Dakshin Gujarat

નાની નરોલી ગામે ગોચરની જમીનમાં માટીખનન મુદ્દે મામલો વધુ ગરમાયો

વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના નાની નરોલી (Nani Naroli) ગામે ગોચરમાં માટીખનન મુદ્દે ગ્રામસભા તોફાની બન્યા બાદ મામલો વધુ ગરમાયો છે અને હવે ગ્રામ પંચાયતના (Gram Panchayat) આઠ જેટલા ચુંટાયેલા સભ્યોએ ગ્રામ પંચાયતના શાસકો વિરુદ્ધ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.નાની નરોલી ગામે ચાંદણીયા વગામાં સરવે નં.65 અને બ્લોક નં.110 વાળી સરકારી ગોચરની જમીનમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહેલા માટીખનન મુદ્દે બળવંતભાઈ દેવજીભાઈ નામના નાગરિકે તા.18મીના રોજ યોજાયેલી નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રજૂઆત કરતાં આ મુદ્દે ગ્રામસભા તોફાની બની હતી.

  • ગ્રામ પંચાયતના 8 જેટલા સભ્યો અને ગ્રામજનોએ મામલતદાર-ટીડીઓને લેખિત રજૂઆત કરી
  • મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી

માટીખનનની ફરિયાદ મુદ્દે ઉશ્કેરાઈ જઈ અભદ્ર ભાષા બોલી
મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો, જેમાં ગ્રામ પંચાયતના શાસકો દ્વારા કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ અરજી પણ આપવામાં આવી હતી. આ સંદર્ભે ગ્રામજનોએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતના શાસકોએ માટીખનનની ફરિયાદ મુદ્દે ઉશ્કેરાઈ જઈ અભદ્ર ભાષા બોલી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું વિપક્ષના સભ્યો જણાવી રહ્યા છે.આ મુદ્દે ગ્રામ પંચાયતના ચુંટાયેલા વિપક્ષી સભ્ય અબ્દુલ યુસુફ દિવાન, સતીશ ઈશ્વર પરમાર, હાજરા બીબી સબીર શાહ, ફાતમા શબ્બીર જાડા, રેહાના ઉસ્માન ગની ભૂલા, સુમનબેન બાબુભાઈ વસાવા, વિષ્ણુભાઈ ડાયાભાઈ વસાવા, કમુબેન હીરાભાઈ વસાવા સહિત કુલ આઠ જેટલા સભ્યોની સહી સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ માંગરોળના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વગેરેને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જેમાં નાણાકીય રીતે મોટી ગેરરીતિ થવાની શંકા
તેમણે જણાવ્યું કે, હાલમાં ગોચરની જમીનમાં તળાવ બનાવવાના નામે લોકોને ગેરમાર્ગે દોરી બિનઅધિકૃત માટીખનન કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં નાની નરોલી ગામે તળાવ આવેલું છે અને આ તળાવ ઊંડું કરવાના નામ પર બીજી જગ્યાએ માટીખનન થઈ રહ્યું છે. સરકારના નીતિ નિયમનો ભંગ કરી ગોચરની જમીન બિનઅધિકૃત રીતે આપવાની પેરવી થઈ રહી છે, જેમાં નાણાકીય રીતે મોટી ગેરરીતિ થવાની શંકા અમે વ્યક્ત કરીએ છીએ. આ મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top