SURAT

સ્માર્ટ સુરતના કરોડોના રસ્તા પર ટુ-વ્હીલર પણ સરખું ચલાવી શકાતું નથી: ‘નજર હટી, દુર્ઘટના ઘટી’ જેવો ઘાટ

સુરત: સુરતમાં (Surat) મેટ્રોની (Metro) કામગીરી દરમિયાન માટી (Mud) વહન કરતા ભારે વાહનોમાંથી માટી રોડ ઉપર પડતા રસ્તાઓ લપસણા બન્યા છે. નાના વાહનો સ્લીપ મારી રહ્યા છે. નાનપુરામાં જાહેર રસ્તા પર પડેલી પીળી ચીકણી માટી ડમ્પરમાંથી પડતાં વાહન ચાલકો માટે આફતરૂપ બની ગઈ છે.

સવારથી જ અનેક વાહનો સ્લીપ મારતા ટ્રાફિક જામની સમસ્યાઓ ઉભી થઇ છે. જોકે પાલિકાએ ધ્યાન પર આવતા જ હાઈટેક સાધનોની મદદથી રસ્તા પરથી કીચડ દુર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે, હાલમાં મેટ્રોની કામગીરી અને રસ્તા પર કાદવના કારણે સુરતીઓની મુશ્કેલી વધી રહી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું એ સુરતના નાનપુરા નાવડી ઓવારા વિસ્તારમાં આજે પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. તપાસ કરતા આ જગ્યાએ રસ્તા પર પીળી ચીકણી માટી વિખેરાઈને પડી હતી. બીજી બાજુ ઝરમર ઝરમર વરસાદને લીધે માટી ભીની થતા જ ચીકણી કાદવ બનતા અનેક વાહન ચાલકો સ્લીપ થયા હતા. વાહનો સ્લીપ થતાં આ ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે તંત્રને ઘટનાની જાણ થતા જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાદવ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જેથી નાના વાહન ચાલકોને રાહત થઈ હતી અને ટ્રાફિક ધીમે ધીમે હળવો થઇ ગયો હતો. આવી સમસ્યા સાથે સાથે સુરતમાં ચાલતા મેટ્રોની કામગીરીની આસપાસ બેરીકેટ કરવામાં આવ્યું છે તેની આસપાસના રોડ પરથી પસાર થવું વાહન ચાલકોને ભારે પડી રહ્યું છે.

વધુમાં કહ્યું હતું કે, મેટ્રોની કામગીરીની આસપાસના સુરત શહેરના તમામ રોડ પર અનેક ખાડા પડી જતાં આ રોડ ડિસ્કો જેવા બની ગયા છે. જેને લઈ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં પણ શહેરના અઠવાગેટથી રીંગરોડ ના વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખાડા ને લઈ ત્રાફિક જામ સહિત ની અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. જોકે પાલિકાએ આવી સમસ્યાઓ સામે આંખ આડા કાન કરી લેતા લોકો માટે મુશ્કેલીઓ ઘટવા ને બદલે વધી રહી છે.

Most Popular

To Top