Comments

પ્રવેશોત્સવની મોસમ: ગુજરાતની શાળાઓમાં ને પડોશીની સરકારમાં

ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું છે. સામાન્ય રીતે જૂન મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન રાજ્યમાં મોનસૂનનો વિધિવત્ પ્રારંભ થતો હોય છે, પણ આ વખતે કેરળ-કર્ણાટક બાદ ચોમાસું જલદી આગળ વધતું નથી. મહારાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું છે ને વરસાદી મોસમ કરતાં રાજકીય ઉથલપાથલની મોસમ વધારે જોરમાં ખીલી છે. ઉદ્ધવ ઠાકરેની અઘાડી સરકારમાં ભાજપના ઇશારે પડેલા ભંગાણે કોંગ્રેસની ઊંઘ કદાચ ભલે ઉડાડી નથી, પણ એનસીપીવાળાને તો દોડતા જરૂર કરી લીધા છે. સુપ્રીમો શરદ પવારે વિધાનસભાના ફ્લોર પર બળાબળનાં પારખાં કરવાનું ઇજન આપ્યું છે. મહારાષ્ટ્રની રાજકીય ઉઠાપઠકમાં આમ જોઇએ તો અત્યાર સુધીની સ્થિતિએ ગુજરાતની ભૂમિકા સજ્જડ રહી છે.

ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મહારાષ્ટ્રના બાગી ધારાસભ્યોને ડુમસની હોટલમાં હેમખેમ રાખીને સિફતપૂર્વક ગુવાહાટી ભેગા કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. ગુજરાત ભાજપમાંના કેટલાક અસંતુષ્ટો આ ગતિવિધિ માટે ભલે એવું કહેતા હોય કે રાજ્યમાં આમઆદમી પાર્ટીવાળાના વધતા સળવળાટને રોકવાને બદલે ભાજપે પડોશીની પળોજણમાં વધારે ધ્યાન આપવા માંડ્યું છે, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખની આ હેરાફેરીમાં ચાવીરૂપ ભૂમિકા રહી. ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પ્રવેશોત્સવ શરૂ થયો છે. પડોશી મહારાષ્ટ્રમાં સરકારમાં પ્રવેશવા માટેનો જાણે ઉત્સવ શરૂ થયો છે. પ્રવેશોત્સવની મોસમ ખીલી છે.

ગુજરાતની શાળાઓમાં ને પડોશી(મહારાષ્ટ્ર)ની સરકારમાં નવતર પ્રવેશોત્સવ શરૂ થયો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાચી કે એકનાથની શિવસેના સાચી તેની કશ્મકશ જામી છે. ભાજપ એમાં બિગ બ્રધરની ભૂમિકા બરાબર ભજવી રહ્યો છે. સીઆર પાટીલ માટે આવાંઓ ઓપરેશન્સ પૂરાં પાડવાં એ કંઇ નવી વાત નથી. ભાજપ લેવલે સીઆરનો જાણે જામો પડી ગયો છે, પણ તાકડે ગુજરાત સરકાર હસ્તકની શાળાઓમાં ચાલી રહેલા પ્રવેશોત્સવ ટાણે રાજ્યના શિક્ષણ તંત્રની ગરબડો, ખામીઓને સપાટી પર લાવવાની તક વિરોધપક્ષ જવા દેવા માગતો નથી. શિક્ષણ તંત્રની ખામીઓને કંઇ ઝાઝી શોધવા જવી પડે એમ નથી. રાજ્યની શાળાઓમાં ૨૫ હજાર જેટલા નિયમિત શિક્ષકોની ઘટ છે.

શાળા સંચાલકોએ વેકેશન દરમિયાન જ પ્રવાસી શિક્ષકોની માગણીઓ કરી હતી. પરંતુ બોલકા શિક્ષણ વિભાગે કહે છે કે તેના પર ધ્યાન જ આપ્યું નહોતું અને હવે સ્કૂલો શરૂ થઈ છે અને પ્રવેશોત્સવ શરૂ થયો છે ત્યારે શિક્ષણ વિભાગે સફાળા જાગીને પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા પરિપત્ર જાહેર કર્યો છે. એ સિવાય શાળાઓની અપૂરતી સુવિધાઓ માટે આમઆદમી પાર્ટી જેવા વિરોધ પક્ષે પોતાના શાસનવાળા દિલ્હી સ્ટેટની શાળાઓની સરખામણી કરીને વિરોધ શરૂ કર્યો છે.

