Health SURAT

ઘરે જાતે કોરોના ટેસ્ટ કરવા દોઢ ડાહ્યા થતાં નહીં, સુરતના તબીબોએ આપી આ ચેતવણી

સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) વધતા કેસ વિસ્ફોટક બની રહ્યા છે. ત્યારે મેડિકલ (Medical) પરથી મળતી કોરોના કિટ (Kit) લોકો ઘરે જ ટેસ્ટ (Taste) કરીને જો પોઝિટિવ (Positive) આવે તો મેડિકલમાંથી જ દવા (Medicine) લઈને ડોક્ટર (Doctor) બની રહ્યા છે. પરંતુ લોકોનું આ હળવું વલણ ખૂબ જ ઘાતક બની શકે તેમ છે.

કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપ વચ્ચે વેક્સિનેશનની સાથે-સાથે ટેસ્ટિંગ પ્રક્રિયા પણ ચાલી રહી છે. જો કે, કેટલાક લોકો ભારે ભીડના ડરથી હવે ટેસ્ટ નથી કરાવી રહ્યા. આ દરમિયાન દેશમાં એક હોમ ટેસ્ટ કિટ કોવિસેલ્ફ લોન્ચ થઈ છે. તેના દ્વારા લોકો ઘરે બેઠા જ પોતાનો કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. એક રીતે આ સારું છે પણ લોકો આ ટેસ્ટ કરાવ્યા પછી જો પોઝિટિવ આવે છે તો તંત્રને જાણ કરી રહ્યા નથી. જેને કારણે શહેર માટે આ વધારે ઘાતક બની હોય તેવું લાગે છે. અત્યારે સુરત શહેર અને રાજ્યમાં કોરોના કિટ સહેલાઇથી ઉપલબ્ધ થઈ રહી છે.

આ કોરોના કિટની ઉપયોગિતા કઈ રીતે કરવી તે અંગે લોકોને કોઈ જાણકારી નથી. જેને કારણે ઘણી વખત પોઝિટિવ દર્દી નેગેટિવ પણ આવી શકે છે. વ્યક્તિને વૈજ્ઞાનિક રીતે કે સાચી રીતે કોરોના કિટનો ઉપયોગ કરવામાં ન આવે તો રિઝલ્ટ ઉલટસુલટ થઈ શકે છે. કોરોના કિટમાં પોઝિટિવ થયા છો એવું બતાવે તો લોકો જાતે જ ઇલાજ કરતા થઈ જાય છે. તબીબી સારવાર લેતા નથી તથા મનપાને કે વહીવટી તંત્રને જાણ કરતા નથી. જેને કારણે તંત્ર પાસે ઘરે જ પોઝિટિવ આવ્યા હોય તેવા દર્દીના ડેટા નથી. અને લોકો પોઝિટિવ હોવા છતાં બિનધાસ્ત બહાર ફરી રહ્યા છે.

ઘરે ટેસ્ટ કરી પોઝિટિવ આવનારનો ડેટા તંત્ર પાસે નથી: ડો. ઈન્દ્રવદન શાહ

સિનિયર ફેમિલી ફિઝિશિયન ડો.ઇન્દ્રવદન શાહે જણાવ્યું હતું કે, કોરોના કિટના પરિણામ વહેલા જાણ થઈ જાય તે સારી બાબત છે. પણ ઘણા લોકો ક્વોરન્ટાઈન ન થવું પડે તે માટે ઘરમાં ટેસ્ટ કરીને જાતે સારવાર લઈ રહ્યા છે તે ખોટું છે. કેટલાક લોકો ઘરે જ કોરોના કિટ દ્વારા ટેસ્ટ કરે છે અને તે પોઝિટિવ હોય તો એના ડેટા અત્યારે તંત્ર પાસે ઉપલબ્ધ રહેતા નથી.

લોકોએ રિવર્સ ક્વોરન્ટાઈન થવું જોઈએ: ડો. વિનોદ શાહ

ગુજરાત આઈએમએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડો.વિનોદ શાહે જણાવ્યું હતું કે, રિપોર્ટ પોઝિટિવ આવે પછી એલગ થવું તેના કરતાં લોકોએ ખાસ કરીને સિનિયર સિટિઝને રિવર્સ ક્વોરન્ટાઈન થવું જોઈએ. વયસ્કોએ, આધેડે કે બીમારીની સારવાર ચાલુ હોય તેમને ઘરમાં જ રહેવું જોઈએ. જેથી તેમને સંક્રમણ લાગવાની સંભાવના નહીંવત થઈ જાય.

સરકારે કિટ પર નિયંત્રણ લાવવું જોઈએ: ડો. જયેન્દ્ર કાપડિયા

સિનિયર ફેમિલી ફિઝિશિયન ડો.જયેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, લોકો કિટ લઈને જાતે ઘરે ટેસ્ટ કરીને ડોક્ટર પાસે સલાહ લેવા જતા નથી. અને મેડિકલ પરથી જ દવા લઈને સારવાર લઈ રહ્યા છે. સરકારે આની સારી બાબતો સાથે તેના નુકસાન સમજી તેના પર નિયંત્રણ લાવવા જોઈએ. કારણ કે, લોકો જો નાકમાંથી સ્વેબ બરાબાર નહીં લે તો રિપોર્ટ સચોટ આવતો નથી.

કઈ રીતે લોકો ટેસ્ટ કરે છે

  • સૌથી પહેલા કિટની નેઝલ સ્વેબને કાઢો અને તેને બંને નોસ્ટ્રિલ્સમાં 2-4 સેન્ટીમીટર સુધી અંદર નાંખો અને 5 વખત અંદર સુધી ફેરવો.
  • પછી નેઝલ સ્વેબને નાકથી બહાર કાઢો અને પાછી કિટને ટ્યૂબમાં નાંખો અને તેને 10 વખત હલાવો.
  • નેઝલ સ્વેબને તોડી દો અને પછી ટ્યૂબ બંધ કરી દો.
  • તે પછી કોવિસેલ્ફ ટેસ્ટ કાર્ડ પર ટ્યૂબથી 2 ટીપાં નાંખો અને 15 મિનીટ સુધી રાહ જુઓ.

પોઝિટિવ છે કે નેગેટિવ આ રીતે જાણી શકાય છે રિઝલ્ટ

કોવિસેલ્ફ કિટમાં એક કન્ટ્રોલ સેક્શન અને ટેસ્ટ લાઈન શો હોય છે. તેના દ્વારા રિઝલ્ટ જાણી શકીએ છીએ. જો કિટના કન્ટ્રોલ સેક્શન સી અને ટેસ્ટ લાઈન ટી જોવા મળે તો સમજી જવું કે કોવિડ પોઝિટિવ છે. તેમાં લગભગ 15 મિનીટનો સમય લાગે છે. જો કન્ટ્રોલ લાઈન સી દેખાય, પરંતુ ટેસ્ટ લાઈન ટી ન દેખાય તો સમજી લેવું કે રિઝલ્ટ નેગેટિવ છે. જો કન્ટ્રોલ લાઈન સી ન દેખાય અને ટેસ્ટ લાઈન ટી પણ ન દેખાય તો ફરીથી ટેસ્ટ કરવો જોઈએ.

Related Posts