Gujarat

રાજ્યની શાળાઓમાં RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ

અમદાવાદ: રાજ્યની શાળાઓમાં (School) આરટીઇ (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી આ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી નથી. જેથી વહેલી તકે આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માગણી સાથે યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત યુવ કોગ્રેસના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થી કાર્યકરોએ આજે રૂબરૂ શિક્ષાધિકારીને મળીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે રાજ્યની શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની વહેલી તકે જાહેરાત કરવામાં આવે. યુવક કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી, તો આ પ્રવેશ પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવે. આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થયા બાદ પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકોના વાલીઓને જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવા માટે એક મહિના જેટલો સમય લાગતો હોય છે, તેથી સમયસર તેની જાહેરાત કરવી જોઈએ.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ યોજના હેઠળની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત નહીં કરીને ખાનગી શાળાઓને ફાયદો કરાવવા ઇચ્છતી હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક વાલીઓ આવકના ખોટા દસ્તાવેજો તેમજ લાગવગ અને ભ્રષ્ટાચાર થકી પ્રવેશ મેળવતા હોય છે. ખોટી રીતે કોઈને પ્રવેશ ન મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે.

Most Popular

To Top