Vadodara

વડોદરામાં ચૂંટણીનો પારો ચડ્યો: વારસિયામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ‘ધિંગાણું’

મહિલા કાર્યકરો સાથે થઈ ધક્કામુક્કી​,ભાજપ ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલાઓ સામસામે; મંદિર પરિસરમાં પત્રિકા વહેંચવા બાબતે ભારે હોબાળો

વડોદરા: ​રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વડોદરાના વારસિયા વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 હેઠળ આવતા વારસિયા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ખાસ કરીને ભાજપના ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલી અને ધક્કામુક્કીના દ્રશ્યોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમાનંદ મંદિરમાં ચોથના પવિત્ર અવસર પર મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ તકનો લાભ લઈ કોંગ્રેસના મહિલા કાર્યકરો મંદિર પરિસરમાં મતદારોને જાગૃત કરવા માટે પત્રિકા (પેમ્પ્લેટ) વિતરણ કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર પવન હેમનાનીના પિતા ત્યાં પહોંચ્યા હતા અને મંદિરની અંદર પત્રિકા વહેંચવા બાબતે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો.
ઘટના સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે, ભાજપના ઉમેદવારના પિતાએ કોંગ્રેસની મહિલા કાર્યકરોને પત્રિકા વહેંચતા અટકાવી હતી અને તેમને મંદિરની બહાર નીકળી જવા જણાવ્યું હતું. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેમને ધક્કા મારીને અપમાનિત કરવામાં આવ્યા છે. “તમે ધક્કો કેમ માર્યો?” તેવા સવાલો સાથે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે સામે પક્ષે મંદિરની ગરિમા જાળવવા અને ત્યાં પ્રચાર ન કરવા માટે દલીલ કરવામાં આવી હતી.
મંદિર પરિસરમાં બનેલી આ ઘટનાના વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે રાજકીય પ્રચારના મુદ્દે શ્રદ્ધાળુઓની હાજરીમાં જ મામલો બિચક્યો હતો. હોબાળા બાદ કોંગ્રેસના કાર્યકરો મંદિરની બહાર નીકળી ગયા હતા અને ત્યાં પ્રચાર ચાલુ રાખ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ જોવા મળી હતી.
આમ, ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરામાં પ્રચારની ખેંચતાણ હવે વ્યક્તિગત આક્ષેપો અને ઘર્ષણ સુધી પહોંચી ગઈ છે, જે લોકશાહીના પર્વમાં ચર્ચાનો વિષય બની છે.

Most Popular

To Top