Business

શાળાકોલેજ વિચારબીજ પાડવાના દિવસો

ભારતમાં સ્વતંત્રતા દિવસે એટલે 15 ઓગસ્ટે તથા ગણતંત્ર દિવસે (26 જાન્યુઆરી)ના દિવસોમાં શિક્ષણસંસ્થાઓમાં રજા જ હોય છે. છાત્રો બંને દિવસે મોડા ઊઠીને આમતેમ ફરીને દિવસ પસાર કરી દે છે. લોકો પણ આમતેમ ફરીને દિવસ પૂરો કરી દે છે. શાળાકોલેજમાં રજા પરંતુ દિવસનું મહત્ત્વ શું છે તેનાથી બહુધા છાત્રો પરિચિત થતા જ નથી. જો આ દિવસે છાત્રોને દેશની સ્થિતિથી પરિચિત કરવામાં આવે તો એ જ બાળકો જયારે નાગરિક થશે ત્યારે દેશ માટે મારે શું શું કરવું જોઇએ તેવો વિચાર કરી તે દિશામાં કશુંક તો કરશે ને? કયાંક સંસ્થાની સ્વચ્છતા થશે તો વળી કોઇ શિક્ષક આપણે આપણા દેશ માટે શું શું કરી શકીએ તેની વાતો કરશે. અત્યારે આ સામાન્ય લાગે પરંતુ તે લાંબે ગાળે ફળદાયી થઇ પડે છે. રજા એટલે રખડી ખાવાનો દિવસ એ વિચાર આજે દૃઢ થઇ ગયો છે. ખરેખર તો રજાના આગલે દિવસે આવતી કાલે રજા છે તો એ દિવસની મહત્તા દર્શાવાય જેથી કોઇકના મનમાં તો તે ઊગશે જ. કેટલીક શિક્ષણસંસ્થાઓ આ અંગે આયોજન કરીને કાર્યક્રમ કરે છે તે ઊગતી પેઢીને ઘડવામાં મદદરૂપ થઇ પડે છે.

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા દિવસોને તો ઇતિહાસના સંદર્ભમાં સજાવવા જોઇએ જેથી દેશની ઊગતી પેઢીને પરિચય મળી રહે. 15 ઓગસ્ટ પૂર્વે દેશ માટે હું શું શું કરી શકું જેવું ચિત્ર પણ ઘણો ફાયદો કરી આપશે. તરુણ વયમાં દેશ માટે હું શું શું કરી શકું છું એવા વિચારો જો વેરાયા હશે તો કોઇકના મનમાં તો તે પરિપકવ બનીને સારું પરિણામ લાવી શકશે. શાળાકોલેજ તો વિચારબીજ પાડવાના દિવસો છે. ઊંચા બીજ વેરાયા હશે તો તેમાંથી વૃક્ષ થઇ શકશે અને તેના પર વહેલાં મોડાં ફળો આવ્યાં વિના રહેતા નથી. દેશનું ચિત્ર રજૂ થયું નથી તેથી આ જ યુવા પેઢી જાહેર મિલકતમાં તોડફોડ કરી દે છે. આ મારા દેશની મિલ્કત છે તેને તોડીને હું દેશનો ગુનેગાર બનવા નથી માંગતો આવો વિચાર જો સુદૃઢ થશે તો અત્યારે જે કુત્સિત ચિત્રો જોવા મળે છે તે જોવા ન મળશે. શિક્ષણસંસ્થામાં અભ્યાસ એટલે જેતે વિષયનો જ અભ્યાસ એવું નથી પરંતુ વિષયો થકી નાગરિક તૈયાર કરવાનું આ તો પ્લેટફોર્મ છે તેથી પ્રસંગે પ્રસંગે છાત્રોના ઘડતરની વાત ભણાવતા ભણાવતા વચ્ચે કહેવાની થાય તો તેનું ઉત્તમ પરિણામ ભવિષ્યમાં જોવા મળશે જ. એ છાત્ર જયારે ગૃહસ્થ બનશે ત્યારે સમાજના નીતિનિયમોનું મન દઇને પાલન કરશે અને મોટો લાભ તો પોતાનાં સંતાનોના ઘડતરમાં પણ તે આ જ દૃષ્ટિ રાખશે. ભારત દેશ પાસે બધું છે પરંતુ આંતરિક શિસ્ત અને દેશપ્રેમ અંગેનું વાતાવરણ ઘડાય તો તેના લાભ આવતી પેઢીને મળ્યા વિના રહેશે નહીં.

Most Popular

To Top