SURAT

બોટનિકલ ગાર્ડનમાં ફરવા આવેલા વરાછાનાં યુવકને નકલી પોલીસ ભેટી ગઈ પછી કર્યા આવા હાલ…

સુરત(Surat): વરાછા(Varachha)માં રહેતો યુવક(Youth) બોટનિકલ ગાર્ડન(Botanical Garden)માં ફરવા આવ્યો હતો. અહીં એક સંજય નામની વ્યક્તિએ જહાંગીરપુરા પોલીસ(Police)ની પોતાની બોગસ ઓળખ આપી યુવકને મેચમાં સટ્ટો રમતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી મોબાઇલ તેમજ ગૂગલ-પેથી રોકડા 2500 મળી કુલ રૂ.4200 પડાવી લીધા હતા.

  • મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમે છે?’ ફ્રોડ પોલીસે 4200 પડાવી લીધા
  • વરાછાથી બોટનિકલ ગાર્ડનમાં ફરવા આવેલા યુવકને સંજય નામના વ્યક્તિએ ડી-સ્ટાફની ઓળખ આપી ધમકાવ્યા બાદ ગૂગલ પેથી રૂપિયા પડાવ્યા, આરોપીને પકડી પડાયો

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને સુરતમાં વરાછા માતાવાડી પાસે હીરાના કારખાનામાં જ રહી હીરા ઘસવાનું કામ કરતો રાકેશ પરેશ ખોરાશીયા રવિવારે આઇપીએલ ફાઇનલ મેચના દિવસે રાંદેરના બોટનિકલ ગાર્ડનમાં ફરવા માટે આવ્યો હતો. રાકેશ ગાર્ડનની બહાર બાકડા ઉપર બેસી આઇપીએલની મેચ જોઇ રહ્યો હતો ત્યાં જ સંજય નામનો યુવક આવ્યો હતો. આ સંજયે પોતાને જહાંગીરપુરા પોલીસમાં ડી-સ્ટાફમાં હોવાનું કહી રાકેશનો મોબાઇલ ચેક કર્યો હતો. રાકેશ આઇપીએલ મેચ જોતો હોવાથી તેને આઇપીએલ મેચમાં સટ્ટો રમતો હોવાનું કહી ધમકાવ્યા બાદ કેસ કરવાની ધમકી આપી હતી.

એક યુવકની પોલીસે કરી ધરપકડ
થોડીવાર વાતચીત કર્યા બાદ સંજયે રાકેશની પાસેથી રૂ.1700ની કિંમતનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. બાદ રાકેશના ગૂગલ-પેમાં પોતાનો નંબર નાંખી 2500 પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ રાકેશની પાસે પૈસા ન હોવાથી સંજય ત્યાંથી જતો રહ્યો હતો. રાકેશે બાદમાં પોતાના મિત્રને ફોન કરી ઘટના કહી હતી. રાકેશના મિત્રએ સંજયને ફોન કર્યો પરંતુ સંજયે કોઇ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના જહાંગીરપુરા પોલીસમાં પહોંચી હતી. ત્યાં સંજય નામનો કોઇ કોન્સ્ટેબલ ન હોવાનું બહાર આવતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાંદેર પોલીસના પીએસઆઇ એમ.જી.હડિયાએ રાકેશભાઇની ફરિયાદ લઇ એક યુવકને પકડી પાડ્યો હોવાની વિગતો પણ જાણવા મળી છે.

Most Popular

To Top