે વાંચવાની શી જરૂર છે!

એટલે  મા-બાપ જ ના પાડે છે કે આ બધામાં સમય ન બગાડશો! પરિણામ એ છે કે ડૉક્ટર,  એન્જિનિયર, વકીલ જેવા સમજના પ્રબુધ્ધ વર્ગને દેશના સમવાયતંત્ર, કેન્દ્ર રાજ્યમાં કાર્ય,  કરવેરા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કામ વગેરેની કશી ખબર જ નથી હોતી.

આવા લોકો  જ લોકપ્રિય વક્તાઓની ગળચટી-ચટપટી વાતોથી તરત અભિભૂત થઈ જાય છે અને  જાહેર જીવનની સામાન્ય માહિતીથી અભિભૂત થઈ જાય છે. આપણાં નેતાઓ આપણાં  પ્રબુધ્ધ વર્ગના આ ‘‘સામાન્ય અજ્ઞાનનો’’ જ લાભ લે છે!

આપણે સૌ એ શિક્ષણ માટેની આપણી સમજણ બદલવાની જરૂર છે. આજનો યુગ આર્થિક  છે. દરેક બાબતમાં ખર્ચ અને આવકના માપદંડ લાગુ પડે છે અને સરકારના બદલાતા  નિયમો આપણાં રાજ્ય બજેટને બદલી નાખે છે.

માટે જ આપણે જી.એસ.ટી, ફાસ્ટેગ,  આધારકાર્ડ, જેવા આર્થિક સામાજિક અસર કરતાં પરિબળોને સમજવાં પડશે. આજે અનેક  ઐતિહાસિક, સામાજિક બાબતો સોશિયલ મીડિયામાં અધકચરી માહિતી સાથે ગેરસમજ  ફેલાવે છે. આપણે ચર્ચા-વાદ-વિવાદ માટે નહિ, પણ આપણી સમજણ માટે આપણને કોઈ  ગેરમાર્ગે દોરી ન શકે! માટે ઈતિહાસ વાંચવો જોઈએ.

ટૂંકમાં શિક્ષણ, વાચન, સમજણ માત્ર શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે નથી,  નાગરિક શાસ્ત્ર, ટ્રાફિકના સામાન્ય નિયમો, જાહેરજીવનને લગતા કાયદાઓ આપણે સૌએ  વાંચવા-સમજવા જોઈએ.

લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top