ફાર્મા કંપનીઓ નફો રળવા માટે નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવા માગે છે

Alembic Pharma Gets Final USFDA Nod For Generic Formoterol Fumarate  Inhalation Solution

ભારતની ૮૧ ટકા પુખ્ત વસતિએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને માત્ર ૪૩ ટકાએ બીજો ડોઝ લીધો છે ત્યારે વેક્સિન બનાવતી કંપનીઓ અને ખાનગી હોસ્પિટલો પોતાનો નફો વધારવા વેક્સિનના ત્રીજા બૂસ્ટર ડોઝ માટે ધમપછાડા કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહામંત્રી અધનોમ થેડ્રોસે થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું કે દુનિયાના કરોડો લોકોને હજુ વેક્સિનનો પહેલો ડોઝ પણ નથી મળ્યો ત્યાં કેટલાક લોકો બૂસ્ટર ડોઝનું કૌભાંડ ચલાવી રહ્યા છે.

થેડ્રોસના આક્ષેપ છતાં અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશોમાં બૂસ્ટર ડોઝનું કૌભાંડ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાંક સ્થાપિત હિતો પ્રજાને ડરાવીને બૂસ્ટર ડોઝ આપવા આતુર છે, પણ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ભારપૂર્વક કહ્યું છે કે ભારતની પ્રજામાં ઇમ્યુનિટી વિકાસ પામી ચૂકી હોવાથી હાલમાં બૂસ્ટર ડોઝ આપવાની કોઈ જરૂર નથી. જો કે ભવિષ્યમાં આ નિષ્ણાતો બૂસ્ટર ડોઝની વકીલાત કરવા માંડે તો નવાઇ નહીં લાગે.

પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા વેક્સિનના બે ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાનો આગ્રહ એટલા માટે કરવામાં આવે છે કે તેમની પાસે રસીના કરોડો ડોઝ વણવપરાયેલા પડ્યા છે. આ કરોડો ડોઝ આ વર્ષના ડિસેમ્બર સુધીમાં નકામા થઇ જવાના છે. એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં જ હોસ્પિટલોમાં ૫૦ લાખ ડોઝ પડ્યા છે, જેમાંના ૧૯ લાખ મુંબઈમાં અને ૨૦ લાખ પુણેમાં પડ્યા છે. મુંબઈના વરસોવા વિસ્તારમાં આવેલી ફાઇવ સ્ટાર હોસ્પિટલે તો કેન્દ્ર સરકારની ગાઇડલાઇનથી વિરુદ્ધ જઈને પોતાના સ્ટાફને વેક્સિનનો ત્રીજો ડોઝ આપી દીધો હતો. હકીકતમાં વેક્સિનના ત્રીજા ડોઝથી ફાયદો થશે અને નુકસાન નહીં થાય તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી. જે દેશોમાં વેક્સિનનો ત્રીજો ડોઝ અપાઈ રહ્યો છે ત્યાં હવે ચોથા ડોઝની વાત ચાલી રહી છે. જો તેમનું ચાલે તો તેઓ લોકો જીવે ત્યાં સુધી તેમને દર ૬ મહિને વેક્સિનનો એક ડોઝ લેવાની ફરજ પાડશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર થેડ્રોસના જણાવ્યા મુજબ ગરીબ દેશોમાં જેટલા ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં નથી આવ્યો તેના કરતાં ૪૦ શ્રીમંત દેશોમાં ૬ ગણા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં પણ તેવી જ પરિસ્થિતિ છે. ભારતના માત્ર ૪૩ ટકા નાગરિકોને જ વેક્સિનના બંને ડોઝ મળ્યા છે. અર્થાત્ ૫૭ ટકા નાગરિકોનું હજુ સંપૂર્ણ વેક્સિનેશન થયું નથી. ત્યાં કેટલીક હોસ્પિટલો બૂસ્ટર ડોઝની માગણી કરી રહી છે, કારણ કે તેઓ તેમાંથી કમાણીની નવી તકો શોધી રહી છે.

ભારતના ૧૦ ટકા શ્રીમંતો એવા છે કે જેઓ મફતમાં મળતી સરકારી વેક્સિનની લાઇનમાં ઊભા રહેવાને બદલે ફાઇવ સ્ટાર હોસ્પિટલોમાં જઈને ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયામાં વેક્સિન લેવાનું પસંદ કરે છે. આવા ૧૦ ટકા નાગરિકો વેક્સિનના બંને ડોઝ લઈને બેસી ગયા છે. તેઓ હજુ ભયભીત છે. જો તેમને બૂસ્ટર ડોઝ લેવાની પરવાનગી આપવામાં આવે તો તેઓ રૂપિયા ખર્ચીને લેવા તૈયાર છે. માટે હોસ્પિટલો તેના માટે આગ્રહ કરી રહી છે.

