Gujarat

નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કરાઈ મોટી આગાહી

ગાંધીનગર (Gandhinagar): ચાલુ વર્ષે ખૂબ સારું ચોમાસું (Monsoon) રહ્યું છે. ભાદરવો મહિનો શરૂ થયો છતાં ચોમાસાની વિદાયના કોઈ સંકેત મળી રહ્યાં નથી, ત્યારે હવામાન વિભાગ (Weather Department) તરફથી વધુ એક આગાહી થઈ છે. નવરાત્રિ (Navratri) દરમિયાન વરસાદ પડશે કે નહીં તેની ચાલતી અટકળો વચ્ચે હવામાન વિભાગની આ આગાહીએ ખૈલેયાઓના મનમાં હલચલ ઉભી કરી છે.

હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં પશ્ચિમ મધ્ય દિશામાં એક લો પ્રેશરની સિસ્ટમ બની છે. તેના લીધે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ભારે પવન અને વીજળીની ગાજવીજ સાથે જોરદાર વરસાદ (Rain) પડે તેવી આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં સક્રિય થયેલી સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યમાં અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તો આજે વાદળોએ આકાશને ફરી ઘેરી લીધું હતું.  આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની અગાહીને જોતાં હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 48 ટકા પડ્યો છે.

નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીંવત
પશ્ચિમ બંગાળમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમના લીધે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ શું નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદ પડશે તે પ્રશ્ન ખૈલેયાઓ અને ગરબા આયોજકોને સતાવી રહ્યો છે. તો તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે આયોજકો અને ખૈલેયાઓએ હાશકારો અનુભવ્યો છે.

Most Popular

To Top