પ્રોપગેન્ડા એક જૂઠ જયારે સત્યનો અંચળો ઓઢે

અમે જો લોકોને છૂટથી બોલવા ના દો અને માત્ર ભ્રામક પ્રચાર જ કરો તો તમે પોતે જ એ પ્રચારના પહેલા શિકાર બનશો કારણ કે તમે જ એવું માનવા લાગો છો કે તમે જે પ્રચાર કરો છો તે જ સત્ય છે અને તેના સિવાય બીજું કોઈ સત્ય છે જ નહીં.” -અરૂણ જેટલી, ઇન્દિરા ગાંધીને હિટલર સાથે સરખાવતા લેખમાં. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઓફ ફિલોસોફી જેસોન સ્ટેન્લીનું ૨૦૧૫માં એક પુસ્તક આવ્યું હતું. તેનું નામ હતું “હાઉ પ્રોપગેન્ડા વર્કસ” (પ્રચાર કેવી રીતે કામ કરે છે). પ્રોપગેન્ડા એટલે એવી માહિતી જે નિષ્પક્ષ નથી અને જે વ્યક્તિની વિવેકબુદ્ધિને નહીં પણ તેની લાગણીને પ્રભાવિત કરવા માટે હોય, જેથી એક ચોક્કસ પ્રકારનો મેસેજ લોકો સુધી પહોંચે. પ્રોપગેન્ડામાં (સહેતુક) એવું માનવામાં આવે છે કે લોકોમાં નીરક્ષીર વિવેક કરવાની, વિરોધાભાસી તથ્યોની સમીક્ષા કરવાની અને તેમના માટે શું સારું છે તે નક્કી કરવાની ક્ષમતા નથી હોતી એટલે તેમને તમારે એક એવી વાર્તા આપવી પડે, જે બુદ્ધિશક્તિનો ઉપયોગ કર્યા વગર તેઓ સમજી જાય. ટૂંકમાં, લોકોએ શું જાણવું જોઈએ, શું માનવું જોઈએ અને શું કરવું જોઈએ તે તેઓ જાતે નક્કી કરી શકતા નથી એટલે આપણે તેમને ‘મદદ’ કરવી જોઈએ.

એ અર્થમાં, પ્રોપગેન્ડા સ્વભાવે લોકતાંત્રિક નથી કારણ કે તે ધાક-ધમકી, ગેરમાહિતી અને જૂઠના આધારે લોકોની વિચારવાની શક્તિ પર તાળું મારી દે છે. એટલા માટે તેને દુષ્પ્રચાર કહે છે, પ્રચાર નહીં કારણ કે પ્રચારનો હેતુ વસ્તુ કે એક વિચારને જાણીતો કરવાનો હોય છે પણ દુષ્પ્રચારનો હેતુ એ વસ્તુ કે વિચારને ચોક્કસ રીતે જ જાણીતો કરવાનો હોય છે. બીજું, પ્રોપગેન્ડા કરતી વ્યક્તિને એ ખબર છે કે એ પ્રોપગેન્ડા છે. આ વાત જૂઠ અને કલ્પના જેવી છે. જૂઠ એટલે એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત જેને આપણે સાચી માનીએ છીએ અને બીજી વ્યક્તિ પણ એમાં માને એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ.

દાખલા તરીકે, રાજકીય કે ધાર્મિક માન્યતાઓ એક રીતે જૂઠ છે કારણ કે આપણે તેની સચ્ચાઈને તટસ્થ રીતે પુરવાર ના કરી શકીએ પરંતુ કરોડો લોકો તેમાં માનતા થઈ જાય તો પછી તેને જૂઠ કહેવું અઘરું થઈ જાય છે. બીજી રીતે કહીએ તો, જે જૂઠમાં બહુ બધા લોકો સાગમટે માનતા થઈ જાય, પછી તે ‘સત્ય’ બની જાય છે. પરંપરાઓ અને માન્યતાઓ એટલે જ પ્રચલિત હોય છે. રાજકીય પક્ષો અને સરકારો હંમેશાં ખૂબસૂરત ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સમુદાયો પર પ્રભાવ કાયમ કરે છે. માણસો (ધાર્મિક, સામાજિક, રાજકીય) વિચારધારાઓની સામૂહિક કલ્પનાઓને સત્ય માને છે અને એટલે જ એક વિચારધારા બીજી વિચારધારા સામે યુદ્ધ પણ કરે છે. જૂઠ એકલવાયું હોય છે, કલ્પના સહિયારી હોય છે.

