Comments

છાપરાંમાં રહેતા રામુમા બીપીએલ યાદીમાં નહીં!

‘આ રેલવે જંકશન તમને લખી દેવું છે.’ ‘ભઈ’સાબ એવી મશ્કરી હું લેવા કરો? વખાના માર્યા આ જંકશન પર આવવું પડે અને ટ્રેનમાં વગર ટીકીટે ચડવું પડે નકર આવું કરવું કોને ગમે?’ ‘આખુ સુરેન્દ્રનગર પડ્યું છે ને તમે આ રેલવે જંકશનમાં પડ્યા છો! પાછુ આજકાલના નહીં વર્ષોથી અમે તમને અહીંયા જોઈએ છીએ એટલે જ ઉપરી સાહેબને કહી તમને આ જંક્શન લખી દેવું છે’ ‘હાચી વાત બાપલા પણ હું થાય? મારુ છાપરુ આ જંકશન પડખે. ચોમાસામાં ત્યાં જબરુ પાણી ભરાય. મછરા દિવસેય તોડી ખાય તો રાતના તો મુકે જ કેમના? રેલવે પ્લેટફોર્મ ચોખ્ખુ હોય એટલે આંયા હુઈ રેવા આવીયે અને કામ ધંધો હવે મારાથી થાતો નથ એટલે ટેશણે બેહી ભીખ માંગું. ઘણી વખત મન થાય તો ટ્રેનમાં હોત ચડી જાવ. લોકો ડોશી માથે દયા કરીને બે પાંચ રૂપિયા દઈ દે. તે એમાંથી હું ને મારા બે છોકરાં નભી જાઈએ.’

આ સંવાદ રેલવે પોલીસ અને રામુમા વચ્ચે લગભગ રોજનો. પોલીસ ક્યારેક રામુમાને રેલવે સ્ટેશને ન આવવા, વગર ટીકીટે ગાડીમાં ન ચડવા કહે છતાં પણ રામુમા સ્ટેશને આવે તો પોલીસકર્મી ગુસ્સો કરે. જો કે ગુસ્સે થયા પછી પાછા એ ચલાવી પણ લે. રામુમાની સ્થિતિથી એ લોકો અજાણ્યા નહોતા. જો કે ક્યારેક કોઈક ઉપરી અધિકારી આવવાના હોય કે કડક ચેકીંગ આવવાનું હોય ત્યારે આમ ગુસ્સે થવાનું અને રામુમાને જંકશનની બહાર ખદેડવાનું એ લોકો કરે. પણ એનુંયે એમને ભારે દુઃખ.

રામુમાના ઘરવાળા છૂટક મજૂરી કરે. વર્ષોથી એ સુરેન્દ્રનગરમાં જ રેલવે જંકશન પાસે રહે. એમને બે દિકરીને એક દીકરો. બે દીકરીઓ પરણીને સાસરે ગઈ. દીકરો નાનાપણથી માનસીક રીતે વિકલાંગ. બે દિકરીઓ બરાબર ગોઠવાઈ ગયાનો પતિ પત્નીને હાશકારો હતો ત્યા રામુમાની એક દીકરીનો ઘરવાળો પત્ની હોવા છતાં બીજી છોકરી લઈ આવ્યો. રામુમાની દીકરી એને સૌ જાડી તરીકે ઓળખે. એણે પતિના આ કૃત્ય સામે બળવો કર્યો. પોતે પત્ની છે પેલીનો કોઈ અધિકાર નથી એને કાઢી મુકોનું એણે કહ્યું. ઘરમાં કંકાસ શરૂ થયો. નવી લાવેલીનું છાપરુ જુદુ હતું પણ જાડીથી એ સહન નહોતું થતું. જો કે કોઈ પણ સ્ત્રી માટે આ વજ્રધાત જેવું. એ પોતાની હાજરીમાં પતિની સાથે અન્ય કોઈને સાંખી જ ન શકે. એનું મગજ ધીમે ધીમે એના તાબામાંથી નીકળી ગયું.

એ ગાંડી થઈ ગઈ. સાજી નરવી હતી છતાં પતિએ એને ધુત્કારી હતી તો ભાન ભૂલેલી એને એ શું કામ રાખે? એણે રામુમાને જાડીને તેડી જવાનું કહેણ મોકલ્યું. રામુ મા અને તેમના પતિ પર આભ ફાટવા જેવું થયું એક દિકરો તો આ સ્થિતિમાં હતો ને પાછી દીકરી! પણ માવતરનો તો ક્યાં છુટકારો થાય? જીવનની પાછલી અવસ્થામાં દીકરા દીકરી મા-બાપને સાચવે જ્યારે અહીંયા તો મા-બાપે પોતાના સંતાનોને સાચવવાના હતા. પતિ છૂટક મજૂરી કરે ને રામુમા ભીખ માંગવાનું કરે. આમ ગાડુ હખેડખે ચાલતુ હતું ત્યાં રામુમાના પતિ આ જફામાંથી વહેલા મુક્ત થઈ ગયા. હવે એકલા રામુમા આ બેઉ નિજાનંદીને સંભાળતા. રામુમાની સ્થિતિ અંગે અમને અમારા કાર્યકર હર્ષદે વાત કરી. અમે રામુમાને તેમના બે સંતાનો પેટભરીને ખાઈ શકે તે માટે આખો મહિનો ચાલે એટલું રાશન આપવાનું શરૂ કર્યું. એમનો જીવ બહુ સંતોષી ક્યારેય એમણે વધુ આપોની માંગણી નથી કરી. હર્ષદ પાસેથી એમની ઘણી વાતો સાંભળેલી તે એક વખત તો એમને ચોક્કસ મળીશ એવું મનોમન નક્કી કર્યું.

