Charchapatra

જો તમે તમારા પતિને દારૂના નશાથી મુકત કરી શકયા હોત

નિરાધાર વિધવાઓ સન્માનપૂર્વક જીવી શકે, તેમનું સમાજમાં યોગ્ય પુન: સ્થાપન થઇ શકે, સમાજમાં સુરક્ષિત રહી શકે અને તેઓ આર્થિક રીતે નિર્ભર થઇ શકે તેવા શુભ હેતુથી ગુજરાત સરકાર દ્વારા બે વરસ પૂર્વે ઓલપાડ ખાતે લગભગ સાતેક હજાર વિધવાઓને પેન્શન મંજૂરી પત્રોનું વિતરણ કરવા વાસ્તે એક કાર્યક્રમ યોજાયો હતો. હવે પ્રસ્તુત બાબતે ચોંકાવનારી હકીકત એ છે કે સદર સાત હજાર વિધવાઓમાંની મહદ્ અંશની સ્ત્રીઓનું સૌભાગ્ય પોતાના પતિના દારૂના દૂષણના કારણે નંદવાયુ હતું. પોતાના નામ આગળ ગંગાસ્વરૂપાનું વિશેષણ લગાડનાર સૌ સન્નારીઓ પ્રતિ સંપૂર્ણ સહાનુભૂતિ તથા સાંત્વના વ્યકત કરવાની સાથે સખેદ નોંધ લેવી રહી કે પોતાની આવી વિષમ સ્થિતિના નિર્માણ માટે તેઓ સ્વયં જવાબદાર છે! શા માટે તેમણે પોતાના પતિદેવોને જીવનના અંત સુધી દારૂના દરિયામાં ડૂબેલા રાખ્યા? શું એની પાછળ પતિ પરમેશ્વર છે જેવી મિથ્યા પરિકલ્પના કે ધર્માંધતા તો કારણભૂત નથી ને? આપ પોતાના પતિને સર્વસ્વ માનો અને પતિવ્રતાનું પાલન કરો કિન્તુ એ હદ સુધી તો ન જાઓ કે તમારું હર્યુંભર્યું જીવન પતનની ગર્તામાં સરી જાય! તો પોતાનો પતિ જો ખોટી દિશાએ ભ્રમિત થયો હોય તો દરેક પત્નીની ફરજ થઇ પડે છે કે એને એ માર્ગેથી વાળી સાચો રાહ બતાવે.
શેખપુર  – શાંતિલાલ પી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top