Sports

માસુમનો જીવ બચાવવા મેડલની હરાજી કરી: ખરીદનાર કંપનીએ એથ્લેટની ભાવના જોઈ પરત કર્યો

વારસો (પોલેન્ડ) : 8 મહિનાના બાળક મિવોશ્કની હાર્ટ સર્જરી માટે પોતાના સિલ્વર મેડલની હરાજી કરીને તેના માટે રૂ. અઢી કરોડથી વધુની રકમ એકત્ર કરી આપનારી પોલેન્ડ (Poland)ની ભાલા ફેંક એથ્લેટ (Javelin thrower) મારિયા આન્દ્રેજિક (Andrejczykને તેનો એ મેડલ ખરીદનાર પોલેન્ડની સુપરમાર્કેટ ચેન જબ્કા પોલ્સ્કાએ એમ કહીને પરત કર્યો છે કે તેઓ મારિયાના કામથી પ્રભાવિત થઇને એ રકમ મિવોશ્કનો જીવ બચાવવા માટે દાનમાં આપીએ છીએ.

જબ્કાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે અમે મારિયાના સુંદર અને પવિત્ર કામથી ઘણાં પ્રભાવિત થયા છે, અમે એ પણ નિર્ણય કર્યો છે કે આ સિલ્વર મેડલ જે તેણે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં જીત્યો છે તે તેની પાસે જ રહેશે. અમને ખુશી છે કે અમે આ પવિત્ર કામમાં તેને સહકાર આપી શક્યા. આ બાળકની સર્જરી માટે 2,80,000 પાઉન્ડ અર્થાત અંદાજે રૂ. 2.86 કરોડની જરૂરિયાત હતી, જેની સામે મારિયાએ પોતાના સિલ્વર મેડલની હરાજીથી 2,50,000 પાઉન્ડ અર્થાત રૂ. અઢી કરોડથી વધુની રકમ એકત્ર કરી હતી. મારિયા 2016ના રિયો ઓલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહી હતી અને તે પછી તે બોન કેન્સરની બિમારીથી પિડાતી હતી. જો કે 2018માં બોન કેન્સરની બિમારીને હરાવીને મારિયાએ ટ્રેક પર વાપસી કરી હતી અને ટોક્યોમાં તેણે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મહત્વની વાત છે કે ટોક્યોમાં તેણે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો અને આ મેડલ જીત્યા પછી કોઇ અજાણ્યાની મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે આ પહેલું ફંડ રાઇઝર હતું. તે જેના માટે ફંડ ભેગું કરી રહી છે તેની અમેરિકાની સ્ટેનફોર્ડ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી થવાની છે. મારિયાએ સોમવારે કહ્યું હતું કે પોલેન્ડની સ્ટોર જબ્કાએ મેડલની બોલી લગાવીને તેને રકમ ચુકવી મેડલ લઇ લીધો હતો.

મારિયાએ લગભગ એક અઠવાડિયા પહેલા ફેસબુક પર આની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, ‘મેં તેના વિશે ઘણું વિચાર્યું, આ મારો પહેલો ભંડોળ એકત્ર કરનાર હતો અને હું જાણું છું કે તે યોગ્ય નિર્ણય હતો. તેણીએ કહ્યું હતું કે તે હરાજી માટે ખાનગી સંદેશામાં બિડ સ્વીકારશે. મેડલ માટે ખરીદનાર મળ્યા બાદ મારિયાએ આ હરાજી બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે જબ્કા નામની કંપની અંતિમ દાતા છે. આ માટે, મારિયાએ કહ્યું કે તે જબ્કાની આભારી રહેશે.

Most Popular

To Top