SURAT

બળવાખોરોને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ જે ધારાસભ્યને મોકલ્યા તે પણ સુરતથી ગુવાહાટી ઉપડી ગયા

સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) રાજકીય સંકટનું (Political Crisis) એપીસેન્ટર બનેલા સુરતમાં આજે શુક્રવારે ચોથા દિવસે પણ શિવસેનાના (Shivsena) બળવાખોર ધારાસભ્યોની (MLA) અવરજવર ચાલુ રહી હતી. આજે ચોથા દિવસે શિવસેનાના વધુ એક ધારાસભ્ય સુરતથી ફ્લાઈટ પકડીને ગુવાહાટી (Guwahati) ઉપડી ગયા છે. નવાઈની વાત એ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thakrey) બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે જે ધારાસભ્યને સુરત મોકલ્યા હતા તેઓ જ બળવાખોરોની પાટલીમાં બેસી ગયા છે અને આજે ફ્લાઈટ પકડીને ગુવાહાટી એકનાથ શિંદેના કેમ્પમાં સામેલ થવા ઉડી ગયા છે.

શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડે આજે સુરતથી ગુવાહાટી રવાના થયા હોવાની માહિતી સાંપડી છે. આ અગાઉ બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે શિવસેનાના ધારાસભ્યો અલગ અલગ રસ્તે સુરત આવ્યા હતા. જેથી સુરતના ડુમસ રોડની લા મેરેડિયન હોટલ અને સુરતનું એરપોર્ટ બંને રાજકીય ગતિવિધિઓથી ધમધમતું રહ્યું હતું. ગુરુવારે 7 જેટલાં ધારાસભ્યો વાયા સુરત ગુવાહાટી રવાના થયા હતા.

દરમિયાન વધુમાં જાણવા મળ્યા અનુસાર બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ રવિન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા, પરંતુ ફાટક બળવાખોરોને સમજાવવા અને મનાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આશ્ચર્યની વાત તો એ છે કે નારાજ ધારાસભ્યોને મનાવવામાં નિષ્ફળ રહેલાં રવિન્દ્ર ફાટક શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી એકનાથ શિંદેના કેમ્પમાં જોડાઈ ગયા હતા અને દાદા ભુસે, સંજય રાઠોડની સાથે ગુરુવારે જ રવિન્દ્ર ફાટક સુરતથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં ગુવાહાટી ઉપડી ગયા હતા.

તમને જણાવી દઈએ કે બળવો થયો હોવાની જાણ થયા બાદ મંગળવારે ઉદ્ધવ ઠાકરેએ રવિન્દ્ર ફાટક અને મિલિન્દ નાર્વેકરને સુરત મોકલ્યા હતા. તેઓએ સુરતની હોટલમાં એકનાથ શિંદે સાથે મિટીંગ કરી હતી. બંનેએ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની ફોન પર વાત પણ કરાવી હતી, પરંતુ મનાવવામાં નિષ્ફળતા મળી હતી.

નોંધનીય છે કે ગુરુવારે મહારાષ્ટ્ર શિવસેનાના મંગેશ કુંડાલકર, સંજય રાઠોડ, સદા સરવનર, દાદા ભૂસે, રવિન્દ્ર ફાટક, આશિષ જયસ્વાલ, દિપક કેશરકર વાયા સુરત ગુવાહાટી ગયા હતા અને આજે શુક્રવારે વધુ એક ધારાસભ્ય દિલીપ લાંડે સ્પેશ્યિલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં સુરતથી ગુવાહાટી રવાના થયા છે.

Most Popular

To Top