Columns

સચિન તેંડુલકરને આપેલો ભારતરત્ન પાછો ખેંચી લેવો જોઈએ?

૨૦૧૪ માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી તેના થોડા સમય પહેલાં ક્રિકેટર સચિન તેંડુલકરને ચાહનારા કરોડો યુવાનોના મતો મેળવવા ડો. મનમોહનસિંહની સરકારે ૪૦ વર્ષના સચિન તેંડુલકરને દેશના સર્વોચ્ચ ખિતાબ ‘ભારતરત્ન’ ની નવાજેશ કરી હતી. સચિન તેંડુલકરે દેશની કે સમાજની કઈ વિશિષ્ટ સેવા કરી હતી કે જેની કદરના રૂપમાં તેને ભારતરત્ન આપવામાં આવ્યો હતો? તે ત્યારે પણ નહોતું સમજાતું અને આજે પણ સમજાતું નથી. સચિન તેંડુલકર ભારત માટે ક્રિકેટ રમતો નહોતો, પણ બીસીસીઆઇ નામની પ્રાઇવેટ કંપની માટે રમતો હતો. તે બદલ તેને કરોડો રૂપિયા મળતા હતા.

હકીકતમાં સચિન તેંડુલકર કોકા કોલા નામની મલ્ટિનેશનલ કંપની માટે રમતો હતો, જેનો તે બ્રાન્ડ એમ્બેસેડર હતો. કોકા કોલા કંપની સચિન તેંડુલકરના ચહેરાનો ઉપયોગ કરીને ભારતના કરોડો યુવાનોને ગુમરાહ કરીને ઝેરી પીણાં પીવડાવતી હતી. કોકા કોલા કંપની જે અબજો રૂપિયા ભારતમાંથી કમાતી હતી તેમાંથી કરોડો રૂપિયા સચિનને આપતી હતી. તેમાંથી ભારત સરકારને ઇમાનદારીથી ટેક્સ ચૂકવી દેવાને બદલે સચિને ટેક્સની ચોરી કરીને તેનું રોકાણ બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં રજિસ્ટર થયેલી કંપનીમાં કર્યું હોવાનું બહાર આવ્યું છે. સચિન ઉપરાંત તેની પત્ની અંજલિ અને સસરા આનંદ મહેતાએ પણ ઓફ્ફશોર કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

અંજલિ અને આનંદ મહેતા એવો કોઈ ધંધો નથી કરતાં જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થાય અને તેનું રોકાણ ટેક્સ હેવનમાં કરવું પડે. ખૂબ સ્વાભાવિક છે કે સચિને ટેક્સ બચાવવા તેનું પોતાનું મહેનતાણું પત્ની અને સસરાને નામે સ્વીકાર્યું હતું. કોઈ કદાચ દલીલ કરશે કે ઘણાં નાગરિકો ટેક્સ બચાવવા આવા ઉપાયો કરતા હોય છે. ફરક એટલો છે કે તેમને સરકાર તરફથી ભારતરત્નનો ખિતાબ આપવામાં આવ્યો નથી હોતો. જો ભારતરત્નનો ખિતાબ મેળવ્યા પછી કોઈ પણ વ્યક્તિ દેશના કાયદાઓનો આદર ન કરે તો તેનો ખિતાબ પાછો લઈ લેતાં સરકારે અચકાવું જોઈએ નહીં.

૨૦૧૧ માં સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળ ભારતની ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારથી જ સચિન તેંડુલકરને ભારતરત્ન આપવા માટે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવનારી કંપનીઓ દ્વારા સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ભારતરત્ન માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા કે ‘‘જેમણે કળા, સાહિત્ય અને વિજ્ઞાનના વિકાસમાં ઉદાહરણીય કામ કર્યું હોય અને શ્રેષ્ઠ કક્ષાની સમાજસેવા કરી હોય તેમને ભારતરત્ન આપવામાં આવશે.’’ આ માપદંડમાં સચિન તેંડુલકર જરાય ફીટ નહોતો થતો, કારણ કે તેણે કળા, સાહિત્ય કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કાંઇ પ્રદાન નહોતું કર્યું. વળી તેણે દેશની કે સમાજની કોઈ શ્રેષ્ઠ સેવા કરી હોય તેવી કોઈ માહિતી બહાર આવી નહોતી.

કોકા કોલા અને બીએમડબલ્યુ જેવી વિદેશી કંપનીઓ સચિન તેંડુલકરને ભારતરત્ન મળે તે માટે સતત લોબિંગ કરી રહી હતી, પણ સરકારે નક્કી કરેલી વ્યાખ્યામાં તે ફીટ બેસતો નહોતો. વિદેશી કંપનીઓનું લોબિંગ એટલું પ્રબળ હતું કે ૨૦૧૧ માં સરકારે ભારતરત્ન આપવા માટેના માપદંડો જ બદલી નાખ્યા. હવે માનવ પુરુષાર્થના કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતરત્ન આપવાનું નક્કી કરવામાં આવ્યું. ૨૦૧૩ માં સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લીધી ત્યારે તે લોકપ્રિયતાની ટોચે હતો અને લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી હતી. સચિનના કરોડો ચાહકોને અને ખાસ કરીને વિદેશી કંપનીઓને ખુશ કરવા સચિનને ભારતરત્નનો ખિતાબ આપી દેવામાં આવ્યો. સચિન આ ખિતાબ જીતનારો સૌથી યુવાન ભારતીય નાગરિક બન્યો.

