Dakshin Gujarat

લાંચમાં 1 લાખ લીધા બાદ પણ નેત્રંગના કોન્સ્ટેબલનું મન ભરાયું નહીં, વધુ 8 હજાર માંગ્યા અને ભેરવાયો

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસતંત્રમાં (Police) ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ (Head Constable) કમ રાઈટરને એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) ટીમે રૂ.૮૦૦૦/-ની લાંચ (bribe) લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. ફરિયાદી અનુસાર એક કેસમાં ૧ લાખ રૂપિયા આપવા છતાં પોલીસકર્મીને સંતોષ થયો ન હતો.જેણે વધુ ૮ હજાર રૂપિયાની માંગણી કરતા ACBનો સંપર્ક કરી છટકું ગોઠવી કાઢ્યું હતું.

એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નેત્રંગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ કમ રાઇટર તરીકે ફરજ બજાવતા વિજયસિંહ મોરી 8 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા છે. આ રૂપિયા કેસની માથાકૂટથી ફરિયાદીને દૂર રાખવા માટે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૈસાની માંગણીમાં પીએસઆઇનો પણ ઉલ્લેખ કરાયો છે ત્યારે અધિકારીની મીલીભગત છે કે કેમ? તેની પણ તપાસ થઈ શકે છે.

અમદાવાદના નરોડામાં રૂ.૫૬૦૦૦/-ની છેતરપિંડીની ફરિયાદ સંદર્ભે નરોડા પોલીસની એક ટિમ નેત્રંગ પહોંચી હતી. આ કેસમાં ધરપકડથી બચાવ કરવા સહિત કેસનો નિકાલ કરવા વિજયસિંહ મોરીએ ફરિયાદી પાસે ફરિયાદની વિવાદની રકમ રૂ.૫૬ હજાર અને તેમના ત્યાંના PSI ના મળી ૪૪ હજાર સાથે કુલ ૧ લાખ લાંચ પેટે આપવા કહ્યું હતું. મામલો નિપટાવવા વિનોદભાઇ પટેલ નામના વ્યક્તિ મારફતે રૂપિયા ૧ લાખ પહોંચાડી દેવાયા હતા. આ બાદ વિજયસિંહ મોરીએ ફરિયાદીનો સંપર્ક કરી કુલ રકમમાં ૮ હજાર રૂપિયા ઓછા હોવાનું જણાવી વધુ ૮ હજાર રૂપિયાની માંગણી કરી હતી.

ફરિયાદીને હવે પોલીસકર્મીની લાલચ વધી રહી હોવાનું અહેસાસ થતા તેણે એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસ ઇન્સ્પેકટર એમ કે સ્વામીની ટીમ ભરૂચ પહોંચી હતી. નેત્રંગમાં લાંચિયા પોલીસકર્મીને ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરાના માર્ગદર્શન હેઠળ નેત્રંગમાં પોલીસ ઇન્સ્પેકટર એમ કે સ્વામીએ વિજયસિંહ મોરીને રંગેહાથ ઝડપી પાડવા તૈયારી હાથ ધરી હતી. આયોજન મુજબ ફરિયાદીનો વ્યક્તિ રૂ.૮ હજાર રૂપિયા આપવા વિજયસિંહ મોરી પાસે પહોંચ્યો ત્યારે લાંચની રકમ સ્વીકારનાર પોલીસકર્મીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વિજયસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે સાથે પોલીસે લંચની રકમ રૂ.૮ હજાર પણ સ્થળ ઉપરથી કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે લાંચની માંગણીની વાતચીતમાં PSI નો ઉલ્લેખ છે ત્યારે અધિકારી તપાસના આદેશ પણ થઈ શકે છે.

Most Popular

To Top