Top News

More Posts

   The Latest

Most Popular

રાજકારણ વાઘ ઉપરની સવારી છે. તમે જ્યાં સુધી વાઘ પર બેઠા હો ત્યાં સુધી તમારો કોઈ દુશ્મન તમારી નજીક ફરકતો નથી, કારણ કે તેને વાઘનો ડર હોય છે. જેવા તમે વાઘ પરથી હેઠા ઊતરો કે તમને વાઘ જ ખાઈ જાય છે. મહારાષ્ટ્રમાં શિવસેના સત્તામાં હતી ત્યાં સુધી તેના સંસદસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના ટ્રબલશૂટર સંજય રાઉત વાઘ બનીને ઘૂરકિયાં કરતા હતા. જેવી શિવસેનાના હાથમાંથી સત્તા ગઈ કે તરત સંજય રાઉત પર ઇડીનો પંજો પડ્યો છે. સંજય રાઉત હવે બિલાડી જેવા ભયભીત થઈ ગયા છે. તેમને નરેન્દ્ર મોદીમાં દેશના મહાન વડા પ્રધાન દેખાવા લાગ્યા છે. જો કે મોદીની ભક્તિ કરીને પણ તેઓ ઇડીના સપાટાથી બચી શક્યા નથી. રવિવારે ઇડીએ ૧,૦૩૯ કરોડ રૂપિયાના પત્રાવાલા ચાલકૌભાંડમાં સંડોવણી બદલ સંજય રાઉતની ધરપકડ કરી છે.

શિવસેનામાં મોટું ભંગાણ પડ્યું તેના પગલે તેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પોતાની રાજકીય કારકીર્દિ જીવતી રાખવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. તેમના પક્ષને સત્તામાં લાવવામાં અને ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો સંજય રાઉતનો હતો. સંજય રાઉતે જ શરદ પવાર સાથેના તેમના અંગત સંબંધોનો ઉપયોગ કરીને મહાવિકાસ અઘાડીની રચના કરી હતી અને લગભગ અઢી વર્ષ સત્તા ભોગવી હતી. શિવસેનાના બહુમતી વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને જતા રહ્યા છે, પણ પક્ષ ઉપર તેમની મજબૂત પક્ડ છે, કારણ કે મોટા ભાગના કોર્પોરેટરો અને શાખા પ્રમુખો તેમની સાથે છે. ટૂંક સમયમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની તાકાતની બરાબર કસોટી થવાની છે. જો ઉદ્ધવ ઠાકરે મુંબઈ મહાનગરપાલિકામાં પોતાનું શાસન ચાલુ રાખવામાં સફળ થાય તો તેમની આબરૂ બચી જાય તેમ છે. તેમાં તેમનો બહુ મોટો મદાર સંજય રાઉત પર હતો. ઇડીએ સંજય રાઉતની ધરપકડ કરીને ઉદ્ધવ ઠાકરેને ગંભીર ફટકો માર્યો છે. સંજય રાઉતની ગેરહાજરીમાં મુંબઈ મહાનગરપાલિકા જીતવાનું ઉદ્ધવ માટે કઠણ પુરવાર થશે.

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની ધરપકડ જે પત્રાવાલા ચાલ કૌભાંડમાં કરવામાં આવી તે કૌભાંડ એક દાયકા જેટલું જૂનું છે. મુંબઈના ગોરેગાંવમાં સિદ્ધાર્થ નગર નામની વસાહત આવેલી છે, જેને પત્રાવાલા ચાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધાર્થ નગરની માલિકી મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (મ્હાડા) ની છે. મ્હાડાએ તેમાં ૪૭ એકર જમીન પર કુલ ૬૭૨ રો હાઉસ બાંધ્યાં હતાં, જે જર્જરિત થઈ જતાં તેનું પુનર્નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ હતી. મુંબઈના બિલ્ડરો અને રાજકારણીઓ માટે જૂની ચાલીઓના પુનર્નિર્માણના પ્રોજેક્ટ સોનાની ખાણ જેવા હોય છે. તેના માટે બિલ્ડરો કરોડો રૂપિયાની લાંચ આપવા તૈયાર થઈ જતા હોય છે.

સિદ્ધાર્થ નગરના પુનર્નિર્માણનો કોન્ટ્રેક્ટ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (જીએસીપીએલ) નામની કંપનીને સોંપવામાં આવ્યો હતો, જે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ) કંપનીની સિસ્ટર કન્સર્ન છે. એચડીઆઇએલ કંપનીના પ્રમોટરો પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા હતા. ૨૦૦૮ માં જીએસીપીએલ કંપનીને સિદ્ધાર્થ નગરના પુનર્નિર્માણનો ઠેકો સોંપવામાં આવ્યો હતો. તે મુજબ તેમણે સર્વ પ્રથમ ૬૭૨ ભાડૂતોને પાકાં ઘરો પૂરાં પાડવાનાં હતાં. પછી જે જમીન વધે તેનું તેઓ બજારમાં વેચાણ કરી શકતા હતા. ૬૭૨ ભાડૂતોને પાકાં ઘરો ન મળી રહે ત્યાં સુધી તેમને વૈકલ્પિક ઘરનું ભાડું આપવાની જવાબદારી જીએસીપીએલ કંપનીની હતી. તેમણે ૨૦૧૪ સુધી ભાડૂતોને રકમ આપી, પણ તે પછી ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. તેમને પાકાં ઘરો મળ્યાં નહોતાં.

