Comments

તો ૨૦૨૫ પછી દોઢ કરોડ સરકારી નોકરિયાત લોકો ગરીબી રેખા નીચે આવી જશે!

ભારતમાં સરકારી નોકરીને જેકપોટ માનવામાં આવે છે. પ્રજાના નીચલા સ્તરે નિમ્ન મધ્યમ વર્ગમાં સરકારી નોકરી લગ્નના પ્રસ્તાવ મેળવવાનું મજબૂત કારણ બને છે અને જો સરકારી નોકરી મળી તો જીવનમાં આર્થિક નિશ્ચિંતતા અને સ્થિરતાની સો ટકા ગેરંટી માનવામાં આવે છે. પણ, આ બધી જૂની માન્યતાઓ અને માનસિકતાઓ છે. નવા નિયમો અને હકીકતો નહિ જાણવાને કારણે આ ભ્રમણા હજુ ચાલુ છે. હકીકત એ છે કે ૧૯૯૮ પછી દેશમાં સરકારી ખર્ચમાં કાપના બહાને કરકસરની નીતિ અમલમાં આવી અને ૧૯૯૯ પછી વર્ગ ત્રણ અને ચારના સરકારી કર્મચારીઓ માટે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારની નીતિ અમલમાં આવી.

નીતિ ઘડનારા આઇએસ અને પ્રથમ વર્ગના અધિકારીઓ હતા એટલે તેમણે ફિક્સ પગારની નીતિ માત્ર ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે જ વિચારી પ્રથમ અને બીજા વર્ગના અધિકારીઓ પ્રથમ દિવસથી જ પૂર્ણ પગાર મેળવતા રહ્યા. આ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓના કર્મની કઠણાઈ એ કે તેમના પગાર આમ પણ ઓછા હોય અને તેમાંય તે પાંચ વર્ષ ફિક્સ થયા. અત્યારે લોકોને યાદ પણ નહીં હોય કે ૧૯૯૯ માં ઘણાં કર્મચારીઓ માત્ર ૨૫૦૦ રૂપિયા ફિક્સ પગરમાં ઘર ચલાવતા હતા  અને પાંચ વર્ષ સુધી એટલે કે સાઈઠ મહિના સુધી ફિક્સ પગારમાં જ ઘર ચલાવવાનું હતું. 

આપણી હિન્દી ફિલ્મોમાં ક્રૂર વિલન પહેલાં નાયકને બાંધી દે છે. પછી હિરોઈનને નાચવાનું કહે છે અને તોય એને ધરવ ના થાય એટલે ક્રૂરતાની હદ વટાવી, નાચતી હિરોઈનના પગમાં કાચ નાખે છે. એને સતાવે છે. નાયિકા લાચાર છે. નાચ્યા વગર છૂટકો નથી. બસ, આવું જ દેશના બેકાર યુવાનોનું થયું. નોકરી મળી તો ભલે ફિક્સ પગારની, પણ નોકરી તો મળી ને. પાંચ વરસ ગમે તેમ પસાર કરી દઈશું. પણ ના એમની કમનસીબી આટલે અટકી નહીં. સરકારે કાયદો કર્યો, વર્ષ ૨૦૦૪ પછી એટલે કે વર્ષ ૨૦૦૫ થી સરકારી નોકરીમાં લાગેલા તમામ કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના આવી.

આ પેન્શન યોજના બજારમાં રોકાણ અને તેમાંથી મળનારા વળતર પર આધારિત છે. એટલે જૂની પેન્શન યોજનામાં જેમ કર્મચારીને છેલ્લા પગારના પચાસ ટકા નિશ્ચિત પેન્શન મળે છે તેમ નવી યોજનમાં મળવાનું નથી! એક તો સરકાર ઝડપથી ખાલી જગ્યાઓ પર ભરતી કરે નહીં. ભરતીની વિલંબથી ચાલતી પ્રક્રિયામાં યુવાનને માંડ પચ્ચીસ કે સત્તાવીસમા વર્ષે નોકરી મળે અને પછી એ પાંચ વર્ષ ફિક્સ પગારમાં રહે એટલે પૂર્ણ પગાર સાથેની નોકરી ત્રીસ કે બત્રીસમા વર્ષે શરૂ થાય. બીજાં પચીસ વર્ષ નોકરી કરે ત્યાં પેન્શન પર ઉતરવાનો વારો આવે અને તે પણ અનિશ્ચિત અને ઓછું!

