SURAT

સુરત એરપોર્ટ પર રોજ સર્જાય છે મચ્છી માર્કેટ જેવો માહોલ : પેસેન્જરો બેહાલ

સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પર સિક્યોરિટી ચેક ઇન એરિયામાં પૂરતી સુવિધા અને જગ્યાના અભાવે રોજ ભીડ ભેગી થતી હોવાથી પરિવાર સાથે આવતા પેસેન્જરો (Passengers) બેહાલ થઈ રહ્યાં છે. સિક્યોરિટી ચેક ઇન એરિયામાં માત્ર બે સ્કેનરની સુવિધા હોવાથી બેક ટુ બેક ફ્લાઈટ ઉપાડવાની હોય છે ત્યારે અહીં મચ્છી માર્કેટ જેવો માહોલ ઊભો થયેલો જણાય છે. એરપોર્ટ પર રોજ બપોરે બે કલાકમાં એક પછી એક આવતી 5 ફ્લાઈટનાં પેસેન્જરને પણ ચેક ઇન કાઉન્ટર હેન્ડલ કરી શકતા નથી. જો 8 થી 10 ફ્લાઈટ ટૂંકા અંતરે આવે તો આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કૉલેપ્સ થઈ શકે છે.

આજે બપોરે કેટલાક પેસેન્જરો સુરત એરપોર્ટનાં સિક્યોરિટી ચેક ઇન કાઉન્ટર પર લાગેલી લાંબી લાઈનનો વીડિયો વાઇરલ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જાણે બસ ડેપોનું દ્રશ્ય હોય એમ ભીડ કતારમાં ઊભેલી જણાય છે. સુરતથી ચેન્નાઈની ફ્લાઈટ પકડી કોચી જઈ રહેલાં સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા એ જણાવ્યું હતું કે, બેક ટુ બેક ફ્લાઈટને લીધે ભીડ હોવા છતાં સિક્યોરિટી ચેક ઇન એરિયામાં માત્ર બે સ્કેનર કાર્યરત હતાં. નવું ટર્મિનલ બિલ્ડીંગ સેવા માટે ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી વેકેશન પૂરતું પણ એરપોર્ટ ડાયરેક્ટર, મેનેજરે સુવિધાઓ વધારવી જોઈએ. કારણકે બાળકો, મહિલાઓ અને વડીલો માટે બેસવાની પણ જગ્યા બચતી નથી. સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી રહી છે.


અધિકારીઓનું કહેવું છે કે બપોરે સવા બે વાગ્યાથી લઈને સવા ચાર વાગ્યા સુધી બે કલાકના ટૂંકા સમયગાળામાં ઈન્ડિગો એરલાઈન્સની ત્રણ અને એર એશિયાની બે ફ્લાઈટ આવીને રવાના થાય છે. સુરતથી બેંગ્લોર, ચેન્નાઇ, કલકત્તા અને જયપુરની ફ્લાઈટ ટેકઓફ થાય છે. ફ્લાઈટ પકડવા પેસેન્જરો કલાક બે કલાક પહેલા ટર્મિનલમાં પ્રવેશ કરે છે. બીજી ટફ ચેક ઇન સિક્યોરિટીમાં સમય લાગે છે, કારણકે પેસેન્જરો મોટી સંખ્યામાં સુરતથી જઈ રહ્યાં છે. એને લીધે ચેક ઈન પ્રોસિઝરમાં પેસેન્જરોને કલાક જેટલો સમય રાહ જોવી પડે છે. અને લાંબી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું. આજે એરપોર્ટનાં સિક્યોરિટી ચેક ઇન એરિયાની બદહાલીનો વીડિઓ વાયરલ થયો હતો. એરપોર્ટનું હયાત ટર્મિનલ નાનું પડી રહ્યું છે. ત્યારે નવા ટર્મિનલ બિલ્ડીંગનું કામ ઝડપથી પૂરું કરાવી એનું લોકાર્પણ કરવાની જરૂર જણાય છે. નવા ટર્મિનલ બિલ્ડીંગમાં સિક્યોરિટી ચેક ઇન અને ચેક ઇન કાઉન્ટરની સંખ્યા વધશે ત્યારે આ સમસ્યા નહીં રહે.

ટર્મિનલ નાનું પડે છે, નવા ટર્મિનલનું લોકાર્પણ થયા પછી આ સમસ્યા નહીં રહે
સુરત એરપોર્ટનાં ઇન્ચાર્જ એરપોર્ટ ડિરેક્ટર એસ સી. ભાલસેએ કહ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ખૂબ ટૂંકા સમય ગાળામાં 5 ફ્લાઈટનાં પેસેન્જર હેન્ડલ કરવાના હોવાથી, આ સમસ્યા વેકેશન સમયમાં ઊભી થાય છે. માત્ર આજે શુક્રવારની જ નહીં પરંતુ રોજની આ સ્થિતિ હોય છે. બપોરના સમયે પેસેન્જરોનો ઘસારો વધી જાય છે. હયાત ટર્મિનલ નાનું પડે છે. નવા વિસ્તરીત ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ થશે પછી આ સમસ્યા નહીં રહે.

Most Popular

To Top