Entertainment

રાહુલ… ‘ચકકી’ પિસીંગ એન્ડ પિસીંગ

રાહુલ ભટ્ટનું નામ આવે એટલે મહેશ ભટ્ટના દિકરાની વાત આવે પણ એક બીજો ય રાહુલ ભટ છે, જે ડબલ ‘ટ્ટ’ નથી ધરાવતો કારણકે તે કાશ્મીરી પંડિત છે. ‘કાશ્મીર ફાઇલ્સ’માં કામ કરનારા જ કાશ્મીરી પંડિત હોય એવું જરૂરી નથી. આ રાહુલ ભટ અનુરાગ કશ્યપની ‘અગ્લી’ માં એવો સંઘર્ષશીલ અભિનેતા હતા જેની દિકરીનું અપહરણ થઇ જાય છે. આ પાત્ર ભજવવાની તૈયારી રૂપે રાહુલ ખૂબ દારૂ પીધેલો. આંખ નીચે કાળા કુંડાળા પડે તે જરૂરી હતું અને તેણે તેવું કરેલું. એક દૃશ્યમાં રડવાનું અને ખરેખર જ ખૂબ રડેલો. રાહુલ ભટની આ મહેનત લેખે ત્યારે લાગી જયારે કેટરીના કૈફે સામે ‘ફિતુર’ માં અને પ્રિયંકા ચોપરા સાથે ‘જય ગંગાજલ’ માં રોમેન્ટિક ભૂમિકા ભજવી. હમણાં રાહુલની ‘ચકકી’ નામની ફિલ્મ આવી રહી છે પણ તેણે આરંભ તો કર્યો હતો ટી.વી. શ્રેણી ‘પહેલા પ્યાર’ થી.

તેણે થોડી લઘુ ફિલ્મો સાથે ‘હીના’, ‘જય હનુમાન’, ‘દ્રૌપદી’ (જેમાં તે કૃષ્ણની ભૂમિકામાં હતો) ટી.વી. શ્રેણી કરી અને ફિલ્મો મળવી શરૂ થઇ – ‘અગ્લી’, ‘ફિતૂર’, ‘જય ગંગાજલ’, ‘દાસ દેવ’, ‘સેકશન ૩૭૫’ અને ‘દોબારા’. આમાં ‘ચકકી’ જરા જુદો વિષય ધરાવતી ફિલ્મ છે. ગામડામાં વીજળી અનિયમિત આવે. આ કારણે ગામની ચકકી (લોટ દળવાની ઘંટી) બંધ અને તેને ચાલુ કરાવવા સરકારી અધિકારીઓના કેવા ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે તેની વાત આ ફિલ્મમાં છે. લોકોને આવી વાર્તા ગમશે કે નહીં તે ફિલ્મ કઇ શૈલીમાં બનાવી છે તેના આધારીત છે. બાકી સ્ટારવેલ્યુની રીતે તો તરત આકર્ષી શકે તેમ નથી. પરંતુ રાહુલ ભટ માટે તો આ ફિલ્મ ઘણી અગત્યની છે અને તે આજ સુધી એવી જ ફિલ્મોમાં કામ કરતો આવ્યો છે જેની સ્ટોરી પ્રેક્ષકોને વિચારતા કરી મુકે. ‘દોબારા’ માં તે તાપસી પન્નુ સાથે હતો અને એ ફિલ્મ ઘણાને ગમી હતી. અનુરાગ કશ્યપે તેને ‘અગ્લી’ પછી એ ફિલ્મમાં લીધો હતો પણ તેના દિગ્દર્શકોની યાદીમાં અભિષેક કપૂર (ફિતૂર), પ્રકાશ ઝા (જય ગંગાજલ), સુધીર (મિશ્રા (દાસ દેવ) છે.

સારા દિગ્દર્શકો તેને હંમેશા યાદ કરે છે. રાહુલ ભટ પ્રયોગ કરવામાં માને છે. તેની ‘મેન નેકેડ’ નામની ફિલ્મ એક જ શોટમાં ફિલ્માવાય હતી. રાહુલ માટે દરેક સફળતા મહત્વની છે અને તે સારા વિષય, સારા પાત્રો સાથે ઓળખાવા માંગે છે. તેણે ‘મેરી ડોલી તેરે અંગના’ અને ‘તુમ દેના સાથ મેરા’ જેવી ટી.વી. સિરીયલનું પણ નિર્માણ કર્યું છે. મૂળ ફેશન મોડલ તરીકે આરંભ કરનાર રાહુલ ‘ચકકી’ વડે વળી એકવાર પ્રશંસા મેળવે તો નવાઇ નહીં. •

Most Popular

To Top