Editorial

શાલિનતા ભૂલી ગયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાઓને મર્યાદામાં રખાતે તો આ સ્થિતિ નહીં આવતે

પયગંબર મોહમ્મદ સાહેબ અંગે અપમાનજનક ટીપ્પણીના વિવાદમાં આરબ દેશો પછી હવે એક આતંકી સંગઠન પણ કૂદી પડયું છે. મુજાહિદ્દીન ગજવાતુલ હિંદ નામના આતંકી સંગઠને નુપુર શર્માને ખુલ્લી ધમકી આપી છે. તેણે કહ્યું છે કે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા આખી દુનિયાની માફી માગે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે. બીજીબાજુ દિલ્હી પોલીસે નુપુર શર્માની સુરક્ષા વધારી છે. આતંકી સંગઠને સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે નુપુર શર્માએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે અને તેમણે આખી દુનિયાની માફી માગવાની જરૃર છે.

દિલ્હીના ગાઝીપુરમાં આઈઈડી મળવાની જવાબદારી લેનારા કથિત આતંકી સંગઠન મુજાહિદ્દીન ગજવાતુલ હિંદે ટેલિગ્રામ પર ધમકી આપતું એક પોસ્ટર જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે, નુપુર શર્માએ પહેલા પયગંબર સાહેબની શાનમાં ગુસ્તાખી કરી અને હવે માફી માગી છે, ડબલ સ્ટાન્ડર્ડ અપનાવતા ભાજપ ચાણક્યની નીતિ પર ચાલતા ચાલબાજી કરી રહ્યું છે.

ભાજપના નેતા સતત મુસ્લિમ વિરોધી નિવેદનો કરતા રહે છે. આરએસએસ, રામ સેના, બજરંગ દળ, શિવ સેના સતત ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો આપતા રહે છે. દરમિયાન દિલ્હી પોલીસે નુપુર શર્મા અને તેમના પરિવારને સતત મળી રહેલી ધમકીઓને પગલે તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. શર્માએ તેમને મારી નાંખવાની ધમકી મળવાની ફરિયાદ કરી હતી. બીજીબાજુ નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે નુપુર શર્માને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તુષ્ટીકરણ ક્યારેય કામ નથી કરતું. તે સ્થિતિને વધુ ખરાબ કરે છે.

તેથી ભારતના મારા મિત્રો તમે મુસ્લિમ દેશોની ધમકી સામે ઝૂકશો નહીં. આઝાદી માટે ઊભા રહો અને નુપુર શર્માના બચાવમાં ગર્વ અનુભવો. તેમણે જે કહ્યું હતું તે સાચું જ હતું. નુપુર શર્માની સુપ્રીમ કોર્ટે પણ કડક રીતે ઝાટકણી કાઢી છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે, તેમણે માફી માંગવામાં મોડુ કર્યું છે એટલું જ નહીં માફીમાં એક શરત પણ મૂકી હતી કે, જો કોઇને દુ:ખ પહોંચ્યું હોય તો હું માફી માગુ છું એટલું જ નહીં તેમણે માફી પણ મોડી માગી હતી. કોર્ટે તેમને દેશ સમક્ષ જઇને ટીવી ઉપર માફી માગવાનું પણ કહ્યું છે.

જો કે, સુપ્રિમ કોર્ટની એક વાત ખૂબ જ વેધક હતી અને તે એ હતી કે, તેમના નિવેદનના કારણે જ સમગ્ર દેશમાં અશાંતિ ફેલાઇ છે. ત્યારે કોઇપણ પક્ષના પ્રવક્તાઓએ શાલિનતા જાળવવી જોઇએ તે ખૂબ જ મહત્વની વાત છે. કારણ કે, મોટા નેતાઓ દરેક ડિબેટમાં પહોંચી નથી શકતા અથવા તો નિવેદનો આપી નથી શકતા તેવા સંજોગોમાં પક્ષ પ્રવક્તાની નિમણૂક કરે છે અને તેઓ જે પણ કઇ બોલે તે તેમના પક્ષનું સ્ટેન્ડ છે જે દિવા જેવી વાત છે. જો કે, અત્યાર સુધી ભાજપના કેટલાક પ્રવક્તાઓ ઉપર પક્ષનો કોઇ જ કમાન્ડ નહીં હોય તે રીતે તેઓ ડિબેટ કરતાં હતાં.

નુપુર શર્મા કરતાં પણ વધારે ડિબેટમાં ભાજપ તરફથી સંબિત પાત્રા જોવા મળે છે. તેઓ પાર્ટીનો પક્ષ મુકવાના બદલે અન્ય પાર્ટીના પ્રવક્તાનું અપમાન કરતાં વધારે જોવા મળે છે. એટલું જ નહીં કેટલીક વખત તો એન્કરનું પણ અપમાન કરતા હતાં. જો કે, નુપુર શર્માના પ્રકરણ પછી આ જનાબ કંટ્રોલમાં આવી ગયા છે પરંતુ પ્રવક્તાઓને પહેલાથી જ કાબૂમાં લેવામાં આવ્યા હોત તો આ સ્થિતિનું નિર્માણ નહીં થયું હોત.

આ પહેલા મીનાક્ષી લેખી, શાહનવાઝ હુશેન પણ ભાજના પ્રવક્તા રહી ચૂક્યા છે. તેઓ પણ ડિબેટ દરમિયાન ઉશ્કેરાતા હતા. સ્વાભાવિક વાત છે કે, ડિબેટમાં ઉગ્ર બની જવાય પરંતુ તેઓ તેમની ભાષાની મર્યાદા કે, શાલિનતા ક્યારેય ભૂલ્યા નથી. જો હાલમાં નવા રાષ્ટ્રીય પ્રવક્તાઓને તેમની જુદી ડિબેટના વીડિયો બતાવતે તો પ્રવક્તાના કારણે ભાજપે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું નહીં પડતે.

Most Popular

To Top