Comments

પ્રશાંત કિશોર કોંગ્રેસને બેઠી કરી શકશે?

કોંગ્રેસ પક્ષમાં તેને નવો ઓપ ધારણ કરવામાં મદદ કરવા માટે ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની સવેતન સેવા લેવાના મામલે બહુ ગંભીર ચર્ચા ચાલી રહી છે. સોનિયા ગાંધીને લાગે છે કે પ્રશાંત કિશોર પાસે એવા અફલાતૂન વિચારો છે કે જે કોંગ્રેસને લોકસભાની 2024 ની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવાની સ્થિતિમાં અને ભારતીય જનતા પક્ષનું ગાડું ઊંધુ વાળવાની સ્થિતિમાં મૂકી શકશે. પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંહ, કમલનાથ અને અશોક ગેહલોત માને છે કે પ્રશાંત કિશોર પાસે સોનિયા અને તેનાં બાળકો રાહુલ અને પ્રિયંકાને એવું કહી દેવાની હિંમત હોઇ શકે કે પક્ષના પ્રમુખપદે ગાંધી કુટુંબની બહારના માણસો બેસાડો છતાં કોંગ્રેસ પક્ષને બેઠો કરવાના કામ માટે પ્રશાંત કિશોર પર પૂરેપૂરો ભરોસો નહિ કરી શકાય. દેખીતી રીતે પ્રશાંત કિશોરે ગાંધી પરિવારને ખાતરી કરાવી છે કે તમારી ભંડોળ પ્રાપ્તિ વિશેની ચિંતાનો ઉકેલ આવી શકશે કારણ કે ચૂંટણી લડવા નાણાંકીય ટેકો મેળવવાના દાવપેચ હું જાણું છું.

કોંગ્રેસ લોકસભાની બેઠકો પર સારી સંખ્યામાં સ્પર્ધા કરે તે માટે પ્રશાંત કિશોરે વિરોધ પક્ષના અન્ય નેતાઓ જગમોહન રેડ્ડી, એમ.કે. સ્ટાલિન, અખિલેશ યાદવ, નવીન પટનાઇક, તેજસ્વી યાદવ અને મમતા બેનરજી સાથે મંત્રણા કરવાનું પણ વચન આપ્યું છે. આ બધી સેવાના બદલામાં પ્રશાંત કિશોર એવી અપેક્ષા રાખે છે કે કોંગ્રેસ તેમને વરિષ્ઠ સ્તરે એવી રીતે બેસાડે જેથી તેમને પોતાની દરખાસ્તોનો અમલ કરવાની મોકળાશ રહે. આ દરખાસ્તોમાં તમામ સ્તરે નેતાગીરીના મુદ્દાને ઉકેલવાથી માંડીને છેક નીચલા સ્તર સુધી કાર્યકરોના પુનર્ગઠન અને જુદાં જુદાં પ્રસાર માધ્યમો દ્વારા પ્રચાર તંત્ર ગોઠવવાનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે પ્રશાંત કિશોરની દરખાસ્તોથી સોનિયાના મોંમાં પાણી આવે અને તે પ્રશાંત કિશોરની સેવા લેવાના આરે જ છે.

હજી એક વર્ષ પહેલાં આવી કવાયત સાકાર ન થઇ શકી અને પોતાનો ઉપયોગ નહીં કરવા બદલ કોંગ્રેસની નેતાગીરીની ટીકા કરવાનો પ્રશાંત કિશોરને મોકો મળ્યો હતો. આથી સોનિયા અને પક્ષના અન્ય નેતાઓ વચ્ચેની મંત્રણાનો છેલ્લામાં છેલ્લો દોર એવું બતાવતો લાગે છે કે પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં પ્રવેશ નક્કી છે. પણ તેમણે તે પહેલાં પોતે જેની સાથે કામ કરે એ છે દ્રવિડ મુનેત્ર કળગમ, તૃણમૂલ કોંગ્રેસ, તેલંગણા રાષ્ટ્ર સમિતિ સહિતના જે પક્ષો માટે કામ કરે છે તેની સાથે છેડો ફાડવો પડશે. પણ પ્રશાંત કિશોર જેની સાથે સંકળાયેલા છે તે ઇન્ડિયન પોલિટિકલ એકશન કમિટીએ કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્રીય સમિતિ સાથે 2023 ની ચૂંટણીનો કરાર કર્યો છે.

