National

પીટી ઉષા, વીરેન્દ્ર હેગડે સહિત આ ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પીટી ઉષા, વી. વિજયેન્દ્ર પ્રસાદ ગરુ, વીરેન્દ્ર હેગડે અને ઇલૈયા રાજાને રાજ્યસભામાં (Rajyasabha) નામાંકિત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેઓએ ટ્વીટ (Tweet) કરીને ચારેય મહાનુભાવોની કામગીરીની પ્રસંશા કરી હતી અને રાજ્યસભામાં નોમિનેટ થવા બદલ અભિનંદન આપ્યા હતા. પીટી ઉષા એથલીટ પ્લેયર છે સાથે તેમણે ઘણા વર્ષો સુધી એથલીટોનું માર્ગદર્શન કર્યું છે. ઇલૈયારાજા મ્યૂઝિક કંપોઝર અને સંગીતકાર છે જેઓએ ઘણા હિટ સોંગ્સ આપ્યા છે. વીરેન્દ્ર હેગડેએ સામુદાયિક સેવાની સાથે આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યુ છે. જ્યારે વી વિજયેન્દ્ર પ્રસાદ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિને પ્રદર્શિત કરતી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે.

વડાપ્રધાને પીટી ઉષા માટે લખ્યું, “પીટી ઉષા જી દરેક ભારતીય માટે પ્રેરણા છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ વ્યાપકપણે જાણીતી છે, વર્ષોથી ઉભરતા ખેલાડીઓને માર્ગદર્શન આપતું તેમનું કાર્ય પણ એટલું જ પ્રશંસનીય છે. રાજ્યસભામાં નામાંકિત થવા બદલ અભિનંદન.” પીટી ઉષા 1984 ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહ્યા હતા. ત્યારથી તેઓ આખા દેશમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે 1986ની સિઓલ એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઉષાજીએ 400 મીટર હર્ડલ્સ, 400 મીટર રેસ, 200 મીટર અને 4×400 રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ 100 મીટરની દોડમાં બીજા ક્રમે રહ્યા હતા. તેમણે 1983માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 1985માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

ઇલૈયા રાજાએ પેઢી દર પેઢી લોકોને પોતાના સંગીત દ્વારા મંત્રમુગ્ધ કર્યા છે. તેમની કૃતિઓ ઘણી લાગણીઓને સુંદર રીતે દર્શાવે છે. તેમની જીવનયાત્રા પણ પ્રેરણાદાયી છે. ઇલૈયા રાજા તમિલ ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર છે. તેમણે અત્યાર સુધીમાં 1400 ફિલ્મો માટે સાત હજાર ગીતો કંપોઝ કર્યા છે. તેમણે તમિલ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ઇલૈયા રાજા દક્ષિણ ભારતીય સિનેમામાં પશ્ચિમી સંગીતને રજૂ કરવા માટે જાણીતા છે. તેમણે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લાઈવ કોન્સર્ટ પણ કર્યા છે. તેઓ ભારતીય સંગીતના મહાન સંગીતકારોમાંના એક ગણાય છે. ઇલૈયા રાજાને પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી ત્રણ શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે અને બે રાષ્ટ્રીય પુરસ્કારો શ્રેષ્ઠ પૃષ્ઠભૂમિ સ્કોર માટે. તેમને 2010માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

રાજ્યસભા માટે વી. વિજયેન્દ્ર પ્રસાદ ગરુના નામાંકન પર પીએમ મોદી લખ્યું, “વી. વિજયેન્દ્ર ગરુ દાયકાઓથી સર્જનાત્મક જગત સાથે સંકળાયેલા છે. તેમના કાર્યો ભારતની ભવ્ય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને વૈશ્વિક સ્તરે તેમની ઓળખ બનાવી છે. વિજયેન્દ્ર પ્રસાદ ગરુએ બાહુબલી, RRR, બજરંગી ભાઈજાન, રાઉડી રાઠોડ, મણિકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી અને માર્શલ જેવી ફિલ્મોની વાર્તા લખી છે. તેઓને 2016 માં બજરંગી ભાઈજાન માટે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય તેમણે અર્ધાંગિની, રાંઝણા અને શ્રીવલ્લી જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

વીરેન્દ્ર હેગડે ઉત્કૃષ્ટ સમુદાય સેવામાં અગ્રેસર છે. વીરેન્દ્ર હેગડે ધર્માધિકારી રત્નવર્મા હેગડેના મોટા પુત્ર છે. તેઓ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં સ્થિત શ્રી ધર્મસ્થલા મંજુનાથ સ્વામી મંદિરના આનુવંશિક ટ્રસ્ટી છે. જૈન સમુદાયમાંથી હોવા છતાં વીરેન્દ્ર હેગડેનો પરિવાર ઘણા હિંદુ સમુદાયના મંદિરોના ટ્રસ્ટી છે. વીરેન્દ્ર હેગડે દિગંબર જૈન સમુદાયમાંથી આવે છે. વીરેન્દ્ર હેગડે જૈન સમુદાયની લગભગ 600 વર્ષ જૂની પરંપરાને આગળ ધપાવવા માટે જાણીતા છે. એટલું જ નહીં, તેમણે કલા અને સંસ્કૃતિના સંવર્ધનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. નિસર્ગોપચાર, યોગ અને નૈતિક શિક્ષણનો ફેલાવો કરવા માટે મંદિર સાથે સંકળાયેલ 400 ઉચ્ચ શાળા અને પ્રાથમિક શિક્ષકો દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓને આ વિષયોમાં શીખવે છે.

Most Popular

To Top