આમ આદમી પાર્ટી દ્વારા શરૂઆતથી જ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં દિલ્હીની સરકારી સ્કૂલો અને ગુજરાતની સરકારી સ્કૂલો અને શિક્ષણના સ્તરની સરખામણી કરાઈ રહી છે ત્યારે સ્કૂલો ખૂલ્યાના 20 દિવસ બાદ શિક્ષકો મળવાના કારણે આમ આદમી પાર્ટીને સરકારને ઘેરવાની વધુ એક તક મળી ગઈ છે. જો કે ગુજરાતમાં હજુ આમઆદમી પાર્ટીની અસરકારકતા જોઇએ એવી ને એટલી નથી, પરિણામે તેમના વિરોધનો જોઇએ એટલો ઇમ્પેક્ટ પડતો નથી. આમ છતાં આવા મુદ્દાઓ ઉપસ્થિત કરીને એ લોકોની નજરોમાં આવવાની તક છોડવા માગતી નથી. રાજ્યના મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસને આવા મુદ્દાઓની ઝાઝી ચિંતા હોય એવું હાલ લાગતું નથી.

 રાજ્યમાં મફત વીજળી આપવાની માગણીમાં આમઆદમી પાર્ટીના આંદોલનનું જાણે સુરસુરિયું થઇ ગયું હોય એવું લાગે છે. ગુજરાતમાં આ મુદ્દાને હજુ સુધી જોઇએ એવો ઇમ્પેક્ટ મળતો લાગતો નથી. એનું એક કારણ એ પણ મનાય છે કે ગુજરાતનાં લોકો મફતિયા મનોવૃત્તિવાળાં બહુ નથી. આપમાં લોકોને એડવાન્ટેજ બધી બાબતે જોઇતો હોય છે, પણ એ પોતાની બુદ્ધિશક્તિથી મેળવેલો હોવો જોઇએ એવી માનસિકતા ઝાઝી પ્રવર્તે છે. પ્રસંગોપાત ઉદાર દાન-સખાવતની સરવાણી વહાવતો ગુજરાતી કોઇની ખેરાત લેવામાં માનતો નથી.

બીજું કે આવી ખેરાત કેટલો સમય ટકશે એની પણ પાકી ગણતરી એનું ફળદ્રુપ માનસ કર્યા વિના રહેતું નથી. વળી આવી ખેરાત આપનારાની ક્ષમતા પર પણ એને ભરોસો પડતો લાગતો નથી, કારણ કે ચૂંટણીલક્ષી કરાતી જાહેરાત થકી એ પોતાની જાતને ભોટ કે મૂર્ખ સાબિત કરવા માગતો નથી. એનું કારણ એ પણ છે કે મફત વીજળી આપવાનું કહેનાર પર ગુજરાતવાસી મતદારને ભરોસો પડતો નથી. એના કરતાં વધારે ભરોસો રાજ્યમાં 1995 થી વચ્ચેના દોઢ વર્ષને બાદ કરતાં અત્યાર સુધી સ્થિર શાસન આપનાર ભાજપ પર વધારે ભરોસો પડે એમ છે.

સ્વાભાવિક છે કે એનું સીધું કારણ નરેન્દ્ર મોદી છે. આમ છતાં આટલા સમયના સત્તાકાળની એન્ટિઇન્કમ્બન્સી સત્તાધારી ભાજપને કેટલી નડે છે એ જોવાનું રહે છે. ભાવવધારા કરતાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગુજરાતની ચૂંટણીમાં જરૂર અણિયાળો બની રહેશે. મફત વીજળીના મુદ્દાને જોઇએ એવો બાઉન્સ હજુ સુધી મળતો નથી. એની સરખામણીએ શિક્ષણ ક્ષેત્રની ખામીઓને આમઆદમી પાર્ટીવાળા ઉજાગર કરવામાં વધુ સફળ રહ્યા હોવાનું લાગે છે, કારણ કે શાળા પ્રવેશોત્સવની મોટા પાયે જાહેરાતો અને આયોજનો થતાં હોવા છતાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયાં નથી. શાળાઓમાં ઓછા અને અપૂરતા શિક્ષકો હોવાની સાથે વર્ગખંડોની ભંગાર હાલત પણ લોકોને કઠી રહી છે.

