Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ખેલાડીઓની (Players) સુરક્ષા સર્વોપરી હોવાનું જણાવતાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પાકિસ્તાનમાં (Pakistan) 2023માં યોજાનાર એશિયા કપમાં ભાગ લેશે કે કેમ તે અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય ટીમની પાકિસ્તાન જવાની સંભાવના નહીવત છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને ભારતીય બોર્ડના સચિવ જય શાહે ગઈ કાલે કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય અને ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમશે. તેના પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેતવણી આપી હતી કે જો આવું થશે તો 2023માં ભારતમાં યોજાનાર વર્લ્ડકપમાં તેમની ભાગીદારી પ્રભાવિત થઈ શકે છે. જય શાહના નિવેદન પછી જાગેલા વિવાદ વિશે પૂછવામાં આવતા ઠાકુરે કહ્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી છે. ભારતીય ટીમ એશિયા કપમાં જશે કે કેમ તેનો નિર્ણય ગૃહ મંત્રાલય કરશે. એવું પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ આવતા વર્ષે સરહદ પાર જાય તેવી શક્યતા છે, ત્યારે ઠાકુરે કહ્યું હતું કે સંભાવનાઓ હંમેશા રહે છે. કોને લાગ્યું કે કોરોના આવશે? કંઈપણ થઈ શકે છે પરંતુ આ વાતની સંભાવના નથી.

પાકિસ્તાન સાથેની દ્વિપક્ષીય સીરીઝ અંગે અમારું અમારું વલણ પહેલા જેવું જ છે : રમત મંત્રી
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે અમે આઇસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમીએ છીએ પરંતુ દ્વિપક્ષીય શ્રેણી પર અમારું વલણ પહેલા જેવું જ છે. આતંકવાદના ઓછાયા હેઠળ ક્રિકેટ રમી શકાય નહીં. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોના પાકિસ્તાન પ્રવાસ પછી પણ સુરક્ષાની ચિંતાઓ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ઠાકુરે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અને ભારતની પરિસ્થિતિમાં બહું મોટો ફરક છે.

વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ દરેકને આમંત્રિત કરાશે, ભારત હવે કોઇનું સાંભળવાની સ્થિતિમાં નથી : અનુરાગ ઠાકુર
જય શાહે એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો નન્નો ભણ્યા પછી પીસીબીએ એવી ધમકી આપી હતી કે અમે પણ આવતા વર્ષે ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે વિચારીશું. જો કે આજે અનુરાગ ઠાકુરે એવું સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાય થયેલી તમામ ટીમોને આમંત્રિત કરવામાં આવશે. ભારત હવે કોઈનું સાંભળવાની સ્થિતિમાં નથી અને કોઈનું સાંભળવાનું કોઈ કારણ નથી. અમે દરેકનું સ્વાગત કરીશું અને આશા છે કે દરેક આવશે.

To Top