જીએસીપીએલ કંપનીએ ૬૭૨ ભાડૂતો માટે મકાનો ન બનાવ્યાં પણ ૪૭ એકર જમીનની એફએસઆઇ નવ ખાનગી બિલ્ડરોને વેચી મારી હતી અને ૯૦૧.૭૯ કરોડ રૂપિયા રોકડા કરી લીધા હતા. સિદ્ધાર્થ નગરના ભાડૂતોને પાકાં મકાનો મળ્યાં નહોતાં. તેઓ દર દર ભટકતા રહ્યા હતા, પણ તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નહોતું. આ બાજુ સિદ્ધાર્થ નગરની જમીન પર તેમણે મીડો નામના ટાવરની જાહેરાત કરી દીધી હતી અને ફ્લેટોનું બુકિંગ પણ કરવા માંડ્યું હતું. આ રીતે તેમણે બીજા ૧૩૮ કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. ભાડૂતોની ફરિયાદ વધી ગઈ ત્યારે ઇડી દ્વારા જીએસીપીએલના ભાગીદારો સામે કાળાં નાણાંને ધોળાં કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ ભાગીદારોમાં એક પ્રવીણ રાઉત શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની નજીક મનાય છે. બીજા ભાગીદારોમાં રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગનાં નામો જાણવા મળે છે. મુંબઈના કોઈ પણ બિલ્ડર કૌભાંડ આચરે તેમાં રાજકારણીઓનો હાથ અચૂક હોય છે. રાજકારણીઓની ભાગીદારી વિના કોઈ બિલ્ડર કૌભાંડ આચરી શકતો નથી. જીએસીપીએલના ભાગીદાર પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી ૮૩ લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષાને આપ્યા હતા. વર્ષા રાઉતે તે રૂપિયાનો ઉપયોગ કરીને દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. વળી વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરે ભાગીદારીમાં મુંબઈ નજીકના કીહિમ બીચ ઉપર આઠેક પ્લોટ પણ ખરીદ્યા હતા. આ પ્લોટ પણ ભ્રષ્ટાચારની કમાણીમાંથી ખરીદવામાં આવ્યા હોય તેવી શંકા છે. સ્વપ્ના પાટકરના પતિનું નામ સુજીત પાટકર છે, જે સંજય રાઉતનો ભાગીદાર હતો.

સ્વપ્ના પાટકર મરાઠી ફિલ્મોની અભિનેત્રી છે અને નિર્માતા પણ છે. ૨૦૧૫ માં તેણે બાળ ઠાકરેના જીવન ઉપર મરાઠી ફિલ્મ બાલ્કાડુ બનાવી હતી. કીહિમ બીચ ઉપર વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરે ભાગીદારીમાં પ્લોટો ખરીદ્યા તે પછી સ્વપ્ના પાટકરને તેના પતિ સુજીત સાથે ઝઘડો થયો અને તેઓ અલગ રહેવા ચાલ્યા ગયા. કીહિમના પ્લોટ સ્વપ્ના પાટકરના નામે લેવામાં આવ્યા હતા. તેણે પ્લોટના દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કરી દેતાં સંજય રાઉતે તેને ફોન કરીને ગાળાગાળી કરી હતી. સ્વપ્ના પાટકરે તે ફોન ટેપ કરી લીધો હતો.

સ્વપ્ના પાટકર હવે ઇડીની સાક્ષી બની ગઈ છે અને તેણે સંજય રાઉતની વાતચીતની ટેપ ઇડીને સુપરત કરી છે. સ્વપ્ના પાટકર પણ કાંઈ ઓછી માયા નથી. થોડા સમય પહેલાં તેનું નામ ડોક્ટરની બોગસ ડિગ્રીના પ્રકરણમાં ચમક્યું હતું. તેણે ક્લિનિકલ સાઇકોલોજિસ્ટની બોગસ ડિગ્રી પર હોસ્પિટલમાં નોકરી લઈ લીધી હતી. કાનપુરની છત્રપતિ શાહુ મહારાજ યુનિવર્સિટીની ડિગ્રી બોગસ પુરવાર થતાં તેને નોકરી છોડવાની ફરજ પડી હતી. કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષોની તાકાત તોડવા માટે ઇડી, સીબીઆઈ અને આઇટી જેવી એજન્સીઓનો ખૂબીપૂર્વક ઉપયોગ કરી રહી છે.

ગયા એક જ સપ્તાહમાં પશ્ચિમ બંગાળના કેબિનેટ મિનિસ્ટર પાર્થ ચેટરજી ઉપરાંત શિવસેનાના નેતા સંજય રાઉતને તેમણે જેલની હવા ખાતા કરી દીધા છે. સંજય રાઉતની ધરપકડ પછી ઉદ્ધવ ઠાકરે તેમના પરિવાર સાથે સહાનુભૂતિ દાખવવા તેમના ભાંડુપના ઘરે પહોંચી ગયા હતા. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત વિધાનસભ્ય છે. ભાજપ સરકાર ઇડીનો ઉપયોગ કરીને શિવસેનાને ખતમ કરી રહી છે, પણ ઉદ્ધવ ઠાકરે લાચાર છે. તેમને ખબર છે કે શિવસેનાના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, માટે તેઓ તેમનો બચાવ કરવાની સ્થિતિમાં પણ નથી. ભ્રષ્ટાચાર આચરનારા જો વિપક્ષમાં હોય તો તેમનું આવી બનવાનું છે.

To Top