નવી મૂલ્યવર્ધિત પેન્શન યોજનામાં કર્મચારીના પગારના ચૌદ ટકા સી. પી. એફ. કપાય છે. સામે એટલી જ રકમ સરકાર ઉમેરે છે. આ રકમનું બજારની જામીનગીરીઓમાં રીકાન થાય છે અને જેમ શેરમાર્કેટ કે મ્યુચ્યુલ ફંડ માર્કેટમાં વળતર મળે તેમ બજાર આધારિત વળતરની ગણતરી થાય છે. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે બજાર જે હોય તે મુજબ તેના રોકાણની ગણતરી કરી તેને રકમ ચૂકવવાની છે  અને પેન્શન ગણવાનું છે.

ધારો કે એક કર્મચારીનો અત્યારે મહિને લાખ રૂપિયા પગાર છે. એટલે તેના ચૌદ હાજર રૂપિયા સી. પી. એફ. ફાળો કપાય. સામે ચૌદ હજાર રૂપિયા સરકાર જમા કરાવે. મહિને અઠ્ઠાવીસ હજાર લેખે વર્ષે ત્રણ લાખ તેંત્રીસ હજાર જેવું જમા થાય. વીસ વર્ષમાં આવી જમા રકમ સાઈઠ લાખ થાય તો નિવૃત્તિ સમયે કર્મચારીને તેના ૬૦ % રોકડ મળે અને બાકીના 40% રોકાણમાં રહે, જેના પર બજાર આધારિત વળતર મળે તે પેન્શન રૂપે ચૂકવાય. મતલબ આપણા ઉદાહરણમાં ૩૬ લાખ રોકડા મળે અને ચોવીસ લાખ પેન્શનનું રોકાણ થાય, જેના પર વર્ષે આઠ ટકા પણ વળતર મળે તો વર્ષે એક લાખ બાણું હજાર થાય, એટલે મહિને ૧૬૦૦૦ પેન્શન બંધાય! એ પણ બજાર આઠ ટકા વળતર આપે તો!

બજારમાં મંદી હોય, રોકાણ કર્યું હોય, તે ફંડોમાં ઘટાડો થયો હોય તો આ વળતર ઓછું થઇ શકે  અને સૌથી મોટી વાત એ કે ત્રીજા અને ચોથા વર્ગનાં કર્મચારીનો તો નિવૃત્તિનાં છેલ્લાં વર્ષોમાં માંડ કુલ પગાર લાખ રૂપિયા થાય! શરૂઆત તો ત્રીસ હજારથી થઇ હોય. એટલે હવે વિચારો, ગઈ કાલ સુધી એંસી હજાર કે લાખ રૂપિયામાં ઘરનું ગુજરાન ચલાવનારા વ્યક્તિને પેન્શન ઉપર ઉતરવા સાથે જ પગાર ઘટીને પંદર-સત્તર હજાર થઇ જાય તો શું હાલત થાય! આ બિલકુલ કલ્પના નથી, કોઈને ડરાવવાની વાત નથી. આ નક્કર હકીકત છે અને વર્ષ ૨૦૨૫ પછી આનો અનુભવ થવાનો શરૂ થશે.

સરકારની ફિક્સ પગારની યોજનામાં ૨૦૦૫ પછી લાગેલા અનેક કર્મચારીઓ કે જેમને મોટી ઉંમરે નોકરી મળી તે બધા જ ૨૦૦૫ પછી કાયમી થયા અને નવી પેન્શન યોજનામાં આવ્યા. હવે ૨૦૨૬ થી તેમની નિવૃત્તિ શરૂ થવાની છે. ૨૦૩૦ સુધીમાં આવા એક કરોડ કર્મચારીઓ નિવૃત્ત થશે. નવી પેન્શન યોજનાનો ખરો અનુભવ સમાજને  થશે. લાખ રૂપિયા કમાનારાં અનેક કુટુંબોની આવક સીધી પંદર-સત્તર હજાર થઇ જશે. સરકાર જો જૂની પેન્શન યોજના આપે તો આટલા કરોડનો બોજો પડશે તેવા આંકડા આપનારા આ કેમ નહીં વિચારતા હોય કે નવી પેન્શન યોજનામાં આટલાં કરોડ કુટુંબો સાવ નીચી આવકમાં આવી જશે!

