Columns

વાવો તેવું લણશો

એક ગામમાં બે ખેડૂતો જોડે જોડે રહેતા હતા. તેમના ખેતરો પણ નજીકમાં જોડે જોડે હતા. એ પૈકી એક ખેડૂત સમજદાર અને નીતિવાળો હતો. જ્યારે બીજો અણઘડ અને અણસમજુ હતો. બંને જોડે રહેતા હતા એટલે ક્યારેક બંને વચ્ચે ઝઘડો પણ થઈ જતો પણ સમજદાર ખેડૂત પરિસ્થિતિ સંભાળી લેતો અને બધું શાંત થઈ જતું. એ બંનેના સંતાનો સમજદાર હતા. એ ક્યારેય ઝઘડતા ન હતા. બલકે ઝઘડો થાય ત્યારે એમના પિતાને સમજાવતા. આમાં એક ખેડૂત ઉદ્યમી હતો. એણે પોતાનું ખેતર સાફ કરી, જમીન ખેડી એમાં આંબા ઉછેર્યા હતા અને આંબા લગભગ ઉછરીને કેરીઓ આવવાની તૈયારીમાં હતા.

જ્યારે બીજો ખેડૂત આળસુ હતો. એણે જમીનની કાળજી રાખી ન હતી એટલે ખેતરમાં ઠેર ઠેર ઘાસ અને બાવળિયા ઊગી નીકળતા. બાવળિયા સાફ પણ કરાવતો નહીં એટલે ખેતરમાં પ્રવેશવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. હવે સમય જતા પેલા ખેડૂતના આંબા પર કેરીઓ થતા તેને સારી એવી રકમ મળી અને એના છોકરાઓને પણ કેરીઓ ખાવા મળી. જ્યારે પેલા અણઘડ ખેડૂતને બાવળિયા ઉછર્યા હોઈ કશું ન મળ્યું. એટલે એ પેલાની ઈર્ષા કરતો અને કોઈ ને કોઈ બહાને ઝઘડો કરતો. ત્યારે એનો છોકરો સમજાવતો, – ‘બાપા તમે કાંટા સાફ કરી આંબા વાવ્યા હોત તો તમને પણ રૂપિયા મળતે. પણ હવે શું?’ એનો છોકરો યુવાન થયો અને મહેનત કરી બાવળિયા સાફ કરાવી, એણે પણ આંબા વાવ્યા એટલે કે તેની ભાવિ પેઢીને કેરીઓ મળશે.

આ તો એક સમજવાની વાત છે. જેવું વાવ્યું હોય એવું લણો. ખેતરમાં અન્નનો દાણો નાખો છો તો એ જમીન અનેક દાણા પકવી આપે છે અને ઘાસ થવા દીધું હોય તો ઘાસ કે કચરું જ મળે. સારી ઉપજ લેવા માટે પહેલા વાવવું પડે અને એ પણ સારું વાવવું પડે. આવું જ જીવનમાં કર્મ બાબતે પણ છે. જેવા કર્મ કર્યા હશે તેવા ફળ મળશે. સારા કર્મના ફળ સારા જ મળે છે. જેમ કે બેન્કમાં પૈસા જમા કરાવ્યા હોય તો જ તમે ચેક લખી શકો કે ATM કાર્ડથી પૈસા ઉપાડી શકો છો પણ જો બેલેન્સ જ ન હોય તો પૈસા ક્યાંથી નીકળે? એટલે પછી ફળ મેળવવા પહેલા સદ્કર્મોનું બેલેન્સ જમા કરવું પડે. એ વિના ફળની આશા રાખવી નકામી છે. ગીતામાં તો કહ્યું છે, – ‘ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જાઓ.’ બરાબર છે, ફળ તો મળવાનું જ છે પણ જેવા કર્મ તેવું ફળ – આ બરાબર યાદ રાખવું જરૂરી છે. બાકી કર્મ પ્રધાનતા વિનાનું જીવન જ નકામું છે.

Most Popular

To Top