Dakshin Gujarat

માંગરોળના વાલેસા ગામે દીપડો પાંજરે પુરાયો, ઘણા દિવસોથી લોકો જાગરણ કરવા મજબૂર બન્યા હતા

માંગરોળ: હાલમાં સુરત જિલ્લામાં દીપડાના (Leopard) વધેલા હુમલાઓને કારણે રહેવાસીઓમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સોમવારે સવારે સુરત ગ્રામ્યમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માંગરોળના (Mangrol) વાલેસા ગામે દીપડો દેખાયા બાદ છેલ્લા કેટલાક દિવસથી ગામલોકો ભયના ઓથાળ હેઠળ જીવી રહ્યા હતા. સ્થાનિકોએ વન વિભાગને દીપડો દેખાયાની ફરિયાદ કરી હતી. વન વિભાગે (Forest Department) ગ્રામજનોની ફરિયાદ બાદ મારણ સાથે પાંજરું મૂક્યું હતું.

  • સુરત જિલ્લામાં સતત વધી રહેલા દીપડાના આતંકથી ગામજનોમાં ભયનો માહોલ
  • સ્થાનિકોએ કહ્યું કે, મારણની લાલચમાં આજે સવારે દીપડો પાંજરે પુરાયો એ અમારા માટે ખુશીના સમાચાર

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મારણની લાલચમાં આજે સવારે દીપડો પાંજરે પુરાયો એ અમારા માટે ખુશીના સામાચાર છે. હાલમાં વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લેવામાં આવ્યો છે. દીપડાના સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ જંગલમાં સલામત સ્થળે ખસેડવામાં આવશે એવું જાણવા મળ્યું છે. હાલ ગામમાં ખુશીનો માહોલ છે. ઘણા દિવસોથી ગ્રામજનો ભય વચ્ચે રાત-દિવસ ગુજારવા મજબુર હતા. કદાવર દીપડો જોઈ ધ્રુજારી આવી જાય એ વાત પાક્કી છે.

વણખુટા ગામે હિંસક દીપડાએ 9 વર્ષના બાળકને ફાડી ખાધો
આધ્યાત્મિક ગામ વણખુટા ગામે માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા માતમ છવાઈ ગયો હતો. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષના માસૂમ બાળકને હિંસક અને ખૂંખાર દીપડાએ ખેંચી જતા તેની લાશ મળી આવી હતી. મોતને ભેટેલા બાળકની એક દોઢ કિમીના અંતરે ફાડી ખાધેલી હાલતમાં વિકૃત લાશ મળી હતી. આ બાબતે ઝઘડિયા વન વિભાગને જાણ કરતા હિંસક દીપડાને પકડવા કામે લાગી છે.

સાતપુડા પર્વતમાળામાં આવેલા વણખુટા ગામે નવ વર્ષીય સેલૈયાકુમાર દેવેન્દ્રભાઈ વસાવા ગત શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં કુદરતે હાજતે ઘરથી થોડે દૂર ગયો હતો. આ ક્ષેત્રમાં દીપડાની મૌજુદગી હતી. સેલૈયા વસાવા પર હિંસક દીપડાએ હુમલો કરી તેને ફાડી ખાધો હતો. મોડે સુધી સેલૈયા ઘરે પરત ન આવતાં પરીજનો તેને શોધવા નીકળ્યા હતાં. એકાદ કિલોમીટર દૂર તેની લાશ વિકૃત હાલતમાં મળી હતી. ગ્રામજનો દ્રારા નેત્રંગ પોલીસને આ બાબતની જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.

ઉલ્લેખનીય એ છે કે, વણખુટા ગામે પ્રાચીન દક્ષિણામુખી હનુમાનજીનું પ્રતિષ્ઠિત મંદિર આવેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ મહિનાના શનિવારે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો દર્શનાર્થે આવે છે. એ જ ગામમાં શ્રાવણના શનિવારે માસુમ બાળકને દીપડાએ ફાડી ખાધો હોવાની ઘટનાથી આખું શોકાતુર બની ગયું છે.

Most Popular

To Top