પલસાણા તાતીથૈયામાં બોરવેલમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતાં 40 વ્યક્તિને ઝાડા-ઉલટી

પલસાણા: (Palsana) સુરત જિલ્લાના તાંતીથૈયા ખાતે આવેલી પરપ્રાંતી વસ્તી ધરાવતા વિસ્તારની એક બિલ્ડિંગના બોરવેલમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું (Drainage) પાણી ગંદુ પાણી બોરમાં ભેગું થઈ જતાં 40થી વધુ વ્યક્તિને ઝાડા-ઉલટી (Diarrhea-vomiting) શરૂ થઈ જતાં આફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 15 વ્યક્તિને પલસાણા CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ 19થી વધુ વ્યક્તિને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં તેમજ 6થી વધુને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • તાતીથૈયામાં ચાચા બિલ્ડિંગ પાસે ભયંકર ગંદકી
  • 15 દર્દીને પલસાણા CHCમાં, 19થી વધુને સુરત સિવિલમાં તેમજ 6થી વધુને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા
  • ચાચા બિલ્ડિંગ અને આસપાસની બિલ્ડિંગની ફરતે ગંદકી પથરાયેલી હોવાથી તંત્રએ નોટિસ ફટકારી

આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના તાંતીથૈયા ખાતે પરપ્રાંતીય વસ્તી ધરાવતા પ્રથમ પાર્કમાં ચાચાની બિલ્ડિંગમાં ડ્રેનેજની પાઇપલાઇન લીકેજ થઈ હતી. ડ્રેનેજનું પાણી મીઠા પાણીના બોરવેલમાં ભેગું થયું હતું. અહીં બોરવેલનું પાણી દૂષિત પાણી બિલ્ડિંગમાં રહેતા પરિવારોએ પીવા માટે ઉપયોગમાં લેતા 40 જેટલા લોકો બીમાર પડ્યા હતા અને ઝાડા ઉલટી શરૂ થઈ ગઈ હતી. જેમાં 15 જેટલા વ્યક્તિઓને સારવાર માટે પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાયા છે. તેમની સ્થિતિ સ્થિર છે. જ્યારે 25 દર્દીને સુરત સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.

પલસાણા આરોગ્ય વિભાગની ટીમે પાણીના પીવાનો બોર સિઝ કર્યો, સર્વે અને ક્લોરીનેશનની કામગીરી શરૂ કરી
પલસાણા સીએચસીના મેડિકલ ઓફિસર ડો. નીતિન પટેલે જણાવ્યું હતું કે, પલસાણા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના પીવાનો બોર સિઝ કર્યો હતો તેમજ ક્લોરીનેશનની કામગીરી હાથધરી અને સર્વેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે તેમજ ચાચા બિલ્ડિંગ અને આસપાસની બિલ્ડિંગની ફરતે ગંદકી પથરાયેલી હોવાથી તેઓને નોટિસ ફટકારી હતી.

Related Posts