પ્રોપગેન્ડા કેવી રીતે કામ કરે? આપણે પાંચ મુદ્દાઓથી તેને સમજીએ:

1.પ્રોપગેન્ડામાં ચર્ચા-વિચારણા, સંવાદને સ્થાન ન હોય. તેમાં સવાલોને પણ સ્થાન ન હોય. પ્રોપગેન્ડા વિગતોમાં ન ઊતરે. એ વન-સાઈડેડ હોય. 2.પ્રોપગેન્ડામાં ટોળું જ મહત્ત્વનું હોય, વ્યક્તિ નહીં. પ્રોપગેન્ડા ત્યારે જ અસરકારક બને જ્યારે તે વ્યક્તિ ટોળામાં હોય. એટલા માટે તેની પાસે વ્યક્તિગત સવાલના જવાબ ના હોય. 3.પ્રોપગેન્ડા સૌથી પહેલાં શિક્ષણ અને ઇતિહાસ પર કબજો જમાવે. આ બે જ બાબતો એવી છે, જે માણસોને વિવેકબુદ્ધિથી વિચારવા સક્ષમ બનાવે છે, અને વિવેકબુદ્ધિ એ પ્રોપગેન્ડાની દુશ્મન છે.

4.પ્રોપગેન્ડા સમાચારો અને માહિતી પર પોતાનો અંકુશ મૂકે. પ્રોપગેન્ડાએ સફળ થવું હોય તો સમાચાર માધ્યમો તેના કહ્યામાં હોવાં જોઈએ. 5. પ્રોપગેન્ડાનો અંતિમ ઉદેશ્ય લોકોના વિચારોને બદલવાનો નહીં, તેમના આચરણને બદલવાનો હોય છે. પ્રોપગેન્ડાને માણસની તાર્કિક વિચારશક્તિમાં નહીં, તેની અતાર્કિક એક્શન લેવાની ક્ષમતામાં રસ હોય છે. ન ગમતી સચ્ચાઈનું ખૂન કરવા માટે પ્રોપગેન્ડાનો હથિયાર તરીકે સહારો લેવામાં આવે, ત્યારે ધીમે ધીમે બધા લોકો સત્ય અને અસત્ય વચ્ચેનો ફર્ક કરવાની ક્ષમતા ગુમાવી દે અને તેમને જૂઠ સાથે જીવવાની  કોઈ શરમ ન આવે. ઊલટાનું, જૂઠ જાણે ફરજનો ભાગ હોય તેમ બધા તેનો પ્રચાર કરવા લાગી જાય. એક સમાજ તરીકે આપણે ક્યારે જૂઠને ઉચિત માનતા થઈ જઈએ? જવાબ: સમાજનું નેતૃત્વ કરતા, દેશનું શાસન કરતા લોકો જ્યારે જૂઠ જીવવા લાગે ત્યારે.

 જે દેશમાં ઉચ્ચ સ્તરે જૂઠનો વ્યવહાર થતો હોય, તે દેશની જનતા અનીતિને સામાન્ય ગણતી થઈ જાય અને તેમાંથી એવા જ નેતાઓ અને શાસકો પેદા કરે. જ્યારે અનીતિ અને અસત્યને બાહોશ રાજનીતિ ગણીને આપણે તેનાં ગુણગાન ગાઈએ, તો પછી જે લોકો આપણી પર શાસન કરે છે તેમની પાસેથી નીતિની અને સત્યની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આપણે લેખની શરૂઆતમાં નરેન્દ્ર મોદીની કેબિનેટના વરિષ્ઠ સદસ્ય અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું એક વિધાન ટાંક્યું છે. એમાં તેમણે જેનો સંદર્ભ આપ્યો છે તે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર પોપગેન્ડામાં બહુ માનતો હતો. તેણે એક વાર તેની વ્યાખ્યા કરતાં કહ્યું હતું: “તમામ પ્રોપગેન્ડા લોકપ્રિય હોવા જોઈએ. જે લોકો સુધી તેને પહોંચાડવાના છે, એમાંથી સૌથી ઓછા બુદ્ધિશાળી વ્યક્તિને પણ તે સમજમાં આવવા જોઈએ. કુશળ અને સતત પ્રચારની મદદથી, કેટલાય લોકોને સ્વર્ગ પણ નર્ક જેવું બતાવી શકાય અથવા સાવ જ નઠારા જીવનને સ્વર્ગ જેવું બતાવી શકાય છે.”

Most Popular

To Top