Business

દેશના સૌથી મોટા બેંકિંગ લોન ફ્રોડ કેસમાં DHFLના પૂર્વ ડિરેક્ટર ધીરજ વધાવનની CBIએ કરી ધરપકડ

સીબીઆઈએ (CBI) ડીએચએફએલ (DHFL) (દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ધીરજ વધાવનની રૂ. 34,000 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. વધાવનને સોમવારે સાંજે મુંબઈથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને મંગળવારે તેમને દિલ્હીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી તેઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈએ આ મામલામાં 2022માં તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વધાવનની અગાઉ યસ બેંક ભ્રષ્ટાચાર કેસમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે જામીન પર હતા. સીબીઆઈએ 17 બેંકોના કન્સોર્ટિયમ દ્વારા 34,000 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સંબંધિત DHFL કેસ નોંધ્યો હતો. આ દેશનો સૌથી મોટો બેંકિંગ લોન ફ્રોડ કેસ માનવામાં આવે છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ₹22 લાખના લેણાંની વસૂલાત માટે પૂર્વ DHFL પ્રમોટર્સ ધીરજ અને કપિલ વધાવનના બેન્ક ખાતા તેમજ શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને એટેચ કરવાનો આદેશ આપ્યો હતો. વધાવન પર ₹10.6 લાખના બાકી લેણાંમાં પ્રારંભિક દંડની રકમ, વ્યાજ અને વસૂલાત ખર્ચનો સમાવેશ થાય છે. જુલાઇ 2023માં નિયમનકારે વધાવન પર દરેક પર ₹10 લાખનો દંડ લાદ્યો હતો.

Most Popular

To Top