વળી આમાં હજુ કંઇ બાકી હોય એમ કેટલાક સત્તાનશીનોની અવળવાણી પણ ઘણો ભાગ ભજવી રહી છે. લપસતી જીભોને ભાજપે ચૂંટણી પહેલાં કન્ટ્રોલ કરવી પડવાની છે. એ રીતે જોઇએ તો શિક્ષણનો મુદ્દો ગુજરાતના રાજકારણમાં ઘુસણખોરી કરવા માગતી આમઆદમી પાર્ટી માટે વધુ ફાયદાકારક બની રહેશે એવું લાગે છે.  મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ થકી ગુજરાતમાં કોંગ્રેસને મળતી નામોશીને લીધે વિપક્ષને નુકસાન કરશે. એની સામે ભાજપને રાજકીય માઇલેજ જરૂર આપશે. એનું એક કારણ એક સમયની સ્ટ્રોન્ગ હિન્દુવાદી કહેવાતી શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સોબતથી સવાઇ સેક્યુલર બની ગઇ હોવાની બાબત ગુજરાતના મતદારો નોટિસ કર્યા વિના રહેવાના નથી. તેમાંય હનુમાનચાલીસા પર બાન મૂકવાના ગઠબંધન અઘાડીના વલણના ઘેરા પડઘા ગુજરાતના મતદારોના માનસ પર પડે અને તેની ભાજપતરફી અસર થાય એવી પૂરી સંભાવના છે.

 બાકી રહેતી કસર નરેન્દ્રભાઇ મોદી પૂરી કરી રહ્યા છે. પંચમહાલ અને વડોદરામાં ગયા અઠવાડિયે કાર્યક્રમો કરીને ગયેલા નરેન્દ્રભાઇએ અત્યંત સાયલન્ટ રીતે પાવાગઢના મહાકાળી મંદિર પર 500 વર્ષ પછી ધ્વજારોહણ કરીને અયોધ્યા અને બનારસની સ્ટાઇલમાં જ કર્તૃત્વ પૂરું કર્યું છે. ગુજરાતના સુજ્ઞ મતદારોએ આ બાબતની હરખભેર નોંધ પણ લીધી છે. મહંમદ બેગડાએ તોડેલું મંદિર નરેન્દ્રભાઇએ નવું બનાવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. સાથે આ પાવાગઢનો વિસ્તાર આદિવાસી વિસ્તાર પણ હોઇ નરેન્દ્રભાઇએ આદિવાસી મતદારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યાનું સ્પષ્ટ થાય છે.

રાષ્ટ્રપતિપદ માટેના એનડીએના ઉમેદવાર તરીકે દ્રૌપદીદેવી મુર્મુની પસંદગી પણ આદિવાસી કાર્ડ ખેલવાના નરેન્દ્રભાઇના ઇરાદાને સ્પષ્ટ કરે છે. સામી ચૂંટણીએ એકંદરે સ્થિતિ આમ તો રાજ્યના સત્તાધારી ભાજપ માટે ફેવરેબલ જણાય છે, પણ હવે પછીનો મદાર ઘણે અંશે મેઘરાજા પર નિર્ભર કરશે, કારણ કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, છતાં રાજ્યમાં હજુ ચોમાસું બરાબર શરૂ થયું નથી. હજુ પણ જો વરસાદ ખેંચાશે તો ખેતીપાકને તેની અસર થયા વિના રહેશે નહીં ને આપણું ખેતીપ્રધાન અર્થતંત્ર વરસાદની ખેંચને કેટલી ખેંચી શકશે તે પ્રશ્ન છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top