૧૨ નવેમ્બરે એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સે ભારત સરકારના આરોગ્ય ખાતાને પત્ર લખીને કેટલાંક લોકોમાં ઘટી રહેલી ઇમ્યુનિટીને પહોંચી વળવા બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી માગી હતી. કેટલાક નિષ્ણાતો કહે છે કે વેક્સિન લીધા પછી ૬ મહિને ઇમ્યુનિટી ઘટી જતી હોવાથી દર ૬ મહિને બૂસ્ટર ડોઝની જરૂર પડશે. સરકારી સેન્ટરમાં વેક્સિન મફતમાં મૂકવામાં આવે છે, પણ ખાનગી હોસ્પિટલોને ચાર્જ લેવાની મંજૂરી આપવામાં આવી છે. ખાનગી સેન્ટરોમાં કોવિશીલ્ડના ૭૮૦ રૂપિયા અને કોવેક્સિનના ૧,૪૧૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે.  સરેરાશ આશરે ૧,૧૦૦ રૂપિયા થાય છે. જો મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં પડેલા ૫૦ લાખ ડોઝ નકામા થઈ જાય તો હોસ્પિટલોને તેનાથી ૫૫૦ કરોડ રૂપિયાની ખોટ જવાનો ભય સતાવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીઓને કુલ વેક્સિન સ્ટોકના ૨૫ ટકા જેટલો સ્ટોક ખરીદવાની પરવાનગી આપી હતી. તેમણે તે મુજબ સ્ટોક ખરીદી પણ લીધો હતો. તેમને હતું કે સરકારી તંત્રના ધાંધિયાને કારણે લોકો ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લેવા લાઇન લગાવશે. તેથી ઊંધું જ બન્યું છે. ૯૬ ટકા લોકો સરકારી કેન્દ્ર પર જઈને મફતમાં વેક્સિન લઈ આવ્યા છે, જ્યારે માત્ર ૪ ટકા લોકો જ રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લેવા ગયા છે. તેને કારણે ખાનગી હોસ્પિટલોમાં વપરાયા વગરનો જંગી જથ્થો પડ્યો છે. તેને ઠેકાણે પાડવા તેઓ સરકારી તંત્ર સમક્ષ બૂસ્ટર ડોઝની પરવાનગી માગી રહ્યા છે. તેમને આરોગ્યની નહીં પણ નફાની ચિંતા છે.

સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કહી દેવામાં આવ્યું છે કે જો તમારી પાસે વેક્સિનના ડોઝ વધ્યા હોય તો બૂસ્ટર ડોઝ માટે આગ્રહ રાખવાને બદલે ઝૂંપડપટ્ટીમાં જઈને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની યોજના હેઠળ ગરીબોને મફતમાં વેક્સિન આપો. હોસ્પિટલના સંચાલકો કહે છે કે તેમણે ઝૂંપડપટ્ટીમાં જઈને વેક્સિન આપી જોઈ છે, પણ હવે ત્યાં પણ કોઈ વેક્સિન લેવા આવતું નથી. હોસ્પિટલો કહે છે કે તેમની પાસે જે ડોઝ વધ્યા છે તે સરકારે ખરીદી લેવા જોઈએ. સરકાર તે ખરીદવા તૈયાર નથી; કારણ કે વેક્સિન બનાવતી કંપનીઓ સરકારને સસ્તામાં વેક્સિન વેચે છે.

ખાનગી હોસ્પિટલો પાસે વેક્સિનના ડોઝનો ભરાવો થવાનું મુખ્ય કારણ એ છે કે જૂન મહિનામાં સરકાર દ્વારા જોરશોરથી ઘોષણા કરવામાં આવતી હતી કે સપ્ટેમ્બર મહિનામાં ત્રીજું મોજું આવશે. જો ખરેખર ત્રીજું મોજું આવ્યું હોત તો વેક્સિન લેવા લોકોની લાંબી લાઇનો જોવા મળત. આ લાઇનથી બચવા લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા પહોંચી જાત. સપ્ટેમ્બરમાં કોરોનાનું ત્રીજું મોજું આવશે, તેવી આગાહી સરિયામ જૂઠી પુરવાર થઈ છે. હવે નિષ્ણાતો પૂછી રહ્યા છે કે આવી આગાહી ક્યા વૈજ્ઞાનિક હેવાલને આધારે કરવામાં આવી હતી? તેનો કોઈ આધાર મળતો નથી. તો પછી તેવી આગાહી કરનારા પર લોકોમાં નાહકનો ભય ફેલાવવાનો કેસ કરવો જોઈએ. હકીકતમાં ભારતનાં પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી આવી રહી હોવાથી સરકાર દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી કાઢવામાં આવ્યું છે, જેને કારણે કેસો ઓછા આવે છે. આ કારણે ત્રીજું મોજું આવ્યું નથી. હવે કદાચ ચૂંટણીઓ પતી જાય તે પછી સરકાર કોરોનાનું ત્રીજું મોજું લાવી શકે છે.

આપણી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોરોનાને નામે પ્રજા પર જાતજાતનાં નિયંત્રણો લાદવામાં આવે છે, પણ રાજકારણીઓ તમામ નિયંત્રણોથી મુક્ત છે. આજની તારીખમાં ગુજરાતમાં લગ્ન કરવા હોય તો જાનમાં ૪૦૦ માણસોથી વધુ લાવવાની પરવાનગી મળતી નથી. સરકારી કચેરીમાં કે બાગબગીચામાં પ્રવેશ કરવા માટે બે ડોઝનું સર્ટિફિકેટ માગવામાં આવે છે, પણ રાજકીય મેળાવડા માટે તેવા કોઈ નિયમો પાળવામાં આવતા નથી. બુધવારે સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં ભાજપનું જે સ્નેહમિલન યોજાઇ ગયું તેમાં આશરે ૨૫ હજાર લોકો હાજર રહ્યા હતા. તેમને આ રીતે ભેગા થવાની પરવાનગી કોણે આપી? તેમાંના મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર આવ્યા હતા. તેમાંના કેટલાને દંડ કરવામાં આવ્યો હતો? તેમાંથી કેટલાના વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યા હતા? કોરોનાના નિયમો શું આમ જનતાને હેરાન કરવા માટે જ છે?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts