Dakshin Gujarat

પલસાણાની ચોંકાવનારી ઘટના: જ્વેલર્સના શો રૂમમાંથી ચાર મિનિટમાં જ તસ્કરો દાગીના ઉડાવી ગયા

પલસાણા: (Palsana) પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક બસ સ્ટેશનની (Bus Station) સામેની બાજુએ આવેલા સોના-ચાંદીના ભવ્ય શો રૂમ મોનીકા જ્વેલર્સમાં (Jewelers) ગત રવિવારે રાત્રે બે તસ્કર ત્રાટક્યા હતા. અને ચાર મિનિટના સમયમાં જ શો રૂમમાંથી 4.57 લાખથી વધુના દાગીના લઇ ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ (Police) દોડતી થઇ ગઈ હતી.

  • કડોદરામાં મોનિકા જ્વેલર્સના શો રૂમમાંથી ચાર મિનિટમાં જ તસ્કરો 4.57 લાખનો હાથફેરો કરી ગયા
  • મોડી રાત્રે બનેલી ઘટના, તસ્કરો સીસીટીવીમાં કેદ, ચોરેલું લેપટોપ ચાની લારી ઉપર મૂકી દીધું

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક બસ સ્ટેશનની સામેની બાજુમાં દોઢ માસ પહેલાં જ મોનિકા જ્વેલર્સ નામે સોના-ચાંદીનો ભવ્ય શો રૂમ શરૂ થયો હતો. ગત રોજ રાતે ૨.૧૦ વાગ્યાના અરસામાં બે ચોર ઇસમ બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરના સીસીટીવી કેમેરા તોડીને ઉપર ગયા હતા. ત્યાંથી મોનિકા જ્વેલર્સના ધાબા પર જઇ ત્યાંથી નીચે ઊતર્યા હતા. અને બે માળના શો રૂમમાં ઉપરના માળે આવેલું નાનું શટર તેમજ દરવાજાના બે લોક તોડી બંને બુકાનીધારી તસ્કરોએ જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ જ્વેલર્સમાં આવેલી સિક્યોરિટી સાયરન પણ ચાલુ થઇ જતાં તસ્કરોએ ૪ મિનિટ જેટલા સમયમાં જ સોનાં-ચાંદીના ઘરેણાંમાં વીંટી, ચેઇન, પેન્ડલ તેમજ રિયલ ડાયમંડના મંગળસૂત્ર મળી કુલ રૂ.4,57,000ની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ ચોરી કર્યા બાદ જ્વેલર્સમાંથી એક લેપટોપની પણ ચોરી કરી હતી. પરંતુ પકડાઇ જવાના ડરથી લેપટોપ નીચે ચાની લારી ઉપર મૂકી ભાગી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ કડોદરા પોલીસ તથા સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબીને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. એ સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

સિક્યોરિટી ગાર્ડ ના હોવાથી ઘટનાને અંજામ અપાયો
કડોદરા ચાર રસ્તા નજીક દોઢ માસ અગાઉ મોનિકા જ્વેલર્સના ભવ્ય શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બે માળના ભવ્ય શો રૂમ માટે રાત્રિના સમયે સિક્યોરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો ન હતો. જેને લઇ તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી. આ જ જ્વેલર્સની દુકાનમાં ચાર વર્ષ પહેલાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. તેમ છતાં સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરી ન હતી.

Most Popular

To Top