Gujarat

ઠગ કિરણ પટેલની તપાસમાં ભાજપના અનેક મોટા નેતાઓના પગ નીચે રેલો આવે તેવી સંભાવના

ગાંધીનગર : પીએમઓ (PMO) ના નકલી અધિકારી બનીને કાશ્મીરમાં (Kashmir) ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતા મહાઠગ કિરણ પટેલનું કનેક્શન કાશ્મીર ગુજરાત (Gujarat) સહિત અનેક રાજ્યના ભાજપના (BJP) નેતાઓ સાથે કનેક્શન હોવાનું ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. હાલમાં કિરણ પટેલ જમ્મુ કાશ્મીર પોલીસના કબજામાં છે. તપાસ બાદ ભાજપના અનેક મોટા માથાઓના પગ નીચે રહેલો આવે તેવી સંભાવના છે.

ઠગબાજ કિરણ પટેલના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. આ કૌભાંડનો એક રેલો સીએમઓ સુધી પણ પહોંચ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારીના પુત્ર અને તેમના મિત્રની કિરણ પટેલ સાથે ધંધાકીય સંબંધો પણ બહાર આવ્યા છે. તેઓ જમ્મુ કાશ્મીરના કેટલાક વેપારીઓને પણ મળ્યા હતા, અને તેમની સાથે ધંધાકીય ડીલ કરી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયના પી.આર.ઓના પુત્ર અમિત પંડ્યા કિરણ પટેલના સંપર્કમાં હતો અને સીસીટીવી કોન્ટ્રાક્ટમાં પણ તેની ભાગીદારી હતી. ઠગ કિરણ પટેલ સાથે ભાજપના નેતાઓના કનેક્શન હોવાનું બહાર આવતા હવે ભાજપના નેતાઓ કિરણ પટેલથી કિનારો કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં તેની ચેટ પણ ડીલીટ કરવા લાગ્યા છે, આ સમગ્ર પ્રકરણમાં તપાસ બાદ કંઈ કેટલાય મોટા માથાઓના નામ બહાર આવે તો નવાઈ નહીં. આખાય પ્રકરણમાં ભાજપના નેતાઓનું નામ બહાર આવતા હાલમાં ગુજરાત ભાજપ અને કેન્દ્રની ભાજપના કોઈપણ મોટા નેતાઓ આ મામલે કાંઈ પણ બોલવા તૈયાર નથી.

ઉત્તરાખંડ પોલીસ પણ ઠગ કિરણ પટેલ સામે કાર્યવાહી કરશે
પીએમઓના બોગસ અધિકારી કિરણ પટેલ હાલમાં શ્રીનગર પોલીસ પાસે છે. તેવામાં ઉતરાખંડ પોલીસ પણ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. ઉત્તરાખંડની પોલીસની એક ટીમ કિરણ પટેલની પૂછપરછ માટે શ્રીનગર પણ પહોંચી ગઈ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કિરણ પટેલે ઉત્તરાખંડમાં ઋષિકેશમાં કેટલાક વેપારીઓ સાથે બેઠક યોજી હતી. આ વ્યાપારીઓ સાથે બેઠક યોજાઈ ત્યારે કિરણ પટેલે પીએમઓના અધિકારી તરીકે બેઠક યોજી હતી. પીએમઓનું નામ વટાવીને બોગસ અધિકારી તરીકે આ મીટીંગ કરવાના મામલે ઉત્તરાખંડ પોલીસ પણ કિરણ પટેલની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરશે.

કિરણ પટેલે અનેક સાથે છેતરપિંડી કરી
ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં ચાર જેટલી ફરિયાદ નોંધાયેલી છે. પરંતુ ધીમે ધીમે એક પછી એક તેની છેતરપિંડીની ફરિયાદો સામે આવી રહી છે. વડોદરા અને અમદાવાદના નિકોલ સહિત ચાર ફરિયાદ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આ ઉપરાંત પણ તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવી રહ્યું છે. હવે આ લોકો પણ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ કરી રહ્યા છેય પીએમઓના અધિકારી તરીકે ઓળખાણ આપી અનેક રાજકીય મોટા માથાઓ સાથે તેના સંપર્કો હોવાનું કહીને તેણે અનેક લોકો સાથે આર્થિક છેતરપિંડી કરી છે. આમ કિરણ પટેલનો ભોગ બનેલા વ્યક્તિઓ હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે, અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે.

Most Popular

To Top