Madhya Gujarat

આણંદમાં ખાતર વેચતા 16 વિક્રેતાને નોટિસ

આણંદ : આણંદ જિલ્લામાં ચોમાસાની પુર્વ તૈયારી રુપે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. આથી ખેડૂતોને ગુણવત્તાસભર અધિકૃત બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી જિલ્લામાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ગુણવત્તા નિયંત્રણ માટે ચકાસણી ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લામાં 16 વિક્રેતાઓને નોટિસ પાઠવી અનિયમિતતાના કારણે 9.96 લાખનો જથ્થો અટકાવવામાં આવ્યો હતો.

ચોમાસા પુર્વ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે.ત્યારે  ખેડૂતોને ગુણવત્તાસભર અધિકૃત બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ખેતી નિયામક, ગાંધીનગરની સુચના અન્વયે આણંદ જિલ્લામાં સ્કવોડ બનાવી ડીલરો અને એજન્સીઓને ત્યાં નિયમોનુસાર ચકાસણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ટીમ દ્વારા આણંદ જીલ્લાના 40 વિક્રેતાઓને ત્યાંથી બિયારણના-14, રાસાયણીક ખાતરના-1 તથા જંતુનાશક દવાના-6 મળી કુલ 21 નમુના લઇ રાજ્ય પ્રયોગશાળા, ગાંધીનગરમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમજ 16 વિક્રેતાઓને નોટીસ પાઠવવામાં આવી છે અને 9.96 લાખનો જથ્થો અનિયમીતતાના કારણે અટકાવવામાં આવ્યો હોવાનું નાયબ ખેતી નિયામક, આણંદની યાદીમાં જણાવ્યું છે.

ખેડૂતોએ ખેત સામગ્રીની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ કે સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ,લોટ નંબર,બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી,ટીન,લેબલ સાથે અવશ્ય કરી લેવી. પી.ઓ.એસ મશીનથી રાસાયણીક ખાતરની ખરીદી ફરજીયાત કરવી અને ખરીદેલ રાસાયણીક ખાતરનો જથ્થો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ મેસેજમાં ખરીદેલ જથ્થો સરખો રહે તે જોવું. આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા હોય તો જે તે તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરીનો સંપર્ક કરવો તેમ વધુમાં જણાવ્યુ છે.

Most Popular

To Top