આ દરમ્યાન અમેરીકામાં રહેતા રમેશભાઈ શાહ અમારા સેવાકાર્યોમાં અમને ઘણો ટેકો કરે, એમની સાથે સુરેન્દ્રનગરમાં રહેતા ઘરવિહોણા બાવરી પરિવારોને તેમજ અમે જે નિરાધાર માવતરોને રાશન આપીયે તેમને મળવાનું નક્કી થયું. અમે સુરેન્દ્રનગર પહોંચ્યા. પ્લાસ્ટીક અને કંતાનોમાંથી બાંધેલા લગભગ પાંત્રીસ છાપરાં પંકજ સોસાયટીમાં રહે. જેઓ વર્ષોથી કલેક્ટર કચેરીમાં, એમના વિસ્તારમાં ચૂંટાઈને આવતા પ્રતિનિધીઓને જગ્યા આપવા રજૂઆત કરી રહ્યા હતા. ત્યાં વિજળી પાણી કશીયે સુવિધા નહોતી. હર્ષદે કહ્યું, દર ચોમાસે નગરપાલિકાવાળા પંકજસોસાયટીવાળાને જ્યારે વધારે વરસાદ પડે ત્યારે યાદ કરે અને મને ફોન કરીને એ લોકોને આશ્રયઘરમાં મોકલી દેવા કહે. પણ એમના પ્રશ્નનું કાયમી સમાધાન નથી લાવતા. વસાહતના દરેક વ્યક્તિઓ પોતાની પીડાની વાત કરતા હતા ત્યાં એક બા અમારી સામે આવીને બેઠા.

હર્ષદે કહ્યું, ‘આ રામુ મા.’ મને હર્ષેદે કહેલી બધી વાતો યાદ આવી. હું એમના છાપરે ગઈ. રામુમાએ પોતે જંકશનમાં રહે ને પોલીસ સાથે તેમને કેવી વાતો થાય એ અંગેની ઘણી વાતો કરી. એમણે કહ્યું, ‘તમે રાશનકીટ આપો એનાથી રાહત તો થાય છતાં મારે માંગવા જવું પડે.’ કારણ પુછતા એમણે કહ્યું, ‘શાકભાજી, દૂધ વગેરે માટે પૈસા જોઈએ ને?’ રામુમા છાપરાંમાં રહે, છતાં એમનું નામ બીપીએલ યાદીમાં નહીં એટલે એમને વૃદ્ધ પેન્શન ન મળે. પતિ ગુજરી ગયે ઘણો વખત થયો પણ મરણનો દાખલો નહીં એટલે વિધવા સહાય ન મળે. એમનો દિકરો ને દીકરી માનસીક વિકલાંગ છતાં એમને પણ વિકલાંગ પેન્શન ન મળે. તેમને અનાજ મળે તેવું અંત્યોદય રાશકાર્ડ આપવું જોઈયે પણ એ પણ એમની પાસે નહીં.

વંચિતો સાથે કામના ભાગરૂપ આખા ગુજરાતમાં પ્રવાસ કરવાનું થાય અને દરેક વખતે એક પ્રશ્ન આવા વંચિતો જેમને સરકારની મદદની ખરેખર સૌથી વધારે જરૂર છે. તેમના સુધી મદદ કેમ નથી પહોંચતીનો થાય. સામે ચાલીને અધિકારી, ગ્રામપંચાયતો પોતાના તાબા તળેના વિસ્તારમાં કોઈ જરૂરિયાતમંદ રહી તો નથી ગયાને એની તપાસ કેમ નથી કરતા? વળી રહી ગયેલું કોઈ ધ્યાનમાં આવે તો ઉપરી અધિકારીઓ એ અધિકારી સામે શિક્ષાત્મક અથવા કડક પગલાં કેમ નથી લેતા? પ્રધાનમંત્રીએ સ્વપ્ર સેવ્યું છે દરેક પરિવારને ઘર આપવાનું તો બાવરી પરિવારોનો સર્વે કરી તેમને ઘર આપવાની દિશામાં કામ કેમ નથી થયું? ખેર પ્રશ્નો ઘણા છે. પણ આશા આ બધા પ્રશ્નોનું સમાધાન ઝડપથી થાય તેવી છે.  
મિત્તલ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top