National

ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર 40 સેન્ટિમીટરનો કૂદકો માર્યો

નવી દિલ્હી: વિક્રમ લેન્ડરે (Vikram Lander) ચંદ્રની (Moon) સપાટી પર છલાંગ (Jump) લગાવી છે. તેણે 40 સેન્ટિમીટરની ઊંચાઈ સુધી કૂદકો માર્યો. આ દરમિયાન તેણે 30 થી 40 સેન્ટિમીટરનું અંતર પણ કાપ્યું હતું. ઈસરોએ (ISRO) ટ્વીટ કરીને કહ્યું છે કે વિક્રમે ફરીથી સોફ્ટ લેન્ડિંગ (Soft Landing) કર્યું છે. વિક્રમ લેન્ડરે તેના મિશન ઉદ્દેશ્ય કરતાં વધુ સિદ્ધ કર્યું છે. તેણે કૂદવાનો પ્રયોગ પૂરો કર્યો છે.

કમાન્ડ મળ્યા બાદ વિક્રમ લેન્ડરનું એન્જિન ઓન થયું હતું. ત્યાર બાદ તે 40 સેન્ટીમીટર ઉપર હવામાં ઉઠ્યું હતું. ત્યાર બાદ લેન્ડરે પોતાની જગ્યાથી 30થી 40 મીટર દૂર નવી જગ્યા પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેના લીધે ભવિષ્યમાં સેમ્પલ રિટર્ન એટલે કે ચાંદની સપાટીથી સેમ્પલ લાવનારા મિશન અને હ્યુમન મિશનને સફળ બનાવી શકે છે.

આ સમયે વિક્રમ લેન્ડરના તમામ પાર્ટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડરનો રેમ્પ, ચેસ્ટ અને ILSA પેલોડ્સ કૂદતા પહેલા બંધ થઈ ગયા હતા. સોફ્ટ લેન્ડિંગ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું છે. આ પહેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરને (Praghyan Rover) ચંદ્ર પર એવી જગ્યા પર લાવીને સ્લીપ મોડમાં (Sleep Mode) મુકવામાં આવ્યું છે, જ્યાં તેને સૂર્ય ઉર્જા મળશે ત્યારે તે ફરીથી સક્રિય થઈ જશે.

પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાં જતું રહ્યું
આગામી એક-બે દિવસમાં ચંદ્ર પર અંધારું છવાઈ જશે. સૂર્ય આથમશે. ત્યારબાદ લેન્ડર-રોવર 14-15 દિવસ સુધી રાત્રિ રોકાણ કરશે. એટલે કે ચંદ્રની રાત શરૂ થવાની છે પરંતુ હવે ચંદ્ર પર દિવસ છે . ચંદ્રયાનને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડ કરવામાં આવ્યું હતું. એ વખતે ત્યાં સૂરજ ઊગતો હતો.

ઈસરોનું આયોજન હતું કે ચંદ્રના જે ભાગમાં લેન્ડર-રોવર ઉતરશે ત્યાં આગામી 14-15 દિવસ સુધી સૂર્યપ્રકાશ પડતો રહેશે. તેનો અર્થ એ કે હજી દિવસ છે. જે આગામી ચાર-પાંચ દિવસ સુધી જ ચાલશે. તે પછી અંધારું થવા લાગશે. લેન્ડર-રોવર પર સૂર્યપ્રકાશ નહીં પડે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે બેટરીને અગાઉથી સંપૂર્ણપણે ચાર્જ કર્યા પછી સિસ્ટમ્સ બંધ થઈ જાય. જેથી જરૂર પડ્યે તેઓને પછીથી ફરી ચાલુ કરી શકાય.

અંધારું થશે તો શું થશે?
લેન્ડર અને રોવરમાં સોલર પેનલ લગાવવામાં આવી છે. તેઓ સૂર્યમાંથી ઊર્જા લઈને ચાર્જ થાય છે. જ્યાં સુધી સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી તેમની બેટરી ચાર્જ થતી રહેશે. તેઓ કામ કરતા રહેશે. અંધારું થઈ જાય પછી પણ રોવર અને લેન્ડર થોડા દિવસો કે કલાકો સુધી કામ કરી શકે છે. તે તેમની બેટરીના ચાર્જિંગ પર આધાર રાખે છે. પરંતુ તે પછી તેઓ આગામી 14-15 દિવસ પછી સૂર્ય ઉગવાની રાહ જોશે. સૂર્યોદય પછી તેઓ ફરીથી સક્રિય થઈ શકે છે.

Most Popular

To Top