હાલ દેશમાં નવી પેન્શન યોજનામાં લાગેલા સરકારી કર્મચારીઓ સતત જૂની પેન્શન યોજનાની માગ કરી રહ્યા છે. સરકારે જૂની પેન્શન યોજના કે તેના વિકલ્પે નવી પેન્શન યોજનામાં કંઈક નિશ્ચિત પેન્શન મળે તેવા રસ્તા વિચારવા કમિટી બનાવી હોવાના પણ સમાચાર છે . રાજનીતિમાં વિપક્ષી રાજકીય પક્ષો પણ જૂની પેન્શન યોજના આપવાની બાંહેધરી આપે છે, પણ ચૂંટણીમાં આ મુદ્દો અસરકારક પરિણામ નથી આપતો કારણકે સરકારી કર્મચારીઓના એટલા વોટ જ નથી કે સત્તા પરિવર્તન કરે. માટે વર્તમાન સરકારે જ નવી પેન્શન યોજના માટે પુનર્વિચાર કરવાની જરૂર છે. સરકાર તમામ કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શન અને ચિંતામુક્ત નિવૃત્તિ વિચારે તે તો યોગ્ય જ છે, પણ વર્ષ ૨૦૦૫ પહેલાં જેટલા ફિક્સ પગારમાં લાગ્યા અને ૨૦૦૫ પછી ફુલ પે માં આવતા કાયમી થયાં તે તમામને તો ન્યાયના કુદરતી નિયમ મુજબ જૂની પેન્શન યોજના આપે તે જરૂરી છે. આ માટેનાં કારણો પણ છે.

પહેલું કારણ એ છે કે ૧૯૯૯ થી અને તે પછી ફિક્સ પગારની યોજના લાગુ થઇ ત્યારે જૂની પેન્શન યોજના જ હતી,  પણ કર્મચારી પાંચ વર્ષ પૂરાં કરે પછી જ તેની નોકરી કાયમ ગણવાના નિયમ મુજબ ઘણા ૨૦૦૫ પછી પૂર્ણ પગારમાં આવ્યા. હવે ફિક્સ પગાર યોજના માત્ર ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીમાં હતી એટલે પહેલા અને બીજા વર્ગનાં કર્મચારી તો ૨૦૦૪ માં જોડાયાં ત્યારે જ પૂરો પગાર પણ મળ્યો અને જુનું પેન્શન પણ મેળવ્યું. એક જ દેશમાં બે નાગરિકો માટે બે નિયમ? એકને પૂરો પગાર અને પેન્શન બન્ને અને બીજાને પગાર પણ ફિક્સ અને પેન્શન પણ નહીં? આ કેવું?

તાજેતરમાં ગુજરાત સરકારે તમામ ફિકસ પગારમાં જોડાયેલા કર્મચારીઓના શરૂઆતનાં પાંચ વર્ષ સળંગ ગણવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. જો નોકરી ૨૦૦૦ ના વર્ષથી ગણો છો તો તેને પેન્શન પણ આપો. વળી સરકારે કોર્ટમાં જણાવ્યું છે તે મુજબ “સહાયક”– એ સંવર્ગ છે  અને જો તે સંવર્ગ છે તો આ કર્મચારી પહેલા દિવસથી જ કર્મચારી છે અને જૂની પેન્શન યોજના મેળવવા માટે પ્રથમ અને બીજા વર્ગના કર્મચારી જેટલો જ હક્કદાર છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે અત્યારે દેશમાં સાત કરોડ સરકારી કર્મચારીઓ છે અને કરોડો ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ છે. સરકારી પગાર અને પેન્શન તથા ખાનગીના પગાર ભેગા મળીને અર્થ તંત્ર ચલાવે છે. વર્ષ ૨૦૫૦ માં લગભગ પંદર કરોડ લોકો પેન્શન વગરનાં અને નિવૃત્ત હશે, જેમની પાસે ખર્ચવાપાત્ર આવક જ નહિ હોય. આ આંકડો કેમ કોઈ એસબીઆઈ, રીઝર્વ બેંક કે નીતિ આયોગના તજજ્ઞોને દેખાતો નથી. તો સરકાર! ફરી વિચારો,ગરીબને મદદ કરવી પણ, કોઈ ગરીબ બને નહીં તે માટે પણ મદદ કરવી!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top