Dakshin Gujarat

લૂંટારુઓ સોના-ચાંદીના ઘરેણાં સાથે કાર અને મોપેડની ચાવી પણ લઈ ગયા જેથી કોઈ…

પલસાણા: અંદાજિત પંદર દિવસ પહેલાં ચલથાણ (Chalthan) રેલવે ફાટકની નજીકની એક સોસાયટીમાં 3 લુંટારુઓએ (Robber) ઘરમાં ઘૂસી લૂંટનો (Robbery) પ્રયાસ કર્યો જતો. જો કે, પરિવારની દીકરીએ હિંમત દાખવી લુંટારુઓનો પ્રતિકાર કરતાં લુંટારુઓ ભાગી છૂટ્યા હતા. આ ભયાવક ઘટનાના માંડ 15 દિવસ પૂરા નથી થયા, ત્યાં તો ચલથાણના બાજુના જ ગામમાં ધાડ પડી હતી. રાત્રિના અંધારામાં ગામના ત્રણ અલગ અલગ પરિવારને નિશાન બનાવી એક જગ્યાએથી 30 હજારની વધુનાં ઘરેણાં લૂંટી ગયા હોવાની ચકચારી ઘટના સામે આવતાં કડોદરા પોલીસ (Police) દોડતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે નિશાળ ફળિયામાં ખેતરને અડીને ગોવર્ધન વલ્લભ સોલંકી (ઉં.વ.54)નું ઘર આવેલું છે. રવિવારે મોડી રાતે નિત્યક્રમ મુજબ ગોવર્ધનભાઈ તેમની પત્ની અને તેનો 17 વર્ષીય પુત્ર મોહિત ઘરના રૂમમાં સૂતા હતા. ત્યારે રાત્રે 2:30 વાગ્યાના અરસામાં 5 જેટલા ધાડપાડુ મોઢે કપડું લપેટી મકાનનો આગળનો દરવાજો સળિયા વડે તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. દરવાજો તૂટવાનો અવાજ આવતાં પરિવાર જાગી જતાં અજાણ્યા લુંટારુઓને જોઈ પત્નીએ તરત વચ્ચેના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. ધાડપાડુઓએ વચ્ચેની સ્લાઈડિંગ બારી ખોલી વચ્ચેના રૂમમાં રહેલા પરિવારના ત્રણ સભ્યને ચપ્પુ બતાવી બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગોરધનભાઈએ તરત પાછળના દરવાજાથી ફળિયામાં નીકળી બૂમાબૂમ કરતાં ધાડપાડુઓ ખેતરના રસ્તે ભાગી છૂટ્યા હતા.

થોડા સમય બાદ વાંકાનેડા ગામમાં નિયોલ ગામ તરફ જતા રસ્તે હળપતિવાસમાં રહેતા ધનસુખ છના પટેલ (ઉં.વ.35)ના ઘરે આ લુંટારુઓ ત્રાટક્યા હતા. જ્યાં ખેતરના રસ્તે મકાનના વાડામાં આવી પાછળનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. પરિવાર કંઈ સમજે એ પહેલાં જ ધાડપાડુઓ મકાનમાં પ્રવેશી વચ્ચેના રૂમમાં સૂતેલા ધનસુખભાઈ અને તેની પત્ની અને મકાનમાં આગળના રૂમમાં સૂતેલી ત્રણ પુત્રીને ચપ્પુને અણીએ બાનમાં લઇ દીકરી અને ધનસુખભાઈની પત્નીએ પહેરેલાં સોના-ચાંદીનાં ઘરેણાં તેમજ કબાટમાંથી ચાંદીનો સેટ તેમજ દીવાલ પર ટીંગાડેલી ઇકો કાર અને મોપેડની ચાવી લઈ મકાનમાં પાછળના રસ્તેથી ખેતરમાં નાસી છૂટ્યા હતા.

ત્રીજા બનાવમાં વાંકાનેડા ગામમાં કરાળા ગામ તરફ છેવાડે આવેલ બ્લોક નં.120 પરની જમીનમાં ઘર બનાવી રહેતા વિજય હેમુ સાઠલીયાના મકાનને નિશાન બનાવ્યું હતું. આ મકાન ખેતરમાં અવાવરું જગ્યાએ આવેલું હોવાથી મકાનમાં આગળના દરવાજે અડાગરો મકાનની પાછળની તરફ કાચની બારીમાં પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા. પરિવાર જાગી જતાં ધાડપાડુઓને જોઈ પરિવારે બૂમાબૂમ કરી હતી તેમજ પરિવારના મોભી વિજયભાઈએ ફોન કરી પડોશીને જાણ કરી હતી. બૂમાબૂમ થતાં ધાડપાડુઓ ભાગી છૂટ્યા હતા. એકબાદ એક માત્ર બે કલાકમાં ગામમાં અલગ અલગ ત્રણ ઘરમાં ધાડપાડુઓ ત્રાટકતાં મળસકે આખું ગામ જાગી ગયું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top