Columns

પાપપુણ્યની સમજ માટે કોઈ પાઠશાળાની જરૂર નથી

આપણી સામે પાપ અને પુણ્યની કલ્પના છે અને પોતાની સમજ પ્રમાણે માણસ જીવન વ્યતીત કર્યા કરે છે. કયારેક સ્વાર્થવશ માણસ અનિચ્છાથી પણ ખરાબ કામમાં જોતરાતો હોય છે અને તે પછીથી પસ્તાતો પણ હોય છે. પ્રત્યેક મનુષ્યમાં પાપપુણ્યની  સમજ પોતાની કલ્પના પ્રમાણે હોય જ છે. પાપપુણ્યની સમજ માટે શાળાકોલેજોમાં જવાની જરૂરત નથી. વહેવારમાં જ આ સમજ વિકસે છે અને માણસ પોતાની સમજ પ્રમાણે કર્મો કરતો રહે છે. હા, સદ્‌વાચન અને સદ્‌વાણીનું શ્રવણ આ શકિતને વિકસાવે છે. કંઇ ન થાય તો સારી સોબતમાં રહેનારા  બહુધા પાપકર્મોથી બચી જાય છે. મૈત્રી પણ સમાનશીલ વ્યસનેષુ સખ્યમ્‌ પ્રમાણે થતી હોય છે. સારાં કાર્યોમાં જ રસ છે એવી વ્યકિત સાથેની મૈત્રી સારાં કાર્યો કરવા પ્રેરે છે અને તેથી વિરુદ્ધ પણ બની શકે છે.

મનુષ્યના ઘડતરમાં ઘરનું વાતાવરણ, માતાપિતાના સંસ્કાર તથા બીજાં સામાજિક પરિબળો પણ મોટો ભાગ ભજવી જાય છે. કોઇ પુણ્યશાળી આત્મા ખરાબ સ્થિતિમાં પણ ટકી જાય છે અને સમાજને સંસ્કારવાનાં કાર્યો કરી જાય છે. આ સર્વમાં બાહ્યકાળથી ઉત્તમ સંસ્કારી વાચન કે શ્રવણની તક જો મળી જાય તો તેવો માણસ ખરાબ સ્થિતિમાં પણ સારી રીતે ખીલી શકે છે. મનુષ્યમાં જયારથી સમજનો વિકાસ થવા લાગે છે ત્યારથી તેની સંસ્કારી ગતિનું દ્વાર ખૂલી જાય છે. કાચી વયમાં આપણો વિકાસ કેવા વાતાવરણમાં થાય છે તેના પર તેનો સારાનરસાનો આધાર છે. તેથી ઊગતી પેઢીનાં બાળકોને માતાપિતા કે ઘરના વડીલો TV છોડી સંસ્કારી વાર્તાઓ કહેતા હોય તો તે તેના વિકાસની મહા પાઠશાળા બની જાય છે. TV સામે જો માતાપિતા જ ગોઠવાઇ જાય અને ન જોવાનું બાળકો સાથે જુએ કે ન સાંભળવાનું સાંભળે તો આ ગૃહની પાઠશાળાનાં લેશન અસફળ બની રહે છે.

Most Popular

To Top