Sports

રાજસ્થાન રોયલ્સ સામેની આજની મેચ જીતી આરસીબી પોઈન્ટ ટેબલમાં ઉપર જવા માગશે

બેંગ્લુરૂ: ટેબલમાં ટોચના ક્રમની રાજસ્થાન રોયલ્સ (RR) રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે અથડાશે ત્યારે તે પોતાના નબળા મધ્યક્રમ પાસે સારા પ્રદર્શનની આશા રાખશે કારણ કે ભલે આરસીબીમાં સાતત્ય નથી પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર તે જોખમી સાબિત થઈ શકે છે.

આરઆરના ઓપનર યશસ્વી જયસવાલ અને જોસ બટલર આ સીઝનમાં વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે. જો કે મધ્યક્રમની બેટિંગ રાજસ્થાન માટે ચિંતાનો વિષય છે. કેપ્ટન સંજુ સેમસન અને શિમરોન હેમાયરે રન બનાવ્યા છે પણ તેઓ પોતાના પ્રદર્શનમાં સાતત્ય જાળવી નથી રહ્યા અને અંતિમ ઓવરોમાં તેઓ સારું ક્લોઝીંગ કરે તે ટીમ માટે જરૂરી છે. દેવદત્ત પડીક્કલ અને રિયાન પરાગ અપેક્ષા મુજબ નથી રમી રહ્યા. અનુભવી ટ્રેન્ટ બોલ્ટ અને સંદીપ શર્માના રૂપમાં આરઆર પાસે સારા ઓપનિંગ બોલર્સ છે. સ્પિન ડિપાર્ટમેન્ટમા રવિચંદ્રન અશ્વિને પ્રભાવશાળી બોલિંગ કરી છે પણ યુજવેન્દ્ર ચહલ થોડોક ખર્ચાળ સાબિત થયો છે.

બીજી બાજુ આરઆરની જેમ જ આરસીબી પાસે પણ આઈપીએલની સૌથી ઘાતક ઓપનિંગ જોડી કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલીના રૂપમાં છે. આ સીઝનમાં બંને ફોર્મમાં છે. ગ્લેન મેક્સવેલ પણ સારા ફટકા માર્યા છે. આરસીબી મધ્યક્રમમાં પીઢ દીનેશ કાર્તિક, મહિપાલ લોમલોર, શાહબાઝ અહેમદ અને સુયશ પ્રભુદેસાઈ પર ભરોસો કરી શકે છે. રોયલ ચેલેન્જર્સનું બોલિંગ આક્રમણ મોહમ્મદ સિરાજના સુરક્ષિત હાથોમાં છે તેણે 6 મેચમાં 12 વિકેટ ઝડપી છે. તેને વાયને પરનેલ અને હર્ષલ પટેલનો સારો ટેકો છે, જો કે તેમણે આગામી મેચોમાં ઓછા રન આપવાના પ્રયાસ કરવા પડશે. સ્પિનમાં બેંગ્લોર પાસે શ્રીલંકાનો વાણીંદુ હસરંગા ડી સિલ્વા છે.

Most Popular

To Top