યુપીએ સરકારે સચિન તેંડુલકરને ૨૦૧૨ માં રાજ્યસભાનો સભ્ય પણ બનાવ્યો હતો, જે પદ તેણે ૨૦૧૮ સુધી શોભાવ્યું હતું. રાજ્ય સભાના સભ્ય તરીકે સચિન તેંડુલકર ભાગ્યે જ ગૃહમાં દેખાતો હતો. આ રીતે તેણે દેશની સેવા કરવાની સામે ચાલીને આવેલી તક પણ વેડફી નાખી હતી. સચિન તેંડુલકર ક્રિકેટમાંથી રિટાયર થઈ ગયો, પણ અનેક કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેની કમાણી ચાલુ જ રહી હતી. આજની તારીખમાં સચિનની કુલ સંપત્તિ ૧૧,૦૦ કરોડ રૂપિયા જેટલી છે. વળી તેની વાર્ષિક કમાણી આશરે ૫૦ કરોડ રૂપિયા જેટલી છે. આ તો એક નંબરની કમાણી થઈ. તેની બે નંબરની આવક કેટલી છે, તેનો કોઈ હિસાબ જ નથી. સચિન જાહેરખબરના અમુક કોન્ટ્રેક્ટ માટે ભારતમાં બહુ મામૂલી રકમ સ્વીકારે છે, જેના પર તેણે ટેક્સ ભરવો પડે છે. બાકીની રકમ વિદેશી કંપનીનાં ખાતાંમાં સ્વીકારી તે કરની કાયદેસરની ચોરી કરે છે.

સચિન તેંડુલર પાસે કેટલું કાળું નાણું છે તેની ઇન્કમ ટેક્સે તપાસ કરવી જોઈએ અને તેના પર ટેક્સ વસૂલ કરવો જોઈએ. સામાન્ય રીતે ભારતરત્નનો ખિતાબ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી ચૂકેલી વ્યક્તિને જ આપવામાં આવે છે, જેની જિંદગી લગભગ પૂરી થઈ ગઈ હોય છે અને જેના સદ્ગુણો ઉપરાંત દુર્ગુણો પણ જો કોઈ હોય તો બહાર આવી ગયા હોય છે. મહાન ઇજનેર વિશ્વસરૈયાને ૯૫ વર્ષની ઉંમરે ભારતરત્ન આપવામાં આવ્યો હતો. વિનોબા ભાવેને ૮૮ વર્ષની ઉંમરે તેમના મરણના કેટલાક મહિનાઓ પહેલાં ભારતરત્ન આપવામાં આવ્યો હતો.

 સરદાર વલ્લભભાઈ પટેલને તો મરણના દાયકાઓ પછી ભારતરત્ન આપવામાં આવ્યો હતો. ડો. ભીમરાવ આંબેડકરને પણ મરણનાં ૩૫ વર્ષ પછી દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સચિન તેંડુલકરને ૪૦ વર્ષની ઉંમરે તે આપવાની શું ઉતાવળ હતી? ૪૦ વર્ષના માનવે તો હજુ ઘણું જીવવાનું બાકી હોય છે. તે દરમિયાન તે જો કોઈ દુષ્કૃત્ય કરે તો ભારતરત્નનું અવમૂલ્યન થયા વગર રહે નહીં. સચિન તેંડુલકરની બાબતમાં પણ આવું જ બન્યું છે. જો આવતી કાલે સચિનના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડે તો કેવું લાગે? હકીકત એ હતી કે ક્રિકેટમાંથી રિટાયર થયા પછી પણ સચિન કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહ્યો હતો. જો તેને મોટી ઉંમરે ભારતરત્ન આપવામાં આવે તો તે કંપનીઓને કોઈ ફાયદો થાય તેમ નહોતો, કારણ કે ત્યાં સુધીમાં તો સચિન તેમનો બ્રાન્ડ એમ્બેસેડર મટી ગયો હોય. તેમના દબાણને વશ થઇને ભારત સરકારે સચિનને ૪૦ વર્ષની ઉંમરે ભારતરત્ન આપી દીધો.

સચિનના ચાહકો માનતા હતા કે ભારતરત્ન મળ્યા પછી તે જાહેરખબરોમાં કામ કરવાનું છોડી દેશે, પણ તેની નાણાં ભૂખનો કોઈ અંત નહોતો. ભારતરત્ન બન્યા પછી પણ તેણે જર્મન કાર કંપની, મ્યુચ્યુઅલ ફંડ, ગેમિંગ કંપની, વોટર પ્યુરિફાયર, વિદેશી બેન્ક વગેરે માટે મોડેલિંગ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ કંપનીઓ ભારતની કઈ જાતની સેવા કરતી હતી? તાજેતરમાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાથી સચિન તેંડુલકરે તેના ટ્વિટર હેન્ડલ પર સંદેશો મૂક્યો હતો, ‘‘ ગાંધીજીએ તેમના જીવન અને નેતૃત્વ દ્વારા હંમેશા પ્રેમ, આત્મવિશ્વાસ અને ચારિત્ર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  તેમના સરળ પણ વૈશ્વિક વિચારો આજે પણ પ્રસ્તુત છે.’’ આ દિવસે જ પેન્ડોરાના કાગળો બહાર પડ્યા હતા, જેમાં સચિન તેંડુલકરના વિદેશી રોકાણની વિગતો બહાર આવી હતી. આ બાબતમાં હજુ સુધી સચિન તરફથી કોઈ ખુલાસો આવ્યો નથી. ગાંધીજીનું ઉદાહરણ આપવું સહેલું છે, પણ ગાંધીજીને અનુસરવું અઘરું છે. સચિને ગાંધીજીનું જે ઉદાહરણ આપ્યું તે તેના કરોડો ચાહકો માટે હતું. સચિન માટે ચારિત્ર્યના માપદંડો જ અલગ છે.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top