Gujarat Main

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યભરના સિનિયર ડોક્ટરની હડતાલ

અમદાવાદ: (Ahmedabad) રાજ્યભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં આજે રાજ્યભરના (Gujarat) સિનિયર ડોક્ટરોએ (Senior Doctors) પોતાની માગણીઓ નહીં સ્વીકારાતા કામકાજથી અળગા રહી હડતાલ (Strike) પાડી હતી. આ અંગે મળતી માહિતી મુજબ 7મા પગાર પંચ સહિતની 15 જેટલી માગણીઓ સરકાર સમક્ષ પડતર છે. સિનિયર ડોકટરો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. પરિણામે ગુરુવારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 17૦૦ જેટલા સિનિયર ડોક્ટર ધરણા પર ઉતર્યા હતા. ડૉક્ટરોની હડતાળને પગલે દર્દીઓની હાલત કફોડી બની હતી.

સિનિયર તબીબોની માગણી છે કે, તમામ એડહોક તબીબ શિક્ષકોની સેવાઓને નિયમિત કરવામાં આવે. 10 વર્ષની સેવા પછી વિકલ્પ આપી ખાનગી પ્રેક્ટિસની છુટ આપવામાં આવે. તેમજ જીપીએસસી પરીક્ષાઓમાં સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા પૂર્ણ તાલીમ શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવે. તબીબી શિક્ષણમાં બાકી રહેલા માત્ર એડહોક ટ્યુટરને સાતમા પગાર પંચ મુજબનો પગાર મંજુર કરવામાં આવે, સહિતની વિવિધ માંગણીઓને લઇને આજે તબીબોએ ધરણા પ્રદર્શન અને દેખાવો યોજાયા હતા.

પગાર વધારાના મુદ્દે સુરતના તબીબી પ્રોફેસરો પણ લડી લેવાના મૂડમાં

સુરત: રાજ્યના આરોગ્ય વિભાગની સામે હવે તબીબી પ્રોફેસરો અને ડોક્ટરોએ બાંયો ચઢાવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબી પ્રોફેસરો પગાર વધારા સહિતના માંગણીઓને લઇને આવતીકાલથી હડતાળ ઉપર ઉતરે તેવી શક્યતા છે. આ અંગે માહિતી આપતા સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતુ કે, કોવિડ-19ની મહામારીમાં નિરંતર સેવા કરી હોવા છતાં તબીબી શિક્ષકો અને પ્રોફેસરોના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય વિભાગના લોકો હડતાળ પાડીને પોતાની માંગણીઓ મંજૂર કરાવવામાં સફળ રહ્યા છે. ત્યારે તબીબી પ્રોફેસરો આવતીકાલથી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. તબીબી પ્રોફેસરોને નિયમીત કરવામાં આવે, તેઓને સાતમાં પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે, બાકી રહેલા એડહોક ટ્યુટરને સાતમા પગાર મંજૂર કરવામાં આવે. 2017ની પડતર ફાઇલનો તૂરંત આદેશ કરવામાં આવે, 10 ટકા સિનિયર પ્રાધ્યાપકો માટે હેગના આદેશો કરવામાં આવે, આરોગ્ય વિભાગની સાથે એડહોક કે જીપીએસસી સેવાઓને હાલની સેવા સાથે જોડવાની ફાઇલને મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે.

પાંચ વર્ષ છતા પણ ડોક્ટરોને કાયમી નહી કરાતા સુપ્રિ.ને આવેદનપત્ર અપાશે
એક તરફ તબીબી પ્રોફેસરો અને સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં પાંચ વર્ષથી ફિક્સ વેતનમાં ફરજ બજાવતા લેબોરેટરી સ્ટાફના ડોક્ટરોએ પણ વિરોધનો સૂર પકડ્યો છે. આ ડોક્ટરોને પાંચ વર્ષ છતા પણ કાયમી કરવામાં નહીં આવતા તેઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે, આવતીકાલે ડોક્ટરો સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડો. રાગીની વર્માને આવેદનપત્ર આપશે. આ અંગે માહિતી આપતા કિશોર વાઘાણીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે, કોરોના મહામારીમાં એકપણ દિવસની હડતાળની વાત કરી નથી. નોકરીના પાંચ વર્ષ છતા ફિક્સ પગારમાંથી કાયમી કરાયા નથી. જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે પાંચ વર્ષનો નિયમ હતો પરંતુ તેનો પણ અમલ કરાયો નથી. જે માટે આવતીકાલે મેડીકલ કોલેજના ડીન અને હોસ્પિટલ સુપ્રિ.ને આવેદનપત્ર અપાશે.

Most Popular

To Top