World

SCO સમિટમાં ભારત બન્યું લીડર: ઉઝબેકિસ્તાને આઠ સભ્યોનું SCOનું અધ્યક્ષપદ ભારતને સોંપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન (Shanghai Cooperation Organization) (SCO)ની સમિટ પહેલાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. પુતિને પીએમ મોદીને રશિયા (Russia) આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથેની દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે આજે પણ વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે, ખાદ્ય સુરક્ષા, ઇંધણ સુરક્ષા, ખાતરની સમસ્યાઓ છે. આપણે રસ્તાઓ શોધવા પડશે. તમારે પણ પહેલ કરવી પડશે.

પીએમ મોદીએ કહ્યું કે આજનો યુગ યુદ્ધનો નથી. લોકશાહી, મુત્સદ્દીગીરી અને સંવાદ વિશ્વને કેવી રીતે સ્પર્શે છે તે અંગે અમે તમારી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે. હું તમારો અને યુક્રેનનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે સંકટની શરૂઆતમાં જ્યારે અમારા હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. તમારી મદદ અને યુક્રેનની મદદથી અમે અમારા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં સફળ થયા છીએ. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી અમે દરેક ક્ષણે એકબીજાની સાથે છીએ. બંને દેશો આ ક્ષેત્રની સુધારણા માટે સતત કામ કરી રહ્યા છે. આજે SCO સમિટમાં તમે ભારત માટે જે લાગણી વ્યક્ત કરી છે તેના માટે હું તમારો આભારી છું.

અમારી યાત્રા 2001 થી ચાલુ છે: PM
પીએમ મોદીએ કહ્યું કે અમારી યાત્રા 2001થી ચાલુ છે. 22 વર્ષમાં અમારો સંબંધ ખૂબ જ મજબૂત બન્યો છે અને તે વધુ મજબૂત થવાનો છે. આખી દુનિયા આપણા અતૂટ સંબંધથી વાકેફ છે. આપણે સાથે મળીને કામ કરવાનું છે.

યુક્રેન સંકટ પર પુતિને કહ્યું..
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન કહ્યું કે હું યુક્રેનમાં સંઘર્ષ પર તમારી સ્થિતિ અને તમારી ચિંતાઓથી પણ વાકેફ છું. અમે ઇચ્છીએ છીએ કે આ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. ત્યાં શું થઈ રહ્યું છે તે વિશે અમે તમને માહિતગાર રાખીશું.

પીએમ મોદીના જન્મદિવસનો ઉલ્લેખ કર્યો
પુતિને પીએમ મોદીને કહ્યું કે આવતીકાલે તમારો જન્મદિવસ છે. અમારી રશિયન સંસ્કૃતિમાં એડવાન્સ શુભેચ્છાઓ આપવામાં આવતી નથી પરંતુ હું તમને કહી દઉં કે હું તમારા જન્મદિવસ વિશે જાણું છું. હું તમને શુભેચ્છા પાઠવું છું. આ દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા.

SCOનું પ્રમુખપદ ભારતને સોંપવામાં આવ્યું
ઉઝબેકિસ્તાને શુક્રવારે ભારતને આઠ સભ્યોની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું અધ્યક્ષપદ સોંપ્યું. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે સમરકંદમાં 22મી SCO સમિટની અધ્યક્ષતા કરી. ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાન વ્લાદિમીર નોરોવે ટ્વીટ કર્યું, “SCO સમરકંદ સમિટ પછી, ભારત સંગઠનના પ્રમુખ તરીકે 2023 માં આગામી SCO સમિટનું આયોજન કરશે. અમે આ જવાબદાર મિશનના અમલીકરણમાં અમારા વ્યૂહાત્મક ભાગીદાર ભારતને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

આ નેતાઓ SCOમાં જોડાયા
આ વર્ષે આ કોન્ફરન્સમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મધ્ય એશિયાના દેશોના અન્ય નેતાઓએ હાજરી આપી હતી. SCO ની શરૂઆત જૂન 2001 માં શાંઘાઈમાં કરવામાં આવી હતી અને તેમાં આઠ પૂર્ણ સભ્યો છે. જેમાં છ સંસ્થાપક સભ્યો ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 2017માં તેમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાયા હતા. ઈરાનને સમરકંદ સમિટમાં SCOના કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top