પોતે ઇન્ડિયન પોલિટિકસ એકશન કમિટી સાથેના સંબંધોને સત્તાવાર અંત કર્યો હોવાની સત્તાવાર જાહેરાત છતાં તે તા. 23 મી એપ્રિલે હૈદ્રાબાદમાં રાવ અને તેલંગણા રાષ્ટ્રીય સમિતિના નેતાઓ સાથે ચર્ચા મંત્રણા કરતા હતા. એટલે હવે પ્રશ્ન એ છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસને જ પૂરેપૂરા સમર્પિત રહેશે? બીજું કે પ્રશાંત કિશોરના તેમના ઘરાક રાજકીય પક્ષો સાથેના સંબંધમાં ઘણી ચડતીપડતી આવી છે. મમતા સાથેના તેમના સંબંધોમાં કચરું પડયું છે. તૃણમૂલ કોંગ્રેસને ગોવામાંથી ચૂંટણી લડવાની અને ઊંધે મોંએ પછડાવાની સલાહ આપવા બદલ પ્રશાંત કિશોર પર મમતા ખાસ્સા ગુસ્સે થયાં છે એવો ગણગણાટ છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના ઝળહળતા વિજય પછી ગાંધી પરિવારમાં અને કોંગ્રેસમાં ખાસ્સી હતાશા આવી ગઇ છે. આથી ગાંધી પરિવારની બહારના વ્યકિતએ કોંગ્રેસનાં સૂત્રો સંભાળી લેવાં જોઇએ એવા સ્પષ્ટ મત છતાં સોનિયાએ પ્રશાંત કિશોર સાથેની મંત્રણાના બે દોર કર્યા. 2017 ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઊંધે મોંએ પટકાયો હતો. છતાં આ પરિસ્થિતિ છે.

પ્રશાંત કિશોરે ગુજરાતમાં સંયુકત રાષ્ટ્રોના પાણી અને તેના નિકાલના નિષ્ણાત તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને 2014 માં મોદી માટે પ્રચાર કર્યો હતો, પણ મોદી વડા પ્રધાન બન્યા પછી પોતાને કેન્દ્ર સરકારમાં લેવાની માંગણીનો સ્વીકાર ન થતાં પ્રશાંત કિશોરે ભારતીય જનતા પક્ષને રામરામ કર્યા હતા. પછી તેમણે પોતાની વફાદારી નીતીશકુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઇટેડ)ને બનાવી બિહારમાં તેને 2015 માં જીતવામાં મદદ કરી. પછી તેમણે કોંગ્રેસને 2017 માં પંજાબમાં જીતવામાં મદદ કરી, પછી વાય.એસ. રેડ્ડીના કોંગ્રેસને 2019 માં જીતવામાં મદદ કરી. દિલ્હીમાં 2020 માં આપને જીતવામાં મદદ કરી અને 2021 માં તૃણમૂલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કળગમને અનુક્રમે બંગાળ અને તામિલનાડુમાં જીતાડવામાં મશગુલ હતા. પણ કોંગ્રેસ પક્ષને તેઓ બેઠો કરી શકશે?

પ્રશાંત કિશોર કહે છે: હા. વિરોધ પક્ષમાં વડા પ્રધાનપદનો મોડ બાંધવા ઘણા તૈયાર હશે પણ તેથી શું? ભારતીય જનતા પક્ષને સંયુકત વિરોધ પક્ષનો સામનો કરવો પડશે તો તે ચોક્કસ પડશે જ. પણ સવાલોનો સવાલ એ છે કે કોંગ્રેસ પક્ષની તકલીફોનો માત્ર પ્રશાંત કિશોર ઉકેલ લાવી શકશે? સોનિયાને એક જ વાત અસર કરી છે કે પ્રશાંત કિશોરે પોતાની કામગીરી તો બતાવી છે પછી તેનો ઇલાજ કોંગ્રેસ માટે કરીએ તો વાધો શું છે? કોંગ્રેસ પક્ષ તા. 13 મી મે થી ઉદયપુરમાં ત્રણ દિવસની ચિંતનશિબિર કરે છે. જયપુરના ચિંતન શિબિરમાં 2013 માં રાહુલ ગાંધી પક્ષના વડા બન્યા હતા. હવે શું? બની શકે કે પ્રશાંત કિશોર રાહુલ ગાંધીને જનસંપર્ક માટે 1990 ની રાજીવની ભારત યાત્રા જેવી યાત્રા કરાવે.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top