Sports

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત પર ભડક્યું, કહ્યું આવું વલણ અયોગ્ય

મુંબઈ: BCCI સેક્રેટરી જય શાહના (Jay Shah) નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે. જય શાહે મંગળવારે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા (Team India) એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પાકિસ્તાનનો પ્રવાસ (Pakistan Tour) નહીં કરે અને એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. હવે પીસીબીએ કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે, આ અંગે તરત જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની (Asian Cricket Council) બેઠક બોલાવવી જોઈએ.

બુધવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહના નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચોંકી ગયું છે અને નિરાશ છે. જય શાહ દ્વારા એશિયા કપને તટસ્થ સ્થળે શિફ્ટ કરવાનું નિવેદન નિંદનીય છે. બોર્ડના કોઈપણ સભ્ય સાથે વાત કર્યા વિના, યજમાન સાથે ચર્ચા કર્યા વિના પણ આ નિવેદન દુઃખની વાત છે. જેના ભારે પરિણામો આવી શકે છે.

પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં લાંબી ચર્ચા અને સમર્થન બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે, પરંતુ હવે જય શાહનું નિવેદન આ બાબતોનું ઉલ્લંઘન છે. આ એ ભાવનાની વિરુદ્ધ છે જે સાથે 1983માં એશિયન ક્રિકેટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધમકી આપી છે કે આવા નિવેદનો એશિયાના ક્રિકેટ દેશો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને દેશોને જૂથોમાં વહેંચી શકે છે. આ સિવાય તેની અસર પાકિસ્તાનના 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ અથવા 2031 સુધી યોજાનારી અન્ય ક્રિકેટ મેચો પર પણ પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે માંગ કરી છે કે આ સંબંધમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે. કારણ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ અથવા તેમના કાર્યાલય દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે BCCIના સેક્રેટરી હોવા ઉપરાંત જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે. BCCIની AGM મીટિંગ બાદ જય શાહે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. જય શાહનું આ નિવેદન પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. પાકિસ્તાનમાં લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતું, હવે તાજેતરમાં કેટલીક ટીમો ત્યાં જવા લાગી છે.

ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે, પરંતુ ભારતે પાકિસ્તાનની મુલાકાત લેવાનો કે તેની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ રમવાનો સતત વિરોધ કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો સારા નથી, તેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. બંને દેશો હાલમાં માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. બંનેની મુલાકાત થોડા સમય પહેલા એશિયા કપ 2022માં થઈ હતી, આ સિવાય ટી20 વર્લ્ડ કપ 2022માં પણ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં બંને આમને-સામને થશે.

Most Popular

To Top